કેનેડા : કેનેડાનાં (Canada) જંગલોમાં (WildFire) અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. તેની અસર અહીંનાં લગભગ તમામ 10 પ્રાંતો અને શહેરોમાં જોવા મળી રહી છે. કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડાએ ઉત્તર અમેરિકાના મોટા ભાગોને ઘેરી લીધા છે. જેના કારણે મિનેસોટાથી મેસેચ્યુસેટ્સ સુધી એરએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ ઓન્ટારિયોના ઓટાવા અને ટોરોન્ટોના ભાગોમાં ધુમ્મસના સ્તર છવાઈ ગયાં છે. કેનેડિયન અધિકારીઓએ રહેવાસીઓને ખરાબ હવાની ગુણવત્તા અંગે ચેતવણી આપી હતી. ધુમાડાના ગોટેગોટા ન્યૂયોર્ક સ્ટેટ અને વર્મોન્ટના ભાગો સુધી પહોંચી ગયા છે. ધુમાડાને કારણે મંગળવારે ન્યૂયોર્ક શહેરમાં હવાની ગુણવત્તા અંગે ચેતવણી આપવામાં આવી હતી. બપોર સુધીમાં મેનહટનનું આકાશ પણ ધુમાડાથી ભરાઈ ગયું હતું.
ન્યૂયોર્ક સિટી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત હવાની યાદીમાં ટોચ પર પહોંચી ગયું છે. ક્વિબેકમાં 100 કરતાં વધુ જંગલોમાં આગ લાગવાથી ન્યુયોર્કમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ આગના કારણે દક્ષિણમાં હાનિકારક ધુમાડો નીકળી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી, ઉત્તરપૂર્વ અને મધ્ય-એટલાન્ટિકના ભાગો કેનેડાના જંગલોમાં લાગેલી આગના ધુમાડાથી પ્રભાવિત થયા છે, જે વિશ્વના સૌથી ધનિક શહેરોમાંથી એક છે. આ કારણોસર, આ ભાગોમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે.
IQair અનુસાર, ન્યૂયોર્ક સિટીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) મંગળવારે રાત્રે 200 થી ઉપર નોંધાયો હતો. આ આગના પ્રદૂષણના કારણે સેન્ટ્રલ ન્યુ યોર્કમાં ઓછામાં ઓછા 10 શાળા જિલ્લાઓએ પ્રદૂષણની સ્થિતિને કારણે મંગળવારે આઉટડોર પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો રદ કર્યા. મંગળવારે ન્યુયોર્ક શહેરની હવામાં PM2.5 ની સાંદ્રતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા કરતાં 10 ગણી વધારે હતી.
તમને જણાવી દઈએ કે, વાયુ પ્રદૂષણ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, 2016 માં, પ્રદૂષણને કારણે લગભગ 4.2 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા.
એક અહેવાલ મુજબ, આ અઠવાડિયે ક્વિબેકમાં ઓછામાં ઓછા 150 થી વધુ જંગલોમાં આગ લાગી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મંગળવારે ઉત્તરપૂર્વ અને મધ્યપશ્ચિમના ભાગોમાં હવાની ગુણવત્તાની ચેતવણી જારી કરવામાં આવી છે.