ફરી એક વાર સુરતના ભાજપના ગઢ ગણાતા અંબાજી રોડ ઉપર, નગરસેવકોની કામગીરી પ્રત્યે નારાજગી દર્શાવતાં બેનરો લાગ્યાં! અગાઉ પણ આ પ્રકારનાં બેનરો કોટ વિસ્તારમાં ઘણે ઠેકાણે લાગી ચૂકયાં છે! અહીં કોઇને દોષ દેવા કરતાં મતદારો પોતાની અંદર ઝાંખે તો એમને જણાશે કે ‘મોદી મેજીક’ની અસર હેઠળ અને ભકિતરસમાં તરબોળ બની, ઉમેદવારોનો ‘બાયોડેટા’ અને ભૂતકાળ જાણ્યા – તપાસ્યા વગર આંખો મીંચીને મતો આપી દીધા અને હવે બૂમરાણ મચાવે છે કે કામો થતાં નથી! આ એ નગરસેવકો છે, જેમાંના ઘણાં પાંચ પાસે છે તો કોઇ દસ પાસ છે અને સમખાવા પૂરતા બે કે ત્રણ ગ્રેજયુએટ છે! જેઓને લેપટોપની ‘કી’ વિશે કોઇ જ્ઞાન નથી તેમને લેપટોપ અપાયા અને હવે.
તેઓ ઇલેકટ્રીક કારના સપનાંઓ જોઇ રહ્યા છે! લોકસભા, વિધાનસભા મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીઓ હોય ત્યારે કોઇ ચોકકસ ‘વ્યકિતવિશેષ’ને ધ્યાને લઇને એના પ્રભાવમાં આવ્યા વગર જે ઉમેદવારને તમે મત આપો છો તેના વિશે પૂરતી માહિતી મેળવો પછી મત આપો! જો કોઇ ઉમેદવાર યોગ્ય નથી લાગતો તો ‘નોટા’નો વિકલ્પ તમારી પાસે છે જ! એટલે ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં આ બધી બાબતો ધ્યાને લઇને મત આપશો તો, બેનરો લગાડવાં નહીં પડે!
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.