Editorial

સ્માર્ટ વીજ મીટરનો વિરોધ એટલા માટે થાય છે કે લોકોને તેનાથી ફાયદો થશે કે કેમ? તેનો ભરોસો નથી!

એક સમયે એવો કોન્સેપ્ટ હતો કે જેટલું વાપરો તેનું બિલ ભરો. સમય જતાં આ કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. વપરાશ કર્યા બાદ બાદમાં બિલ નહીં ભરવામાં આવતા હોવાથી હવે પ્રી-પેઈડનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. તેમાં પણ વિવિધ સર્વિસમાં પણ આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. મોબાઈલ ફોનના વપરાશમાં પ્રી-પેઈડના ઓપ્શન આવે છે. મોબાઈલની જેમ જ હવે વીજ મીટરમાં પણ પ્રી-પેઈડ ઓપ્શન લાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રી-પેઈડ મીટર સ્માર્ટ પણ હશે. સરકાર કોઈપણ સંજોગોમાં વીજળી માટે સ્માર્ટ મીટર લગાડવા માટે કટીબદ્ધ છે.

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગે વિધાનસભામાં જાહેરાત પણ કરી છે. સ્માર્ટ મીટર લગાડવા માટે અગાઉ પણ વીજકંપનીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ કામગીરી દરમિયાન લોકો સાથે ઘર્ષણ થયા હતા અને તેને કારણે આ કામગીરી ઘોંચમાં પડી હતી. અનેક ઠેકાણે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ વીજબિલમાં વધારો જોવા મળ્યો હતો. લોકો દ્વારા આ કારણે સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ કરાયો હતો અને હજુ સુધી સરકારની આ યોજનાનો મેળ પડી રહ્યો નથી.

હાલમાં વીજમીટરમાં મેન્યુઅલ રિડિંગ પર આધાર રાખવામાં આવે છે. જ્યારે સ્માર્ટ મીટર વીજ વપરાશનો ડેટા એકત્રિત કરશે અને તેને સીધો વીજ વિતરણ કંપનીને મોકલી આપશે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર જ નિયમિત રીતે તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકોને મળી જશે. સ્માર્ટ મીટરમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાને કારણે તે ગ્રાહકના મોબાઈલમાં રહેલી સ્માર્ટ મીટર એપ્લિકેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની, બંને સાથે એક સાથે કોમ્યુનિકેટ કરે છે.

વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગને સ્માર્ટ મીટરના આધારે સમજી શકે છે અને તેનું સરળતાપૂર્વક આયોજન પણ કરી શકે છે. ગ્રાહકો માટે સ્માર્ટ મીટરનો એટલો મોટો ફાયદો છે કે સ્માર્ટ મીટર થકી ગ્રાહક એ જાણી શકશે કે રોજનો વીજળીનો કેટલો વપરાશ છે? કયું સાધન બંધ રાખવાથી કેટલી વીજળીની બચત થાય છે? ગ્રાહકને પોતાનો વીજ વપરાશ મોનિટરિંગ કરવામાં આ સ્માર્ટ મીટર મોટી મદદ કરી શકશે. સ્માર્ટ મીટર લગાડવાના આટલા બધા ફાયદા છતાં પણ લોકો કેમ તેનો વિરોધ કરી રહ્યા છે? કારણ એ છે કે સ્માર્ટ મીટર મુદ્દે સરકાર ગ્રાહકોને સમજાવવામાં ઉણી ઉતરી છે. સ્માર્ટ મીટર લગાડ્યા બાદ વીજબિલ વધતા હોય તો કેમ વધે છે તેનું એનાલિસિસ પણ વીજ કંપનીએ કરવું જોઈએ. એવું નથી કે વીજ ગ્રાહક નવી વાત સ્વીકારવા માટે તૈયાર નથી.

લોકોએ સ્માર્ટ ફોનને અપનાવ્યા જ છે. નવું લોકો અપનાવતા જ હોય છે પરંતુ સ્માર્ટ વીજ મીટર મુદ્દે મામલો એવો છે કે લોકો ગભરાઈ રહ્યા છે કે સ્માર્ટ મીટર લાગતા જ વીજબિલ વધી જશે. હેરાનગતિ શરૂ થઈ જશે. સરકારે જો આ યોજનાને સફળ બનાવવી હોય તો ગ્રાહકોને એ વિશ્વાસ અપાવવાની જરૂરીયાત છે કે સ્માર્ટ વીજ મીટર લાગતાં વીજ બિલ નહીં વધે. ઉલ્ટું આ મીટરને કારણે ગ્રાહકોને અનેક બાબતે સરળતા ઊભી થશે. ગ્રાહકો પોતાના વીજ વપરાશને નિયંત્રિત કરી શકશે.

Most Popular

To Top