SURAT

પાણી ઊતર્યા પછી SMC સામે આ મોટી ચેલેન્જ, અસરગ્રસ્ત વિસ્તારના લોકો પર મોટો ખતરો

સુરત: સુરત શહેરમાં તાજેતરના ભારે વરસાદ અને પૂરના પાણીના ભરાવાને કારણે મોટી માત્રામાં કચરો બહાર નીકળ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા તેનો યોગ્ય નિકાલ ન થતાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

પાલ, પાલનપોર, વરાછા અને અન્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થયા બાદ લોકોએ ઘરો અને દુકાનોમાંથી ભીંજાયેલો કચરો બહાર કાઢ્યો, જે હવે સોસાયટીઓની બહાર અને જાહેર રસ્તાઓ પર ઢગલારૂપે પડ્યો છે. બે દિવસથી આ ઢગલાઓનો નિકાલ ન થતાં કચરો સડવા લાગ્યો છે. જેનાથી મચ્છરો અને દુર્ગંધની સમસ્યા વધી રહી છે.

  • કચરા નિકાલનો પડકાર: અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાનો ભય
  • પાણીથી પલળી ગયેલું અનાજ અને અન્ય ખાદ્યચીજની દુર્ગંધથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલાકી
  • અધિકારીઓ ફોન રિસીવ નહીં કરતા હોવાની અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર્સ કચરો લઈ ન જતા હોવાની બૂમ ઊઠી

પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીની નબળી તૈયારીઓને કારણે શહેરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. પાલ અને પાલનપોર જેવા વિસ્તારોમાં 36 કલાકથી વધુ સમય સુધી પાણી ભરાયેલું રહ્યું હતું. જેના કારણે ઘરોમાં બે ફૂટથી વધુ પાણી ભરાયું હતું. આનાથી લોકોનું અનાજ, ફર્નિચર અને અન્ય વસ્તુઓ ખરાબ થઈ ગઈ હતી. પાણી નીકળ્યા બાદ લોકોએ ભીંજાયેલો કચરો બહાર કાઢ્યો, પરંતુ પાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન ગાડીઓ આ કચરો ઉપાડવા આવતી નથી. લોકોએ વારંવાર પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ફોન કર્યા, પરંતુ ફોન ન ઉપડવા કે કોઈ જવાબ ન મળવાની ફરિયાદો ઊઠી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કચરાના ઢગલા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને આમંત્રણ આપી રહ્યા છે.

સુરતમાં પૂર બાદ પાલિકાની સઘન સફાઈ ઝુંબેશ: 134 મેટ્રિક ટન કચરો દૂર કર્યાનો દાવો
પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 134 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ચોક ચાર રસ્તા, વરાછા ઝોનના ખરી ફળિયું, બાવરી ફળિયું, સરથાણા ઝોનના વીટી નગર, કતારગામ ઝોનના ઓનેસ્ટ ઇન્ડસ્ટ્રિઝ, ઉધના, લિંબાયત, રાંદેરના પાલ હળપતિવાસ અને અઠવા ઝોનના આંબેડકરનગર જેવા વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં 123 સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ 1,148 સફાઈ કામદાર, 16 JCB અને 35 ટ્રક દ્વારા કચરો દૂર કરાયો હતો.

આરોગ્ય વિભાગે 9,288 કિલો જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. તો તંત્ર દ્વારા 12,718 ફૂડ પેકેટ અને 3,090 પાણીની બોટલનું વિતરણ કરાયું હતું. સાથે 37 મેડિકલ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા 64,038 લોકોનો સરવે કરી 30,569 ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. આ દરમિયાન 365 દર્દીઓ, જેમાં 43 તાવ, 48 ઝાડા, 60 શરદી-ખાંસી અને 214 અન્ય બીમારીના દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ગયા વર્ષે પૂર બાદ 570 મેટ્રિક ટન કચરો દૂર કરનાર પાલિકાએ આ વખતે પણ ઝડપી કામગીરી કરી હતી. પરંતુ નાગરિકોની ફરિયાદો અનુસાર હજુ કેટલાક વિસ્તારોમાં કચરો બાકી છે, જેના નિકાલની માંગ ઊઠી રહી છે.

Most Popular

To Top