SURAT

સુરતના નવા રેલવે સ્ટેશન માટે મનપા આ જમીન 99 વર્ષના ભાડા પટ્ટે આપશે

સુરત: વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશનના નવનિર્માણ અંતર્ગત મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટનું ફેઝ-1નું કામ શરૂ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ સાકાર કરવા માટે વેર્સ્ટન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સુરત મનપાની સંયુક્ત કંપની એસ.પી.વી. અને સુરત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(SITCO)ની રચના કરવામાં આવી છે.

  • MMTHના નામથી તૈયાર થઈ રહેલા સુરતના નવા રેલવે સ્ટેશન માટે મનપા દ્વારા 18 હજાર ચો.મી.થી વધુ જમીન અપાશે
  • 24 હજાર ચો.મી. જગ્યાની જરૂરીયાત છે, બાકીની 6103 ખાનગી ચો.મી. જગ્યા સંપાદનથી લેવાશે

SITCO દ્વારા મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો માટે સુરત મનપાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ફેઝ-1ના તબક્કામાં સુરત મનપાની કુલ 24,961 ચો.મી. જગ્યાનું કન્ટ્રીબ્યુટ 90 વર્ષના સમયગાળા માટે લીઝ હોલ્ડ રાઈટ્સ ધોરણે ખાસ કિસ્સામાં ફાળવણી કરવા માટેના નિર્ણય અંગે, મનપા દ્વારા આ જમીન સોંપવામાં આવે એ માટે શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં કુલ 24,961 ચો.મી. જમીન પૈકીની 18,858 ચો.મી. જમીન સુરત મનપાના કબજા હેઠળની છે અને બાકીની 6103 ચો.મી. ખાનગી જમીનો ફરજિયાત સંપાદનથી મેળવવામાં આવશે.

જેમાં મનપાના કબજા હેઠળની કુલ 18,858 ચો.મી. જમીનોમાં ફાઇનલ ટી.પી. સ્કીમ નં.4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફા.પ્લોટ નં. 266/1ને લાગુ નાલા (સ્ટ્રોમ ડ્રેઈનવાળી) (ક્ષેત્રફળ 60 ચો.મી.) તથા વોર્ડ 7, નોંધ નં.4940 પૈકી ઓક્ટ્રોય નાકાવાળી (ક્ષેત્રફળ 189 ચો.મી.) કુલ 249 ચો.મી. સુરત મહાનગરપાલિકાના કબજા હેઠળ છે.

ફાઇનલ ટી.પી. સ્કીમ નં.4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફા.પ્લોટ નં. 269/એ/પૈકી (ક્ષેત્રફળ 3010 ચો.મી.), 269/બી/પૈકી (ક્ષેત્રફળ 72 ચો.મી.), 270 (ક્ષેત્રફળ 2110 ચો.મી.), 273 પૈકી (ક્ષેત્રફળ 552 ચો.મી.) તથા 274 પૈકી (ક્ષેત્રફળ 1121 ચો.મી.), કુલ ક્ષેત્રફળ 6865 ચો.મી. જમીન રોડ તથા પાર્કિંગના હેતુ માટે ‘જમીન સંપાદન ધારા’ અંતર્ગત ફરજિયાત સંપાદનથી પ્રાપ્ત થઈ છે.

આ જમીનો ફાળવણી કરવા તથા આ અંગે સંપાદન ધારા હેઠળ તબદીલી અંગે સરકારની જરૂરી મંજૂરી મેળવવાની છે. ફાઇનલ ટી.પી. સ્કીમ નં.4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં.273 તથા 272ની વચ્ચેથી પસાર થતો 9.14 મી. (717 ચો.મી.) ટી.પી. રસ્તોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ફાઇનલ ટી.પી. સ્કીમ નં.8 (ઉમરવાડા), ફાઇનલ પ્લોટ નં.1 તથા ફાઇનલ પ્લોટ નં.4 વચ્ચેથી પસાર થતો 9.14 મી. (151 ચો.મી.) ટી.પી. રસ્તો તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.8 (ઉમરવાડા) (બીજો ફેરફાર) મુજબ 24.38 મી. (6934 ચો.મી.) ટી.પી. રસ્તા પૈકીનો પાર્ટ રસ્તો મળી કુલ ક્ષેત્રફળ 78902 ચો.મી. માપ વિસ્તારનો ટી.પી. રસ્તો હાલમાં વપરાશ હેઠળ છે.

ફાઇનલ ટી.પી. સ્કીમ નં.4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં. 262/એ પૈકી (310 ચો.મી.) તથા વોર્ડ નં.7ની રેલવે સ્ટેશનની સામેની (ક્ષેત્રફળ 3332 ચો.મી.) વાળી કુલ 3642 ચો.મી. જમીન ‘રસ્તા’ના જાહેર હેતુ માટે રસ્તા રેખા હેઠળ પ્રાપ્ત થયેલી જમીન હાલમાં રસ્તા તરીકે વપરાશ હેઠળ છે.

ફાઇનલ ટી.પી. સ્કીમ નં.8 (ઉમરવાડા), ફાઇનલ પ્લોટ નં.1 (300 ચો.મી.)વાળી જમીન ટી.પી. સ્કીમ અંતર્ગત પોલીસ ચોકી માટે ફાળવી છે. આ તમામ જગ્યા રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર છે. આમ કુલ 18,858 ચો.મી. જગ્યા એમએમટીએચ પ્રોજેક્ટ માટે SITCOને 90 વર્ષના સમયગાળા માટે લીઝ હોલ્ડ રાઈટ્સ ધોરણે વિનામૂલ્યે ખાસ કિસ્સામાં ફાળવણી કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકવામાં આવી છે.

Most Popular

To Top