સુરતઃ કંઈ કરવાની લગન હોય તો સરકારી શાળામાં પણ સપના પુરા કરી શકાય છે. એ સાબિત કર્યું છે સુરતના પાંડેસરાની સુમન 14 હિન્દી વિદ્યાલય સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ સ્નેહા રાજકુમાર સિંગ અને સહાની તનુ પ્રમોદે. આ બંને દીકરીઓ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા યુએઈ જઈ રહી છે. ગુજરાતની કદાચ પહેલી આ બે સ્ટુડન્ટ છે જે સરકારી સ્કૂલમાં ભણી એઆઈનો પ્રોજેક્ટ લઈ વિશ્વને સ્પર્ધા આપવા જઈ રહી છે.
- સરકારી સ્કૂલમાં ભણતી બે વિદ્યાર્થીનીઓનો સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મનો પ્રોજેક્ટ દુબઈની કોમ્પિટિશનમાં સિલેક્ટ થયો
- સુમન શાળા ક્રમાંક 14 હિન્દી વિદ્યાલયમાં ભણતી વિદ્યાર્થીનીઓ વિશ્વને પડકાર ફેંકવા દુબઈ જશે
ગુજરાતની પહેલી સરકારી સ્કૂલમાં ભણતી બે દિકરીઓ 30 જાન્યુઆરીએ શારજાહ જઈ રહી છે. આ દીકરીઓ યુએઈમાં યોજાનારા વર્લ્ડ સેમ એન્ડ રોબોટીક ઓલ્મ્પિયાડમાં ભાગ લેવા જઈ રહી છે. શારજાહના મેન્થેના અમેરિકન સ્કૂલન ઝોન મુવેલૈહ કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં યોજાનારી આ રોબોટીક્સ સ્પર્ધામાં વિશ્વભરમાંથી સ્પર્ધકો ભાગ લેનાર છે.
આ સ્પર્ધાના યંગ સાન્યિટિસ્ટ સિનિયર ગ્રુપમાં સુમન શાળા ક્રમાંક 14 હિન્દી વિદ્યાલયના ધો. 10માં ભણતી બે સ્ટુડન્ટ ભાગ લેનાર છે. આ વિદ્યાર્થીઓનો સેટેલાઈટ રિન્યુએબલ સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મનો પ્રોજેક્ટ સ્પર્ધામાં રજૂ કરનાર છે. સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ એઆઈમાં કાંઠું કાઢી રહી છે અને વિશ્વને સ્પર્ધા આપવા દુબઈ જઈ રહી છે તે વાત વિશ્વાસમાં નહીં આવે. પરંતુ આ હકીકત છે. સ્કૂલની એઆઈ શિક્ષીકા કિંજલ પટેલે કહ્યું કે અમને પણ વિશ્વાસ થતો નથી, પરંતુ આ સાચું છે. રિજનલ, સ્ટેટ અને નેશનલ લેવલે વિદ્યાર્થીનીઓનો પ્રોજેક્ટ સિલેક્ટ થયા બાદ હવે આ દીકરીઓ વિશ્વને પડકાર ફેંકવા જઈ રહી છે.
દીકરીઓનો પ્રોજેક્ટ શું છે ?
સુમન શાળાની વિદ્યાર્થીનીઓએ સેન્સરથી ઓપરેટ થતું ડિજિટલ પોલ્ટ્રી ફાર્મનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સેટેલાઈટ રિન્યુએબલ સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ અનેક સેન્સરનો ઉપયોગ સેટેલાઈટ ડેટા લિન્કથી ઓપરેટર કરે છે. એગ ડેમેજથી બચાવવા અલ્ટ્રાસોનિક સિસ્ટમ ડેવલપ કરી. સોલર એનર્જીથી આ પ્રોજેક્ટ ઓપરેટ થાય છે. એનર્જી મેક્સિકમ સેવ થાય છે. ઓનરને ચિક્નની હેલ્થનો પળેપળનો મેસેજ પહોંચશે.
ચિક્નની ગણતરી પણ તરત જ થઈ શકે છે. કોઈ અન્ય પ્રાણીઓથી નુકસાન થતું હોય તો તેનો એલર્ટ મેસેજ પણ તરત જ ઓનરને પહોંચે છે. સુમન હાઈસ્કુલ 14 હિન્દી વિદ્યાલયમાં ભણતી સ્નેહા રાજકુમાર સિંગ કહે છે, મરઘી પાલકોની તકલીફો ઓછી થાય અને તેઓ સ્માર્ટલી મરઘી ઉછેર કરી શકે તે માટે અમે સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મ બનાવ્યું છે. તે સોલાર એનર્જીથી ઓપરેટ થાય છે.
મરઘી પાલકોની ગેરહાજરીમાં પણ મરઘી તેમના ઈંડા સુરક્ષિત રહી શકશે. વિદ્યાર્થીની સહાની તનુ પ્રમોદે કહ્યું કે, આ પોલ્ટ્રી ફાર્મમાં બધું કામ ઓટોમેટિક થશે. તે મરઘી પાલકના ફોનથી કનેક્ટેડ રહેશે. જેથી સ્માર્ટ પોલ્ટ્રી ફાર્મની દરેક ગતિવિધિને પાલક તેના ફોનથી જ કંટ્રોલ કરી શકશે.
આ દીકરીઓની કહાની સાબિત કરે છે કે સાધનો ઓછા હોય, શાળા સરકારી હોય, પરિવાર સામાન્ય હોય પણ જો અંદર લગન હોય, મહેનત હોય, સપના હોય…
તો સપના પૂરા થઈ શકે છે! કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ સ્તરેથી!