સુરત: મનપા (SMC)ની સામાન્ય સભામાં સિનિયર નગરસેવક પર દારૂ પીવાના ટાઇમની એટલે કે 6.45ની કોમેન્ટ કરીને વિવાદમાં આવેલા તેમજ શાસક પક્ષના દંડક હોવા છતાં સભાગૃહમાં વિપક્ષની જેમ પોતાના વિસ્તારની સમસ્યાઓનો ઢગલો કરી દેનારા વિનોદ પટેલ શુક્રવારે સુરત (Surat) મનપાની ઉજવણીના કાર્યક્રમમાં પદાધિકારીઓની સામે નહીં દેખાતાં સૂચક રીતે ગેરહાજર (absent) રહ્યા હોવાની કાનાફૂસી થતી હતી.
જો કે, વિનોદ પટેલે જણાવ્યું હતું કે, પોતે કામ હોવાથી અંકલેશ્વર ગયા હતા, તેથી આવી શક્યા ન હતા. દરમિયાન મનપાના 56મા વર્ષના પ્રવેશની ઉજવણીમાં માત્ર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને વિવિધ સમિતિના અધ્યક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મનપાના ટ્રસ્ટી એવા કોર્પોરેટરોની બાદબાકી થતાં કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. કેમ કે, મનપાના આ કાર્યક્રમ માટે પદાધિકારી અને વિવિધ સમિતિના અધ્યક્ષોને જ આમંત્રણ આપ્યું તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા અને ફોટો સેશન પણ કર્યું હતું. પદાધિકારીઓ અને વિવિધ સમિતિના અધ્યક્ષો દ્વારા કરવામાં આવેલી ઉજવણી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપના કોર્પોરેટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરો આક્રોશ પૂર્ણ કહી રહ્યા છે કે, જ્યારે વોર્ડમાં કાર્યક્રમ હોય ત્યારે લોકો ભેગા કરવાના હોય કે લોકો વચ્ચે જવાનું હોય ત્યારે પક્ષ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ જ્યારે પાલિકામાં આવા કાર્યક્રમ હોય ત્યારે માત્ર પદાધિકારીઓ અને અધ્યક્ષોને જ હાજર રાખવામાં આવે છે આ તે યોગ્ય વાત નથી.
આઝાદી કા અમૃત મહોત્સવ: મનપાએ સ્મેક સેન્ટરમાં વિવિધ પ્રોજેક્ટનાં પ્રેઝન્ટેશન રજૂ કર્યાં
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત મહાનગરપાલિકાના ‘સ્મેક સેન્ટર’ ખાતે ‘ફ્રીડમ એટ સિટીઝ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપા દ્વારા સ્મેક સેન્ટરમાં ફ્રિડમ ફ્રોમ વેસ્ટ અને ફ્રિડમ ફ્રોમ ટ્રાફિક વિષય પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ તથા ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ વગેરે દ્વારા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર થકી કરવામાં આવતી વિવિધ કામગીરીઓ અંગે માહિતગાર કરવા માટે વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ કરી પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું.