SURAT

તાપી રીવરફ્રન્ટ માટે 7880 કરોડના નવા અંદાજોને શાસકોની મંજૂરી મળી ગઇ

સુરત: (Surat) શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) સૂચીત કન્વેન્સિયલ બેરેજથી લઇ કઠોર બ્રિજ સુધીના બંને કિનારે 33-33 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટનો પ્રોજેકટ ઘણા વર્ષોથી કાગળ ઉપર ચાલ્યા બાદ હવે મનપા કમિશનર શાલિની અગ્રવાલના પ્રયાસોથી તે ઝડપથી ફલોર પર આવે તેવું લાગી રહ્યું છે. જોકે હવે જે રીતે નવું પ્લાનિંગ વિશ્વબેંકના સૂચન સામેલ કરાયા બાદ થયું છે તેના કારણે રિવરફ્રન્ટના પ્રોજેકટની કુલ કોસ્ટ 3900 કરોડ મંજૂર કરાઇ હતી. તેમાં સુધારો કરીને 7800 કરોડ થતી હોવાથી સુધારેલા અંદાજો મંજૂર કરવાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી હતી જેને સ્થાયી સમિતિમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

  • તાપી રીવરફ્રન્ટ માટે 7880 કરોડના નવા અંદાજોને શાસકોની મંજૂરી મળી ગઇ
  • સરકાર તેમજ વિશ્વબેંકના અધિકારીઓ સાથે જરૂરી મંજૂરી માટે મનપા કમિશનરને અધિકૃત કરાયા

આ અંદાજોમાં રિવરફ્રન્ટ માટે 6713 કરોડ તેમજ વરસાદી ગટરની લાઇન સહિત આઉટલેટ ઇન્ટરસેપ્ટર કરવા માટે 1167 રકોડ મળી કુલ 7880 કરોડના અંદાજ મંજૂર કરાયા છે. આ અંદાજો સાથે વર્લ્ડ બેંક પાસેથી લેવાની થતી લોનનો આંકડો પણ ઉંચો જશે હવે કુલ પ્રોજેકટ કોસ્ટના 70 ટકા રૂપિયા લેખે 5290 કરોડની લોન લેવા માટે સરકાર પાસે મંજૂરી લેવા સહીતની પ્રક્રિયા માટે કમિશનરને અધિકુત કરતો ઠરાવ પણ શાસકોએ કરી દીધો છે.

વિસ્તૃત વિગતો મુજબ અમદાવાદના સાબરમ‌તી રિવરફ્રન્ટનો પ્રોજેકટ સફળ રહ્યો છે. તે રીતે સુરતવાસીઓને પણ તાપી નદીના કિનારે પીકનીક માટે સારો વિકલ્પ ઊભો કરવા ઉપરાંત વોટર ટ્રાન્સપોર્ટ, તાપી નદીને દૂષિત થતી અટકાવવા સહીત અનેક હેતુઓ સાંકળી તાપી નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂંઢથી કામરેજ સુધીના ૩૩ કિલોમીટરની લંબાઇ ધરાવતા નદીના કિનારે રિવરફ્રન્ટ પ્રોજેકટ સાકાર કરવાની દિશા તરફ મનપા આગળ વધી રહી છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂંઢ-ભાઠા વચ્ચેનો સૂચીત બરાજથી વિયરકમ કોઝવે સુધીના 10 કિમી લંબાઇ સુધીના વિસ્તારમાં આયોજનો થશે. અને બંને બાજુ 10-10 કિલોમીટર કાંઠે શહેરીજનોના આંનદ પ્રમોદ, પર્યટન, પરિવહન ‌સહિતની અનેકવિધ સુવિધા ઊભી કરવાના હેતસુર રિવરફ્રન્ટ પ્રોજેકટનું આયોજનો થશે.

જો કે આ પ્રોજેકટના જે અંદાજો શાસકોએ વર્ષ 2021માં મંજૂર કરેલા તે 3900 કરોડ હતા. પરંતુ વર્ષ 2020-21માં સરકારે માન્ય કરેલા નવા એસઓઆર બાદ આ કોસ્ટ ઊંચી જવાની છે. સાથે સાથે તાપી શુદ્ધિકરણ માટે પણ વિશ્વબેંક દ્વારા ભાર મૂકાયો હોય હવે તાપી નદીના બંને કાંઠે વરસાદી ગટર સહીત તમામ આઉટલેટ ઇન્ટરસેપ્ટ કરી કન્વેન્સિયલ બરાજની ડાઉન સ્ટ્રીમમાં લઇ જવા માટે 1167 કરોડના ખર્ચનો વધારો થયો છે. જે આ પ્રોજેકટ સાથે જોડી દેવાયો છે. અટલે હવે કુલ પ્રોજેકટ કોસ્ટ 7880 કરોડ થવા જાય છે. હવે પ્રથમ તબક્કા માટે અગાઉ 1991 કરોડના અંદાજ હતા તે હવે 2630 કરોડના થશે. જયારે બીજા તબક્કામાં 2660 કરોડ થશે. આમ કુલ 6713 કરોડ રિવરફ્રન્ટ માટે જયારે આઉટ લેટ ઇન્ટર સેપ્ટર માટે 1187 કરોડ થશે. આ તમામ અંદાજોને મંજૂરી આપી શાસકોએ હવે કમિશનરને વિશ્વબેંકની લોન મેળવવા માટે સરકાર અને વિશ્વબેંક સાથેની પ્રક્રિયા કરવા અઘિકૃત કરી દીધા છે.

Most Popular

To Top