વડોદરા : આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સત્તાધારી પક્ષ વિપક્ષ તેમજ અન્ય રાજકીય પક્ષો પોતાની પાર્ટીનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતની ભોળી જનતાને અવનવા વાયદા અને વચનો આપી ભ્રમિત કરવાનો દોર શરૂ થયો છે. તેવામાં ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આમ આદમી પાર્ટી એ કમર કસી છે. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ વડોદરા ની મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટ પર તેઓનું આગમન થતાની સાથે જ મોદી મોદીના નારા લાગ્યા હતા.
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાનના વડોદરા એરપોર્ટ પર આગમન ટાણે જ મોદી મોદીના નારા લાગતા હાજર લોકોમાં ઉત્તેજના ફેલાઈ હતી. એરપોર્ટનું વાતાવરણ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.જ્યારે હાજર લોકોએ કેજરીવાલ દિલ્હી મોડેલની જેમ ગુજરાત મોડેલ બનાવશે તેવી એકની એક વાતો સાથે જૂની કેસેટો વગાડવા આવ્યા હોવાના તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા. મહત્વની બાબતો એ છે કે મહિલાઓએ એરપોર્ટ ઉપર કેજરીવાલની સમક્ષ જ મોદી મોદીના નારા લગાવતા એક તબક્કે તેઓ પણ મોદી મોદીના નારાથી આશ્ચર્યમાં મુકાઈ ગયા હોવાનું લોકોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને લઈને આ વખતે પણ લોકોને ગેરમાર્ગે દોરવા તરફ પ્રયાસ કરાઈ રહ્યો છે અને ચૂંટણી પૂર્વે લોકોને ખોટા વાયદા અને વચનો અપાઈ રહ્યા છે. સત્તા પર આવ્યા બાદ હું કોણ અને તું કોણ જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
કેજરીવાલે પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો
દિલ્હીના મુખ્યપ્રધાન પોતાની પાર્ટીના પ્રચાર અર્થે વડોદરા આવી પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.જેમાં દરેક રાજ્યોમાં તેમના પ્રચારમાં વારંવાર કહેવાતી દિલ્હી મોડેલની વાતો કહી હતી .ઉપસ્થિત લોકોને પણ ગુજરાતને દિલ્હી મોડેલ બનાવવાના સપના બતાવ્યા હતા. જોકે એરપોર્ટ ઉપર જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસની ગુંજ મોદી મોદીના નારારૂપી શબ્દોથી ગુંજી ઉઠી હતી.