નાનપણથી જ મને નાટક, નૃત્ય, સંગીતનો શોખ. મારા હોઠ સદા ગીતો ગણગણતાં જ હોય- હીંચકે ઝૂલતાં, ખાતાં ખાતાં, વાંચતાં, લખતાં મારી સાથે મારું નાનકડું ટેપ. દાદી કહેતાં, ‘‘તું ઘોડિયામાં રડતી અને અમે સુંદર મજાનું હાલરડું કે ગીત ગાઇએ તો તું તરત જ ચૂપ થઇ તાલબધ્ધ હાથ હલાવી હસતી. તેથી જ તો અમે તારું નામ સંગીતા પાડેલું. હંમેશ ગાતી, નાચતી, કૂદતી.’’ શાળાની ગાવાની હરીફાઇમાં મારું નામ પહેલું. શાળાના બધા કાર્યક્રમો મારા ગરબા અને સંગીતથી ધમધમતા રહેતા. એમ.એ.ના અભ્યાસ સાથે સંગીત અને ડાન્સ બંનેમાં વિશારદની પદવી મેળવી.
પછી તો આ ક્ષેત્રમાં હું ખૂબ આગળ વધી. હું સંગીત પાર્ટીઓમાં ગાવા જાઉં, ગરબા – ડાન્સની હરીફાઇમાં નિર્ણાયક તરીકે જાઉં. કોલેજકાળ દરમિયાન અનુપ મારા સંગીત પાછળ પાગલ હતો. મારા દરેક કાર્યક્રમને સફળ બનાવવા બેકસ્ટેજ પરનું કામ તે સંભાળતો, મોડી રાત્રે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી રોકાય, મને ઘરે મૂકીને પછી જ પોતાને ઘેર જાય. મારા આ કાર્યમાં એનો ખૂબ સાથ રહેતો. મારા ઘરનાને પણ અનુપ ગમી ગયો. અનુપનાં માબાપને પણ હું પસંદ હતી અને આમ અનુપ સાથે મારા લગ્ન ધામધૂમથી થઇ ગયા. સ્ટેજ પરથી પાંગરેલો પ્રેમ સંસારની રંગભૂમિ પર પણ સ્નેહવેલ સીંચી રહ્યો. લગ્ન પછી એકબે વર્ષ અમે સંગીતની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહ્યાં. પછી તો અમે બે, અમારાં બેમાં સંસાર સમેટાઇ ગયો. બસ હવે પ્રવૃત્તિઓ પર પૂર્ણવિરામ આવી ગયું.
દીકરાદીકરીને ઉછેરવામાં, તેની કેરિયર બનાવવામાં, સૌને સવારસાંજ જાતજાતની વાનગી બનાવી ખવડાવવામાં હું આનંદ અનુભવતી હતી. હું, મારા પતિ અને મારાં બાળકો એ જ મારું વિશ્વ, મારી દુનિયા. ઘર સુંદર સજાવવું એ પણ મારો શોખ- સવારથી રાત કયાં પડે ખબર ન પડે! વર્ષોની સખીઓ ઘણી વાર ભેગી મળે. વાતો ચાલે, મને કહે… ‘‘કેમ તું દેખાતી જ નથી? નવરાત્રિના ગરબામાં નહીં દેખાઇ? તારા વિના ગરબામાં પણ મજા આવતી નથી. અમારી કિટી પાર્ટીમાં જોડાઇ જા!’’ પણ મને નવરાશ મળે તો ને? બધાંની સગવડો સાચવવી એમાં જ મારા કર્તવ્યની ઇતિશ્રી આવી જતી. દીકરાદીકરીને ભણાવ્યાં-પરણાવ્યાં. ઘરમાં જોબ કરતી વહુ આવી. દીકરા-વહુ બંને જોબ પર સાથે જાય.
સવારે ચા-પાણી બાદ બધાંનાં ટિફિન ભરવાનાં. આખો દિવસ ઘરમાં હું એકલી અને સાથે મારું કામ- સૂકાયેલાં કપડાં લેવાં-ઘડી કરવી, વાસણ ગોઠવવાં- શાકભાજી લાવવું-ચૂંટવું. પાછો સાંજનો રસોઇનો ટાઇમ, બધાંની રાહ જોતી જરા ટી.વી. ચાલુ કરી સીરિયલ જોઉં ત્યાં તો બેલ વાગે- અનુપ આવે તેને ચા-પાણી-નાસ્તો ધરું, સામે બેસી જરા વાતો કરું ત્યાં તો વહુ આવે, આવે તેવી સીધી એના બેડરૂમમાં. થોડી વારે ફરી બેલ વાગે દરવાજો ખોલવા દોડું ત્યારે દીકરો આવ્યો હોય. આવી ગયો બેટા? પરંતુ દીકરો તો જવાબ આપ્યા વગર તેના રૂમમાં ચાલ્યો જાય. થોડી વાર રહીને વહુ દિશા ધુંઆપુઆં થતી આવી. જોર જોરથી બોલવા લાગી- ‘મારા રૂમમાંથી વીક્સની શીશી કોણે લીધી?’
મેં કહ્યું- ‘લે આ રહી, મેં લીધી હતી. કેમ શું થયું?’ ‘માથું દુખે છે’ મેં કહ્યું- ‘લાવ હું ઘસી દઉં’ એટલામાં દીકરો દેવાંશ બોલ્યો ‘હું છું ને તારે શા માટે તસ્દી લેવી પડે?’ અને જોરથી બારણું બંધ કરીને બંને રૂમમાં ચાલ્યાં ગયાં. જાણે આપણી તો કોઇ કદર જ નહીં. મારું મન ભર્યા ભર્યા ઘરમાં એકલતા અનુભવે છે. ‘હું સૌની છું પણ મારું કોણ છે? કોને મારી પીડાની પરવા છે? દીકરા-વહુને પૂછવાની ફુરસદ છે કે મમ્મી કેમ તને વીકસની જરૂર પડી, તને શું દુખે છે? હું કંઇ સેવા કરાવવા માંગતી નથી પણ મને જરૂરત છે આત્મીયતાભર્યા બે શબ્દોની, થોડી હૂંફની, હું સૌની જરૂરત સાચવું છું પણ મને સાચવવાની કોઈને પડી નથી. જીવનમાં નાનકડો આધાર સૌ કોઇ ઝંખે. એ સાંપડે તો જીવન બદલાઇ જાય. ઘરમાં દાખલ થતાંની સાથે દીકરો હોય-દીકરી હોય કે વહુ હોય થોડુંક પણ બોલે તો કેવું સારું લાગે. ‘મમ્મી, આજે રસોઇમાં શું બનાવ્યું? કકડીને ભૂખ લાગી છે.’ આવા બેચાર શબ્દો પણ મારા મનને કેટલી શાતા આપે. આખા દિવસનો થાક પળવારમાં ગાયબ થઇ જાય. કામ બમણા જોરથી કરવાનું મન થાય પણ એ મારા નસીબમાં કયાં છે?
જમવાનો સમય થયો- જમવા માટે છોકરાની રૂમને ટકોરા માર્યા. તો અંદરથી જવાબ મળ્યો તમે જમી લો. આજે અમે બહાર હોટલમાં જમવા જવાના છીએ. હોટલમાં જમવા જવાનું નક્કી જ હતું તો બોલાય નહીં કે મમ્મી અમારી રસોઇ નહીં કરતા! વધેલી રસોઇ ઠેકાણે પાડવાની, વાસણ-રસોડું બધું સાફ કરવાનું તો મારે જ. તેઓ તો અપટુડેટ તૈયાર થઇને ઉપડી ગયા! પતિ અનુપને પણ દસ વાર કહ્યું, ચાલો જમવા પણ એ પણ આખો વખત મોબાઇલ પર. સૌ પોતપોતામાં વ્યસ્ત છે- એક હું જ નવરી સૌની ચિંતા કરતી બેઠી છું. જમવાનું તૈયાર કરવાનો વાંધો નથી પણ જમાડવાની ગરજ પણ મારી જ! કોની હૂંફ શોધું? દરરોજની દિનચર્યા એક જ- બધાંની સગવડ સાચવવાની, રસોઇ તૈયાર કરીને બેઠી છું. સમય થયો છતાં કોઇ આવ્યું નથી તપેલાં સાચવીને રાહ જોઇ બેઠી છું.
મન વિચારે ચઢયું જે પરિવાર માટે મેં મારા શોખોને ત્યાગીને મારા અસ્તિત્વને ઓગાળી દીધું તે શું આવા લાગણીશૂન્ય પરિવાર ખાતર? આ પરિવાર કહેવાય? પરિવાર અને કુટુંબ તો એને કહેવાય કે જયાં ચાર દીવાલની વચ્ચે પણ સ્વતંત્રતા અને આનંદનો અનુભવ થાય. અંદર રહેલા માણસના દિલ એકબીજા માટે ધબકે! અહીં તો સૌ પોતપોતાને સ્થાને મસ્ત છે, એમાં મારું સ્થાન કયાં છે? કયાં હું સ્ટેજ ગજાવતી સંગીતા, સંગીતના સૂરો રેલાવતી સંગીતા અને આજે કયાં ઘરની ચાર દીવાલમાં પુરાયેલી સંગીતા. મારા શોખને વિસારી સૌમાં ઓગળી તેનો બદલો આવો…? નજર પડી કબાટ ઉપર ચઢાવી દીધેલા હાર્મોનિયમ પર. ટેબલ પર ચડી નીચે ઉતાર્યું. સાફ કરી નમન કર્યું. મારી આંગળીઓ ફરવા લાગી. કંઠમાંથી ગીતો સરવા લાગ્યાં, તું જ મારાં સુખદુ:ખનું સાથી, મારી નવરાશની પળોનું સાથી. મારા ધરબી દીધેલાં અરમાનો, વિસરાયેલ અસ્તિત્વનો અહેસાસ થઇ ગયો- જીવન સરગમના બેસૂરા સૂર આજે સૂરીલા બન્યા.
તો વાચકમિત્રો! આ છે કહાની ઘર ઘર કી…! મારી ઘણી બહેનોનું જીવન સંગીતાબેન જેવું હશે પણ એક વાત ધ્યાન રાખો બધાં માટે ભલે જીવો પણ થોડું પોતાને માટે પણ જીવો! તમારા શોખને પણ સજીવ રાખો. દિવસના એકબે કલાક તમારી પોતાની પ્રવૃત્તિ માટે રાખો. ઘરના દરેક સભ્ય પરિવારમાં એકબીજા માટે જીવે એવું વાતાવરણ સર્જો. પ્રત્યેક વ્યકિતના વ્યકિતત્વનો વિકાસ સાધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે તેનું નામ પરિવાર. આનંદ અને ઉત્સાહનો સંચાર કરી અન્યોન્યની સંવેદનાઓને સમજવામાં આવે તેનું નામ પરિવાર. પરિવારમાં આપણું પોતાનું અવમૂલ્ય થાય એ વાતને જરા પણ સાંખી ન લો…!