સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે સુરત (Surat) મનપાનો કારભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં (Action Mode) આવી ગયા છે. સોમવારથી મનપા કમિશનરે મીટિંગોનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને મનપા તેમજ સુડા પ્રોજેક્ટોની મુલાકાત લેવાનું શરૂ કર્યુ છે. મંગળવારે સવારે મનપા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રીમ સિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ખજોદ ખાતે ડ્રીમ સિટી પ્રોજેક્ટની વિઝિટ કરી, અધિકારીઓ અને ડાયમંડ બુર્સના પ્રતિનિધિ તથા સી.ઈ.ઓ. સાથે મીટિંગ કરી હતી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી જાન્યુઆરી-2023 અને માર્ચ-2023 સુધી બે તબક્કામાં પૂર્ણ કરવા માટે આયોજન સાથે એક્શન પ્લાન બનાવી કામગીરી કરવા સૂચના આપી હતી.
જે અંગે વધુ વિગત આપતાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત શહેરના ડ્રીમસમાન ડ્રીમ સિટી પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. એ માટે કામગીરીની 15-15 દિવસની ટાઈમલાઈન બનાવી એક્શન પ્લાન તૈયાર કરાશે અને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાશે. ઉપરાંત મનપા કમિશનરે સુડા ભવન ખાતે સુડા વિસ્તારના રસ્તાનાં કામો, બ્રિજ, આવાસ યોજના, આઉટ રિંગ રોડ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી, જેમાં તેઓએ આઉટર રિંગ રોડ પ્રોજેક્ટનું કામ 6 પેકેજમાં થશે તેનું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાથે જ તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત સુરત મનપા સાથે સંકલન કરી ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ પણ તાકીદે કરવા જણાવ્યું હતું. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, અગત્યના પ્રોજેક્ટોની ડેડલાઈન બાંધી દેવામાં આવી છે. જેના કારણે કામો ઝડપથી ઓન ટ્રેક થઈ શકશે અને પ્રોજેક્ટોની કામગીરી ઝડપથી થશે.
પાણી નેટવર્કના વિસ્તાર માટે 44 કરોડના પાઈપની ખરીદી કરાશે
સુરત : મનપાના હાઇડ્રોલિક વિભાગે શહેરી પાણી પુરવઠા નેટવર્કની સુવિધાને જાળવી રાખવા તેમજ આવશ્યક સેવાને ધ્યાનમાં રાખી હાઇડ્રોલિક સ્ટોરમાં જરૂરી સાધનો એડવાન્સમાં સ્ટોક કરી રાખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે અન્વયે હાઇડ્રોલિક સ્ટોર અંતર્ગત વર્ષ 2022-23 દરમ્યાન પાણી લાઇનના નેટવર્ક નાંખવા તથા મરામત અને નિભાવની કામગીરી માટે શહેરભરમાં પાઇપની ગમે ત્યારે જરૂર પડી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી જુદી-જુદી સાઇઝના DICL પાઇપ સ્ટોર માટે ખરીદવા ટેન્ડર જાહેર કર્યાં હતાં. આ પ્રક્રિયામાં સામેલ ત્રણેય ટેન્ડરરોએ જરૂરિયાત મુજબના 100 મીમીથી 700 મીમીના વિવિધ પાઇપ માટેની અલગ-અલગ કેટેગરીમાં લોએસ્ટ ભાવ રજૂ કર્યાં હતાં. જેથી મનપાએ વિવિધ કેટેગરી પ્રમાણે ત્રણેય લોએસ્ટ ટેન્ડર પાસેથી કુલ 44.43 કરોડ રૂપિયાના પાઇપ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. આ ખરીદી અંગે ગુરૂવારે મળનારી આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.