Charchapatra

સામાજિક ગેરશિસ્તો

શિસ્ત અને ગેરશિસ્ત વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે અને માટે જ સામાજિક ગેરશિસ્ત આચરનારાઓને પોતાના વર્તનમાં કોઈ ગેરશિસ્ત થાય છે તેનો ખ્યાલ આવતો જ નથી. આમ તો આ એક અત્યંત નાની વાત છે પણ વ્યક્તિનું વર્તન વ્યક્તિની છાપ ઉભી કરે છે. દા.ત.આપણી ઘરે આવનાર વ્યક્તિ માટે ગોઠવેલી ખુરશીને ખસેડી બિરાજે છે પણ જતી વખતે તે તેની મૂળ જગ્યાએ મુકવાની કાળજી રાખતા નથી. ઘરે આવેલા મહેમાન સવારે ઉઠીને પથારી વાળી યોગ્ય જગ્યાએ મુકતા જ નથી. ઘણા તો મહેમાન પોતાનો ટુવાલ, ટૂથ બ્રશ કે ઉલિયું પણ સાથે રાખતા નથી.

આજ પ્રમાણે બુફે લંચ કે ડિનરમાં સામાજીક શિસ્તની ગેરહાજરી જે દ્રશ્ય સર્જે છે, તે ભદ્ર સમાજની માનસિકતા અને લોભ વૃત્તિ છતી કરે છે, ખાદ્ય સામગ્રીના બગાડનો કોઈ અંદાજ રહેતો નથી અને પરીણામે ઘણી રાંધેલી વાનગીઓ ગટરમાં જાય છે. વળી, સૌથી વરવું દ્રશ્ય એક સ્મશાનગૃહમાં જોવા મળ્યું. કોઈ સજ્જન તેમના કોઈ અંગત કે સગાને અગ્નિદાહ દેતા હતા, તે જ વખતે તેમનો જીગરનો ટુકડો મોબાઈલ રણક્યો, અન્ય એક સેવાભાવીએ તેમના ગજવામાંથી મોબાઈલ કાઢી અગ્નિદાહ દેનારા ભાઈના કાને મુક્યો, અને પેલા ભાઈએ શિસ્ત પાળતા મોબાઈલ પર કહ્યું કે મારા -ને અગ્નદાહ દવું છું, અને હું પાંચ મીનીટમાં તને ફોન કરું છું.!
નાનપુરા, સુરત- રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top