સુરત એટલે શેરીઓમાં વસતું શહેર. સુરત એટલે જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું શહેર. શેરીઓની વાત અનોખી, શેરીઓમાં તમામ પ્રકારનાં મકાનો હોય, જુનાં લાકડાનાં મકાનો હોય કે મોટી હવેલી હોય કે હાલમાં બનેલી RCC બિલ્ડીંગ હોય, તમામ પ્રકારનાં મકાનો શેરીની રોનક લાગે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ કે શ્રીમંત વર્ગ એક જ શેરીમાં વસવાટ કરતાં હોય, કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નહિ. શેરીમાં કોઈ શુભ પ્રસંગે જમણવારમાં પંગતમાં બેસી જમવામાં કોઈ નાનમ નહિ. ઉત્સવો, તહેવારો સાથે મળીને ઉજવાતા એ આપણી સુરતની શેરીની વિશેષતા.
શેરીના મિત્રમંડળમાં પણ તમામ પ્રકારનાં મિત્રો હોય, એમાં પણ કોઈ ભેદભાવ નહિ. પહેલાં શેરીઓના મકાનમાં સંયુક્ત પરિવાર વસતાં હતાં. આજથી પચીસ વર્ષ પહેલાં સુરતનો વિકાસ થવા લાગ્યો, પરિણામે સગવડ પ્રમાણે પરિવારો વિભક્ત થયાં. ધનિક વર્ગ પોશ વિસ્તારમાં બંગલામાં વસવાટ કરવા લાગ્યો. મધ્યમ વર્ગ સાધારણ વિસ્તારમાં સ્થળાંતર થયો તો ગરીબ વર્ગ શહેરના છેવાડે જઈને વસ્યો. આજે વિકાસના વંટોળમાં અસ્સલ સુરતીઓ વેરવિખેર થઇ ગયાં. કોઈ પણ નાનકડા નગરને વિરાટ મહાનગર બનવાની આ કિંમત ચૂકવવી પડતી હશે તેમાં સુરત અપવાદરૂપ ન બની શકે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નવી પેઢીમાં પુસ્તકપ્રેમ ઘટી રહ્યો છે
આજે ડીજીટલ યુગમાં નવી પેઢી આધુનિક ટેકનોલોજી અને લેપટોપ મોબાઈલનો મહત્તમ ઉપયોગ કરી રહી છે, પરંતુ તેની સાથે પુસ્તકોનું વાચન નિરંતર ઘટી રહ્યું છે. આજે પુસ્તકાલયો અને એસ.એમ.સી. આયોજિત પુસ્તકમેળામાં નવયુવાનો અને યુવતીઓની હાજરીનું પ્રમાણ નહિવત્ જોવા મળે છે. પુસ્તક જેવું કોઇ માર્ગદર્શક અને વફાદાર મિત્ર નથી અને સારાં પુસ્તકોના નિયમિત વાચનથી તમારી બુદ્ધિનો વિકાસ થશે. તમારા જીવનમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ પુસ્તકોમાંથી મળશે જ. આ અંગે રાજ્યોની સરકારી અને ખાનગી સંસ્થાઓએ પુસ્તકવાચન જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ અને નવી પેઢીના જીવનમાં પુસ્તકોનું મૂલ્ય સમજાવવું જરૂરી અને અનિવાર્ય બન્યું છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.