SURAT

મનપાના યુનિયનોએ મનપા માથે લીધી, કમિશનરની મીટિંગમાં ઘૂસી કરી રજૂઆત

સુરત: સુરત (Surat) મનપાનાં જુદાં જુદાં યુનિયનોએ બુધવારે (Thursday) સંયુક્ત રીતે પડતર માંગણીઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જો કે, રજૂઆતમાં ઉગ્રતા આવી જતાં જાણે સુરત મનપાના મુખ્યાલયને બાનમાં લીધું હોય તેવી હાલત જોવા મળી હતી. કલાકો સુધી મનપાના પદાધિકારીઓ અને કમિશનરને રજૂઆત દરમિયાન મુગલીસરાયમાં નારેબાજી અને સૂત્રોચ્ચાર કરાયા હતા. મેયર અને અન્ય પદાધિકારીઓને રજુઆત કરાયા બાદ કમિશનરની મીટિંગ ચાલુ હતી ત્યાં સુધી ધસી જઇ યુનિયનના હોદ્દેદારો અને સભ્યોએ રજૂઆત કરી હતી. જો કે, રજૂઆતકર્તાઓ મનપા કમિશનરના મીટિંગ રૂમમાં ઘૂસી ગયા ત્યાં સુધી મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયક, સિનિયર સુપરવાઇઝર ગાયકવાડ સહિતના અધિકારીઓ તમાશો જોતા રહ્યા હોય તેમ રજૂઆતકર્તાઓ હાવી થઇ જતાં દર વર્ષે 30 કરોડનો ખર્ચ, છતાં મનપાના સિક્યુરિટી વિભાગે નાદારી નોંધાવી હોય તેવી હાલત જોવા મળી હતી. દરમિયાન જાગ્રત નાયકે કથીત રીતે કર્મચારીઓને મારવા દંડો ઉગામ્યો ત્યારે એક કર્મચારી તો શર્ટનાં બટન ખોલી નાંખી દોડી આવ્યો હતો અને મને ગોળી મારી દો તેવું કહી અન્ય કર્મચારીઓને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો હતો.

માહોલ ગરમાઇ જતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે યુનિયનના આગેવાનો સાથે તોછડું વર્તન કરતાં હોબાળો મચી ગયો હતો. યુનિયનના આગેવાનોએ તો જાગ્રત નાયકે દંડો ઉગામી મારવા દોડ્યા હોવાનો આક્ષેપ કરતાં માહોલ વધુ ગરમાયો હતો. યુનિયનના આગેવાનો અને સભ્યો વધુ ઉશ્કેરાયા હતા અને મનપા કમિશનર ઓફિસ અને મીટિંગ રૂમની બહાર પણ ધરણાં પર બેસી જઇ નારેબાજી કરી હતી. કલાકો સુધી આ ડ્રામા ચાલ્યા બાદ આખરે મનપા કમિશનરે રજૂઆત સાંભળીને યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

ચીફ સિક્યુરિટી ઓફિસરના તોછડા વર્તનથી મામલો બગડ્યો : માફી માંગવી પડી
મનપા કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરવા ગયેલા યુનિયન આગેવાનો અને સભ્યો છેક મનપા કમિશનરની મીટિંગ ચાલતી હતી તે રૂમમાં ઘૂસી ગયા ત્યાં સુધી સિક્યુરિટી અધિકારીઓ માત્ર તમાશો જોતા રહ્યા અને મનપા કમિશનરના મીટિંગ રૂમને ઘેરાવ થઇ જતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે પીત્તો ગુમાવ્યો હતો. તેમજ યુનિયનના આગેવાનો સાથે તોછડું વર્તન કરવા સાથે મારવા માટે દંડો ઉગામતાં મામલો બીચક્યો હતો. રજૂઆતકર્તાઓએ પણ મર્યાદા ગુમાવી જાગ્રત નાયકને મારવા લીધા હોય તેમ નાયકને બહાર કાઢો તેવા બરાડા પાડ્યા હતા. આખરે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ દરમિયાનગીરી કરી ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને મોકલીને યુનિયનના નેતાઓને શાંત પાડ્યા હતા તેમજ જાગ્રત નાયક પાસે માફી મંગાવતાં મામલો થાળે પાડ્યો હતો.

Most Popular

To Top