સુરત: (Surat) સુરત મહાનગરપાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. હાલમાં 2 નગરપાલિકા અને 27 ગામનો સમાવેશ કરાયો છે. જેથી આ નવા વિસ્તારોમાં (Area) પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર દ્વારા તજવીજ શરૂ કરી દેવાઈ છે. હજુ પણ આ વિસ્તારોમાં પાણી નિયમિત મળતું નથી, તે સમસ્યા દૂર કરવા મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા નવા વિસ્તારોમાં વધુ 2 વોટર ઝોન (Water zone) તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. તે માટે જરૂરી કેમિસ્ટ અને જુનિયર કેમિસ્ટને નવી જગ્યા ઊભી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાલ મનપાના હાઇડ્રોલિક (Hydraulic) વિભાગ ખાતે 8 વોટર ઝોન કાર્યરત છે, જેમાં કેમિસ્ટની ૩ અને જુનિયર કેમિસ્ટની ૧૭ જગ્યા મંજૂર છે. નવા વિસ્તારોના સમાવેશ બાદ બે નવા વોટર ઝોન બનાવવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. હાલ અમલી વોટર ઝોન મુજબ પણ કેમિસ્ટ અને જુનિયર કેમિસ્ટની જગ્યા ઓછી છે. આથી તમામ વોટર ઝોન માટે દર વોટર ઝોન દીઠ એક કેમિસ્ટ તથા દર વોટર ઝોન દીઠ ચાર જુનિ, કેમિસ્ટ, લેબોરેટરી માટે 8 જુનિયર કેમિસ્ટોની જગ્યા ઊભી કરવા વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે. તદ્ઉપરાંત, હાલ જુનિયર કેમિસ્ટ અને કેમિસ્ટની લાયકાતમાં ફક્ત કેમિસ્ટ તરીકે લેબોરેટરીનો એક વર્ષનો વધારે અનુભવ જુનિયર કેમિસ્ટની તુલનામાં માંગવામાં આવ્યો છે. આથી જુનિયર કેમિસ્ટોને 3 વર્ષ જેટલા લાંબા સમય બાદ ત્રીજા ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે કેમિસ્ટ તરીકેનો પગાર મળી શકશે.
ચોકબજારની ઐતિહાસિક એન્ડ્રુઝ લાઈબ્રેરી પર લાગેલાં હોર્ડિંગ્સ હટાવાશે
સુરત: સુરતના ઇતિહાસને તાદૃશ્ય કરતા ચોક બજાર વિસ્તારની ઐતિહાસિક મિલકતો અને તેના આસપાસના વિસ્તારનો તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવા મનપા દ્વારા કસ્તુરબા ગાર્ડનથી મક્કાઇ પુલ સુધીના વિસ્તારને ‘ચોકબજાર હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં કિલ્લો પણ સમાવેશ પામે છે. ત્યારે હવે ચોકબજાર કિલ્લા સામે આવેલી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓએ મુલાકાત લીધી હતી તેવી એન્ડ્રુઝ લાઇબ્રેરીના એલિવેશનને પણ હેરિટેજ સ્ક્વેરના ભાગરૂપે તેના મૂળ સ્વરૂપે લોકો રસ્તા પરથી જ જોઇ શકે તેવું આયોજન કરાયું છે.
આ લાઇબ્રેરી મનપાની માલિકી નથી. પરંતુ જે સંસ્થા દ્વારા તેનું સંચાલન થાય છે તેની સાથે સંકલન કરીને લાઇબ્રેરીની મિલકત પર લાગતાં જાહેરાતનાં હોર્ડિંગ્સ બોર્ડ કાયમી દૂર કરવા નક્કી કર્યું છે. જો કે, આ હોર્ડિંગ્સની આવકમાંથી લાઇબ્રેરીનો નિભાવ થતો હોવાથી મનપાએ લાઇબ્રેરી હોર્ડિંગ્સ દૂર કરવાથી ટ્રસ્ટની આવક બંધ થતી હોવાથી તેની અવેજમાં લાઇબ્રેરીના નિભાવ ખર્ચને પહોંચી વળવા ટ્રસ્ટને અનુદાન આપવાનું પણ નક્કી કર્યું છે. જે અંગે કેટલીક નીતિઓ નક્કી કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે. આ મુદ્દે આગામી ગુરુવારે આખરી નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે.