સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલનું (Smimer Hospital) પાર્કિંગ જાણે ચોરોના (Thief) હવાલે હોય તેમ 13 જાન્યુઆરીએ સ્મીમેરના મેડિકલ સ્ટોરના કર્મચારીની બાઈકની ચોરી થઈ હતી. આ સાથે અન્ય બાઈક પણ ચોરાયાની ચર્ચા ઉઠી હતી પરંતુ તે અંગે કોઈ ફરિયાદ નોંધાવાઈ નહોતી. પ્રાપ્ત વિગતો મુજબ, સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મલનગર સોસાયટીમાં રહેતો અને સ્મીમેર હોસ્પિટલમાં આવેલી ખાનગી મેડિકલ સ્ટોરમાં કામ કરતો 22 વર્ષિય યુવક (જીજે-05-એનજે-4931)ની હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક થોડા દિવસો પહેલા સ્મીમેર હોસ્પિટલમાં સુમુલ પાર્લર પાસેથી બાઈક ચોરાઈ ગઈ હતી. જેને પગલે સ્મીમેર હોસ્પિલમાં માર્શલો દ્વારા યોગ્ય રીતે ફરજ બજાવવામાં આવતી નહી હોવાથી ચોરી થઈ રહી હોવાની ચર્ચાઓ ઉઠી છે.
આ મામલે હું કંઈ કહી શકું તેમ નથી: હેડ સુર્યવંશી
આ અંગે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે માર્શલોના હેડ સુર્યવંશીએ એવું જણાવ્યું હતું કે, આ બાબતે હું કશું કહી શકું તેમ નથી.
સ્મીમેરની પોલીસ ચોકીમાં પણ પોલીસની હાજરી નહીં
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ દ્વારા એક ચોકી બનાવવામાં આવી છે. જયાં દર મહિનો પુણા, વરાછા, ઉધના અને લિંબાયત પોલીસનો સ્ટાફ નોકરી કરે છે. પરંતુ હાલ પુણા પોલીસના એએસઆઇ કક્ષાના કર્મચારી નોકરી પર આવે છે. પરંતુ તે સવારે આઠ વાગ્યે નોકરી પર આવવાને બદલે સવારના 11થી 12 વાગ્યે ‘લેટલતીફ’ની જેમ આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં ચોરોને ભોગ બનેલા લોકો પણ ચોકીમાં પોલીસને શોધવા માટે જાય છે તેમ છતાં ત્યાં કોઇ પોલીસનો સ્ટાફ જોવા મળતો નથી.
ઘરમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ.85 હજારના મત્તાની ચોરી કરી
સુરત: અમરોલી-ન્યુ કોસાડ રોડ ઉપર શ્રીનાથ નગરમાંથી બારડોલીમાં દીકરીને મળવા ગયેલા નિવૃત્ત કર્મચારીના ઘરમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ.85 હજારના મત્તાની ચોરી કરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી-ન્યુ કોસાડ રોડ પર શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતા 59 વર્ષિય રમેશભાઇ જમુભાઇ પરમાર હાલ નિવૃત જીવન ગુજારી પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા છે. તેઓની દીકરીના બારડોલીમાં લગ્ન થયા હોવાથી તેઓ ગત શુક્રવારે સાંજે ઘર બંધ કરી દીકરીને મળવા માટે ગયા હતા. ત્યારે રવિવારની સવારે તેઓનું ઘરનું તાળુ તુટેલુ મળી આવ્યું હતું. જેથી પડોશી રણજીતભાઇએ રમેશભાઇને જાણ કરી હતી. જેથી રમેશભાઇ બારડોલીથી સીધા જ સુરત પોતાના ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા કબાટમાંથી સોનાની બે જોડી બુટ્ટી, વિંટી, રોકડા રૂ.5000 મળી કુલ રૂ.85 હજારની ચોરી થવા પામી હતી. રમેશભાઇએ અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.