આ જિંદગીમાં આટલી ફુરસદ કોના નસીબમાં, એટલી બધી યાદ ન આવ કે તને ભૂલી જઇએ અમે. ભાગદોડની જિંદગીમાં કોને ફુરસદ(ફ઼રાગ઼ત) મળે છે? પરંતુ પ્રિયજનની યાદ આવે એટલે બીજી બધી પ્રવૃત્તિ બાજુએ રહી જાય. દિલની ધડકનની સાથે તેની યાદ આવવા લાગે પરંતુ જયારે કોઈ ચાહનારો તેની પ્રિયજનને સતત યાદ કર્યા કરે ત્યારે તેની યાદનો સિલસિલો એવો ચાલે કે જાણે પ્રિયજનને એ ભૂલી ગયો હોય. જીવનની દરેક પળે તમે કોઈ ચાહનારાને યાદ તો કરો છો પરંતુ સતત કોઈની યાદ પણ તેને ભૂલાવી દેતી હોય છે. કોઈને યાદ કરવામાં ઘણી વખત આપણા પોતાના વજૂદને ભૂલી જવા જેવું પણ બને છે. કોઈ પ્રિયજનની યાદમાં પોતાને પણ ભૂલી જવા જેવી સ્થિતિ થઇ જાય છે. આમ જીવનમાં એટલી ફુરસદ તો હોતી નથી કે બીજા વિશે માણસ કશું વિચારી પણ શકે.
કેટલીક વખત તો દોડધામ એવી હોય કે પોતાને પણ માણસ યાદ નહીં કરે. તેવા સમયે પ્રિયજનને યાદ કરવું કે ભૂલી જવું પણ યાદ નહીં રહે પરંતુ કોઈને પ્રેમ કરો તો તેને યાદ કરવી પણ મહત્ત્વની બાબત બની જાય. જયારે યાદના સહારે જીવન ચાલતું હોય ત્યારે ભૂલી જવું શક્ય તો નથી. સતત યાદ આવવું તે પણ જાણે તેને ભૂલી જવા જેવું હોય છે. કોઈ યાદ આવે ત્યારે તેની યાદ પણ કોઈ મુલાકાતથી કમ નથી હોતી પરંતુ સતત યાદ, સતત સ્મરણ. જાણે એક ક્ષણ પણ નહીં ભૂલવાની જીદ. તેવા સમયે યાદનો સતત વરસાદ પણ ભીંજવી શકતો નથી. તેવા સમયે યાદ પણ જાણે પ્રિયજનને ભૂલી ગયા હોય તેવો અહેસાસ કરાવે. જીવનમાં પ્રેમની દરેક ક્ષણ પ્રિયજનની યાદ બનીને વરસે છે. પ્રેમમાં યાદનો મહિમા મિલનથી પણ વધુ છે કારણ કે મિલન પછીની દરેક ક્ષણ યાદથી જીવંત બને છે. વિરહની દરેક ક્ષણ પણ મિલન સુધી યાદના સેતુથી સલામત રહે છે. કોઈની યાદમાં જીવવાનો પણ એક આનંદ હોય છે.