સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપી વધી રહ્યું છે. તેવામાં વઘુમાં વઘુ શહેરીજનોને વેક્સિન આપવા બાબતે મનપાએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હાલમાં પ્રતિદિન 12 થી 13 હજાર લોકોને વેક્સીન મુકવામાં આવી રહી છે જે વધારીને પ્રતિદિન 25,000 સુધી લઈ જવાનો ટાર્ગેટ (Target) રાખવામાં આવ્યો છે તેમ કમિશનરે જણાવ્યું છે.શહેરમાં સંક્રમણ વધતા મનપા કમિશનરે વધુમાં વધુ લોકોને વેક્સીન મુકાવવા આગળ આવવા અપીલ કરી છે. હાલમાં શહેરમાં સરકારી, સમાજની વાડીઓ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કુલ 134 સેન્ટરો પર વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં વેક્સીનેશન (Vaccination) સેન્ટરોની સંખ્યા વધારીને 187 કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. અને પ્રતિદિન 25,000 કરતા પણ વધુ લોકો વેક્સીન મુકાવે તે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
વે્ક્સીનેશન સ્ટ્રેટેજી વધારવા માટે સ્લમ વિસ્તારોમાં જ્યા આસપાસમાં શાળાઓ છે તેવી 32 શાળાઓમાં પણ વેક્સીનેશન સેન્ટર શરૂ કરાશે. તેમજ સરકારી ખાતાના કર્મચારીઓ જેવા કે પોસ્ટ, રેલવે, તેવા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કરોમાં આવરી લઈ વેક્સીન મુકવામાં આવશે. જે સોસાયટીવાસીઓ તેમના ત્યાં વેક્સીનેશન કરાવવા માટેની તમામ સુવિધાઓ એટલે કે, પુરતી ખુલ્લી જગ્યા અને વ્યવસ્થા હશે તો મનપાની ટીમ ત્યાં જશે અને વેક્સીનેશનની કામગીરી કરશે તેવી વિચારણા પણ છે.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં જે વિસ્તારોમાં વધુ કેસ મળી રહ્યા છે ત્યાં ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હાલમાં લિંબાયતમાં ટેક્સટાઈલ માર્કેટોમાં કેસ વધારે આવતા મનપાની ટીમ માર્કેટની બહાર જ બેસીને જે લોકો માર્કેટમાં આવે તેઓના ટેસ્ટ કરીને જ તેમને માર્કેટમાં દાખલ થવા દે છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, એક જ દિવસમાં સુરત મનપા દ્વારા 22,000 ટેસ્ટ કરીને દેશમાં વસતીને દ્રષ્ટિએ સૌથી વધુ ટેસ્ટ સુરતમાં જ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરટીપીસીઆરમાં પોઝિટીવીટી રેટ 18 ટકા તેમજ રેપીડ ટેસ્ટમાં પોઝિટીવીટી રેટ 6 ટકા છે.
મનપા કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં કેસનો ગ્રોથ રેટ ખુબ જ વધી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત, વરાછા-બી, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા એક અઠવાડિયામાં ગ્રોથ રેટમાં વધારો થયો છે. જેમાં લિંબાયત ઝોનમાં 6 ટકા, વરાછા-બી ઝોનમાં 4.6 ટકા, ઉધના ઝોનમાં 2.3 ટકા તેમજ સેન્ટ્રલ ઝોનમાં 2.2 ટકા વધારો થયો છે. અઠવા અને રાંદેર ઝોનમાં તમામ વિસ્તારોમાં કેસ વધે જ છે પરંતુ હવે આ ઝોનમાં ગ્રોથ રેટ વધી રહ્યો છે. તેમજ સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 6 ટકા અને લિંબાયતમાં 4.5 ટકા પોઝિટિવીટી રેટ છે. હાલમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે વધુમાં વધુ લોકો વેક્સીન મુકે તે માટે મનપા તૈયારી કરી રહી છે. હાલમાં શહેરમાં કુલ 2000 કન્ટેનમેન્ટ વિસ્તારો છે અને કુલ 1.55 લાખ લોકો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવરી લેવાયા છે. હવે કન્ટેનમેન્ટ વિસ્તારો મોટા કરાશે તેમ કમિશનરે જણાવ્યું હતું.
પીડીયાટ્રીશીયનોએ પીડીયાટ્રીક હોસ્પિટલોમાં વેક્સીન સેન્ટરો શરૂ કરવા તૈયારી બતાવી
મનપા તંત્ર દ્વારા પીડીયાટ્રીશીયનો સાથે મીટીંગ યોજી હતી. જેથી જે પીડીયાટ્રીક રસીકરણ સેન્ટરો છે તેને પણ વેક્સીનેશન સેન્ટર તરીકે શરૂ કરવા તેઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. જેથી હવે પીડીયાટ્રીક હોસ્પિટલોમાં પણ વેક્સીનેશન સેન્ટર શરૂ કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં હાલમાં કુલ 60 જેટલા ધન્વંતરી રથ છે. જે વિવિધ વિસ્તારોમાં ફરી, ટેસ્ટ,ટ્રેસ તેમજ પ્રાઈમરી ટ્રીટમેન્ટ પણ કરે છે હવે ધન્વંતરી રથની સંખ્યા વધારી 160 કરાશે. તેમજ મનપા દ્વારા કયા ઝોનમાં ધન્વંતરી રથ ક્યા ફરશે તે માટે વેબસાઈટ પર ઓનલાઈન માહિતી પણ મુકી છે. જેથી શહેરીજનો તેમના વિસ્તારોમાં ધન્વંતરી રથ કયારે આવશે તેની અપડેટ મેળવી શકશે.