SURAT

સુરત: કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે મનપાએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો

સુરત : શહેરમાં રોજે રોજ નીકળતા 2200 ટનથી વધુ કચરાના (Garbage) વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે પ્રયાસો કરી રહેલા સુરત મનપાના (SMC) તંત્ર દ્વારા હવે કચરાના સેગ્રિગેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો હોય, દરેક ઝોનની 100-100 સોસાયટીઓમાં સૂકો ભીનો કચરો સોસાયટીવાસીઓ ફરજિયાત અલગ કરીને આપે તો જ સ્વિકારવાનો પ્રયોગ શરૂ થયો છે. જેના અંતર્ગત વરાછા વિસ્તારની 27 સોસાયટીઓને તાકીદ કરી દેવામાં આવી હોવાનું સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.

વિસ્તૃત વિગતો મુજબ સ્વચ્છતા સર્વેમાં અવ્વ્લ નંબરે આવવા માટે મનપાનું આરોગ્યતંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેના ભાગ રૂપે કચરાના સેગ્રિગેશન માટે શહેરીજનો જાગૃત બને તે માટે મનપા અનેક પ્રયાસ કરી ચૂકી છે પરંતુ પૂરતી સફળતા મળતી નથી. જોકે હવે ફરી એકવાર પાલિકાએ તબક્કાવાર દરેક સોસાયટી દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ આપે તે માટે વરાછામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

વરાછાની 27 જેટલી સોસાયટીઓને સેગ્રિગેશન અંગે તાલીમ આપીને હવે તેમાંથી અલગ અલગ કચરો ઉલેચવામાં આવી રહ્યો છે. હવે પછી આ સોસાયટી દ્વારા ભેગા કચરો આપવામા આવે તો પાલિકા ઊંચકશે નહીં. આ પ્રકારની પ્રણાલી હવે આખા શહેરમાં લાગુ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ પહેલાં દરેક ઝોનની 100 સોસાયટી મળી શહેરની 900 સોસાયટીઓમાં સેગ્રિગેશનની કામગીરી સફળતાપૂર્વક થાય તે માટે આયોજન કર્યું છે. જેમાં વરાછાની 27 સોસાયટીમાં પહેલા તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેમાં સફળતા મળતાં હવે આ સોસાયટીઓમાંથી લીલો અને સૂકો કચરો અલગ અલગ આવી રહ્યો છે.

પાલિકા તંત્ર એવો દાવો કરી રહી છે કે શહેરની 200 સોસાયટીમાં આવા પ્રકારની કામગીરી થઈ રહી છે. શહેરમાં 6000 જેટલી રહેણાંક સોસાયટી છે આ સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પહેલા કચરાનું સેગ્રિગેશન માટે તાલીમ આપવામા આવશે. આ તાલીમ બાદ દરેક લોકો ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપે તો પાલિકાની કામગીરી સરળ રહેશે.

Most Popular

To Top