તા. ૨૫-૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં ઇંગ્લેન્ડનાં ક્રિસ માર્ટિનનું “કોલ્ડ પ્લે”નામનું બેન્ડ આવી રહ્યું છે. યુવકો અને યુવતીઓ ગાંડાંની જેમ તેને જોવા સાંભળવા ધસી જશે. આ ધસારો એટલો મોટો હશે કે એરપોર્ટ ઓથોરીટીએ પ્રવાસીઓ જોગ નોટિસ બહાર પાડી છે કે તેઓએ હવાઈ મથકે પહોંચવા ઘરેથી થોડાં વહેલાં નીકળવું. વિદેશમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપતિનો કાફલો નીકળવાનો હોય તો પણ વાહનો સરળતાથી સરતાં રહે. વિધિની વક્રતા એ છે કે ક્રિસ ગાશે અંગ્રેજીમાં અને બહુમતી શ્રોતાને સમજાશે નહીં. અડધાંથી તો બ્રિટિશ ઉચ્ચારણો નહીં ઉકેલાશે, કારણ કે બેન્ડનો કોલાહલ પણ એટલો જ હશે. ઉપરથી તરુણ અને યુવા શ્રોતાની બૂમાબૂમ. ઘર આંગણે જો ગુજરાતી કવિ સંમેલન હોય તો પ્રેક્ષકો ભેગાં કરતાં આયોજકોને નાકે દમ આવે.
એટલું જ નહીં, ભાષાનાં છાત્રો તો ઠીક, ભાષાનાં શિક્ષકો કે અધ્યાપકો પણ સમ ખાવા પૂરતાંય ફરકતાં હોતાં નથી. હિન્દીભાષી રાજ્યોમાં મુશાયરાઓમાં માનવમેદની હોય છે. કોઈ સારા વક્તા આવવાના હોય તો જે તે હૉલમાં કોલેજ છાત્રોની હાજરી પાંખી. સંસ્કૃતમાં સૂક્તિ છે, સ્વાધ્યાય કરવામાં અને પ્રવચન સાંભળવામાં પ્રમાદ એટલે આળસ કરવું નહીં. વાચન અને શ્રવણનો એક ફાયદો છે કે અનેક બાબતો જાણવા મળે. બનવાજોગ છે કે, જીવનના કોઈ મહત્ત્વના પ્રશ્નનો ઉકેલ પણ મળે. થોડા સમય પૂર્વે અલ્લુ અર્જુનની રેલીમાં એક સ્ત્રી મૃત્યુ પામી હતી. મનોવૈજ્ઞાનિક બી એફ સ્કિનરે સુંદર વાત કરી છે; પ્રશ્ન એ નથી કે યંત્રો વિચારે છે. પ્રશ્નો એ છે કે મનુષ્યોએ વિચારવાનું માંડી વાળ્યું છે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
