સુરત: સુરત મનપાના (SMC) નવા સુકાની બનેલા કમિશનર શાલીની અગ્રવાલે સોમવારે શાસકો સાથે સંકલન બેઠક કરી હતી. કામગીરીનો પ્રારંભ કર્યો હતો ઉપરાંત સોમવારે જાહેર બાંધકામ સમિતિની મીટીંગ (Meeting) હોવાથી આચાર સંહિતા લાગુ થાય તે પહેલા વધુમાં વધુ કામો મંજુર કરી વર્કઓર્ડર આપી શકાય અને મનપાના કામોની રીધમ જળવાઇ રહે તેવી કાળજી લઇ પ્રાથમિક સુવિધાના કામોની ફાઈલ જે વિવિધ સ્તરે અટકેલી હતી તે મંગાલી લઇ એક જ દિવસમાં 34 કરોડના અંદાજની 40થી વધુ ફાઈલને લીલી ઝંડી આપી બાંધકામ સમિતિ માટે મોકલી આપી હતી અને બાંધકામ સમિતિએ વધારાના કામ તરીકે એજન્ડા પર લઇ તેને મંજૂરી પણ આપી દીધી હતી.
સુરત મ્યુનિ. કમિશનર તરીકે શનિવારે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. સોમવારે સવારે શાસકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં મનપાના પદાધિકારીઓએ પ્રાથમિક સુવિધાની ફાઈલોનો ઝડપથી નિકાલ કરવા વિનંતી કરી હતી જેને કમિશનરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. બાદમાં શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં વિવિધ સ્તરે અટવાયેલી સુવિધાના કામોની 25થી વધુ ફાઈલ સહીત તૈયાર પડેલી અન્ય મળી કુલ 40 ફાઇલને લીલીઝંડી આપી આજે જ મળેલી જાહેર બાંધકામ સમિતિને વધારાના કામ તરીકે મોકલી આપી હતી. જેને મંજૂરી પણ આપી દેવાઇ છે.
જાહેર બાંધકામ સમિતિમાં માત્ર અડધો કલાકમાં 131 કામો મંજૂર
સુરતઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યોર થઇ જાય તેવી શકયતા છે. ત્યારે આચાર સંહિતાના કારણે મનપાના સુવિધા તેમજ વિકાસના કામો અટકી ના પડે તે પહેલાં સોમવારે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં માત્ર અડધો કલાકમાં 131 કામને મંજૂરી આપી દેવાઇ હતી. જેમાં સૌથી વધુ રસ્તા રિપેરીંગના કામોનો સમાવેશ થાય છે. ઉલ્લખનીય છે કે એજન્ડા પર 91 કામો હતા જ્યારે વધારાના કામ તરીકે 40 કામો સામેલ કરાયા હતા. તે પણ મનપા કમિશનરે ઝડપભેર અટવાયેલી ફાઇલો મંગાવીને તેને નિકાલ કરીને તુરંત જાહેર બાંધકામ સમિતની મીટીંગમાં મોકલી આપ્યા હતા.
જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં લિંબાયત ઝોનના મહત્વના કામો ચોકકસ રીતે સમાવાયા છે. જેમાં ડિંડોલીમાં અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુમન સ્કૂલ અને કોમ્યુનિટી હોલ નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. આચાર સંહિતા પહેલા વધુમાં વધુ કામો મંજુર કરી વર્ક ઓડર્ર આપી દેવાના આશયથી મનપા કમિશનરે જાહેર બાંધકામની મિટીંગ ચાલી રહી હતી તે વેળાએ 30 મિનીટ સુધી વિવિધ ફાઇલો પર સહીઓ કરી રોડ નિર્માણ સહિતના વધુ 27 સૂચિત વિકાસ કામોને સમિતિની મંજૂરી માટે મોકલી આપ્યા હતા.