Columns

નાની જવાબદારી

અડધી રાત્રે એક આધેડ વેપારીની તબિયત બગડી.જલ્દી ઘરનાં બધાં ઊઠી ગયાં. બધાએ દોડાદોડી કરી મૂકી. ડોક્ટરને બોલાવ્યા,ડોકટરે કહ્યું, ‘હાર્ટએટેક છે જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોંચાડવા પડશે.જો કલાકની અંદર સારવાર નહિ મળે તો પેશન્ટનું બચવું મુશ્કેલ બનશે.’ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી.અડધી રાત્રે પણ પંદરથી વીસ મીનીટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ.એમ્બ્યુલન્સના ડ્રાઈવર રાત્રે પણ ડ્યુટી પર સજાગ હતો.તરત પરિસ્થિતિ જાણી, જાળવીને પેશન્ટને એમ્બ્યુલન્સમાં સુવાડ્યા અને સમયની કટોકટી અને પેશન્ટની નાજુક સ્થિતિ સમજીને ડ્રાઈવરે એમ્બ્યુલન્સ બને એટલા થડકા ન લાગે તે રીતે એમ્બ્યુલન્સ સડસડાટ દોડાવી.  એમ્બ્યુલન્સ સીધી હોસ્પીટલના દરવાજે આવીને જ ઊભી રહી અને અડધી રાત્રે થોડો સ્ટાફ ઊંઘતો  હોય તેથી પેશન્ટને અંદર લઇ જવામાં પણ ડ્રાઈવરે મદદ કરી.

બને એટલી જલ્દી પેશન્ટને અંદર ડોક્ટર સુધી પહોંચાડ્યા.ડોક્ટર આવ્યા.પેશન્ટને તપાસવાનું શરૂ કર્યું. ઘરના સભ્યો ફોર્મ ભરવામાં અને પૈસા ડીપોઝીટ કરાવવા લાગ્યા. ડોક્ટરે દર્દીને તપાસી લીધા બાદ કહ્યું, ‘સિવિયર હાર્ટ એટેક આવ્યો છે.તાત્કાલિક આઈ.સી.યુ. માં દાખલ કરવા પડશે.ડોકટરે બધી તૈયારીઓ શરૂ કરી.ફટાફટ દવા ને ઇન્જેક્શન આપ્યાં અને દર્દીની હાલત ધીમે ધીમે સુધરવા લાગી.થોડી સ્ટેબલ થઇ.’ ડોકટરે ઘરનાં સભ્યોને કહ્યું, ‘અત્યારે પેશન્ટની સ્થિતિ સારી છે.તબિયત સુધારા પર છે.સારું થયું તમે બરાબર સમયસર તેમને અહીં લઇ આવ્યા.જો દર્દીને હોસ્પિટલ સુધી લાવવામાં થોડું પણ મોડું થયું હોત તો કંઈ પણ થઇ શકત.’ઘરનાં બધાં સભ્યોને થોડી હાશ થઇ. બધા ભગવાનનો અને ડોકટરનો આભાર માનવા લાગ્યા.

થોડે દૂર એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઊભો હતો અને પોતે જે દર્દીને લઈને આવ્યો તેની જાન બચી ગઈ તે જાણીને રાજી થતો હતો. તેના મોઢા પર એક નાનકડી હાશકારોભરેલી સ્મિતની રેખા અને આંખોમાં પોતે પોતાની જવાબદારી બરાબર નીભાવ્યાની ચમક હતી.ન કોઈએ તેનો આભાર માન્યો.ન એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કોઈ આવીને પોતાનો આભાર માને તેવી અપેક્ષા હતી.બસ પોતે પોતાની જવાબદારી પૂરી કરી એટલે તે ખુશ હતો. આવું રોજ થતું હોય છે.જીવનમાં ડગલે ને પગલે થતું હોય છે.નાની નાની જવાબદારીભર્યાં કામ નિભાવી ઘણાં આપણને મદદરૂપ થતાં હોય છે, પણ આપને મોટી મદદ કરનાર, મોટું કામ કરનારનો સતત આભાર માનીએ છીએ.પણ મોટે ભાગે નાની પણ મહત્ત્વની જવાબદારી નીભાવનારનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ.એવી ભૂલ ન કરીએ. દરેક મદદ કરનારનો આભાર માનવાનું ન ભૂલીએ તે બહુ જરૂરી છે
.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top