સુરત : સુરત (Surat)ની સ્મીમેર હોસ્પિટલ (Smimmer hospital)ના ડોક્ટરો (Doctrors)ની વધુ એક આડોડાઇ સામે આવી છે. મનપા (SMC) સંચાલિત આ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન (Neurosurgeon) ડોક્ટર જ ન હોવાથી માથામાં ઇજા (Head injury) સાથે આવેલા એક દર્દીને સિવિલ મોકલી (Civil refer) આપવામાં આવ્યો હતો. ખુલ્લી ઇજા સાથે આ યુવક નવી સિવિલમાં આવતાં ડોક્ટરો પણ અચંબામાં મુકાયા હતા. શુક્રવારે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ છતાં આ યુવકની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ રામચંદ્રભાઇ પટેલ ડાઇંગ મિલમાં મિસ્ચર હેડ તરીકે કામ કરતા હતા. સવારના પાંચ વાગ્યાના અરસામાં સુરેશભાઇની બાઇક સ્લિપ થઇ હતી અને તેઓ ડિવાઇડર સાથે ભટકાતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિક લોકોએ 108ને જાણ કરીને સુરેશભાઇને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બીજી તરફ સુરેશભાઇના પરિવારો પણ સ્મીમેરમાં આવ્યા હતા. અહીં સવારના સમયે ડોક્ટરોએ સુરેશભાઇને કહ્યું કે, તમને માથામાં વાગ્યું છે, સિટી સ્કેન કરાવવું પડશે અને ન્યૂરોસર્જન ડોક્ટરને બતાવવું પડશે. સ્મીમેર હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડોક્ટર નથી. તમે સિવિલ લઇ જાઓ કહી એમ્બ્યુલસમાં જ સુરેશભાઇને નવી સિવિલ મોકલી આપ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોની માનવતા મરી પરવારી હોય તેમ આ દર્દીને ખુલ્લી ઇજા સાથે જ મોકલી દેવાયો હતો. સવારના સાત વાગ્યાના અરસામાં સુરેશભાઇ નવી સિવિલ આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર કરાવી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું કે, આ ઇજાગ્રસ્ત યુવકની સારવાર કરી હતી. આ યુવકને કાનમાંથી પણ લોહી નીકળતું હોવાનું સિવિલના ડોક્ટરોએ કહ્યું હતું.
સિવિલમાં ડોક્ટરોની હડતાળની સ્મીમેરના ડોક્ટરોને જાણ જ નથી અને દર્દી રિફર કરી દેવાય છે
સિવિલ હોસ્પિટલમાં હાલમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. તમામ ઇમરજન્સી સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. આ અંગેના અહેવાલો પણ પ્રસિદ્ધ થઇ રહ્યા છે, પરંતુ સ્મીમેરના ડોક્ટરો જાણે કે આ બાબતથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે. ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સિવિલથી સ્મીમેરમાં મોકલવામાં આવે છે, પરંતુ હાલના કપરા સમયમાં પણ સ્મીમેરમાંથી દર્દીઓને તગેડી મૂકીને સિવિલમાં મોકલનાર ડોક્ટરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને સારવાર અપાય છે : ડો.જયેશ પટેલ
સ્મીમેર હોસ્પિટલના આરએમઓ ડો.જયેશ પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે, આ દર્દી ના હોવા છતાં હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા હતા. તેઓ પર કરવામાં આવેલા આક્ષેપોમાં કોઇ વજૂદ નથી.