એક માણસ બહુ દિવસે એક બાગમાંથી પસાર થતો હતો.આ સુંદર બાગ હંમેશાં લીલોછમ રહેતો પણ આજે પરિસ્થિતિ થોડી અલગ હતી.બાગમાં છોડ ઊગેલા હતા પણ આજુબાજુ સૂકું ઘાસ પડ્યું હતું. સૂકા પાંદડાં ઊડાઊડ કરતાં હતાં.અમુક જગ્યાએ લીલું ઘાસ હતું તો અમુક જગ્યાએ સુકાયેલું ઘાસ હતું.બીજા બધા આડાઅવળા જંગલી છોડ ઊગી નીકળ્યાં હતાં.થોડા છોડ સુકાઈ જવાની અણી પર હતા.થોડા સુકાઈ ગયા હતા.થોડા હજી જીવિત હતા.
બાગ બરાબર ન હતો. કચરાથી ભરેલો હતો. પણ જે કોઈ છોડ જીવિત હતા તેમાંથી બે છોડ પર ત્રણ ચાર ફૂલો ઊગીને ખીલીને બાગને થોડી સુંદરતા આપી રહ્યાં હતાં. માણસે માળીને કીધું કે ‘આ બાગની હાલત આટલી ખરાબ કેમ છે? પહેલાં તો બહુ સુંદર હતો.હવે આટલો ખરાબ કઈ રીતે થયો?’ તો માળી બોલ્યો, ‘સાહેબ મારી તબિયત સારી ન હતી એટલે ઈલાજ માટે પંદર દિવસ હોસ્પીટલમાં હતો અને જેને બાગની સંભાળ રાખવા કહ્યું હતું તેણે બરાબર સંભાળ કરી નહિ એટલે બાગ થોડા વખતમાં આવો થઈ ગયો છે પણ હું તેને બરાબર કરવાની કોશિશ કરી રહ્યો છું. થોડા દિવસમાં બધું બરાબર કરી લઈશ.’
માણસે કહ્યું, ‘ મને નવાઈ લાગે છે કે આટલા ખરાબ બાગની વચ્ચેથી આ બે છોડ ઉપર આ બે ત્રણ ફૂલો કેટલાં સુંદર લાગી રહ્યાં છે. આખા બાગની નકારાત્મકતા વચ્ચે આ ખીલેલાં ફૂલો સકારાત્મકતાની નિશાની છે. ખરું છે ને કે આજુબાજુ બધું સુકાઈ રહ્યું છે છતાં આ ફૂલો આ ગંદા કચરામાં પણ ઊગ્યાં છે.’ માળીએ કહ્યું, ‘સાહેબ, ફૂલોનું આ ધ્યાન આ કચરા ઉપર છે જ નહીં. ફૂલોનું ધ્યાન તો આ ચમકતા સૂર્યપ્રકાશ પર છે. તેને મળતા પાણી ઉપર છે અને આ કચરામાંથી જ એ લોકો પોતાનું પોષણ ગોતી લે છે એટલે ખીલી શકે છે.’
માણસ વિચારવા લાગ્યો કે ‘હંમેશા આજુબાજુ ગમે તે પરિસ્થિતિ હોય પણ જો તમે સકારાત્મક પરિસ્થિતિ પર જ ધ્યાન આપશો અને તમને જરૂરી હોય તે વસ્તુ પર ધ્યાન આપીને તેને જ સ્વીકારશો તો ગમે તે સ્થિતિમાં જીવી શકશો, હસી શકશો અને ખીલી શકશો. સાચે જ આ વિપરીત પરિસ્થિતિમાં ખીલેલાં ફૂલો પરથી આપણને શીખવા મળે છે કે આપણે, આપણું ધ્યાન દરેક પરિસ્થિતિમાં સકારાત્મકતા તરફ જ રાખવું જોઈએ, તો જ આપણે ખીલી શકીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.