મહાભારતનું યુદ્ધ શરૂ થવા પહેલાંની વાત છે.મહારાજ ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં પુત્રની ખોટી વાત અને જીદને અટકાવી શકતા ન હતા અને વાત યુદ્ધ સુધી પહોંચવાની તૈયારીમાં જ હતી.પાંડવો તરફથી કોઈ સંદેશ હજી આવ્યો ન હતો.પણ શું સંદેશ આવશે તેની ચિંતામાં મહારાજ ધૃતરાષ્ટ્રની ઊંઘ સાવ ઊડી ગઈ હતી.બે રાતથી તેઓ સૂઈ શકતા ન હતા. મહારાણી ગાંધારીએ મંત્રી વિદુરજીને બોલાવ્યા અને બધી વાત કરતાં પૂછ્યું, ‘વિદુરજી, તમને શું લાગે છે મહારાજ બે રાતથી સૂઈ કેમ શકતા નથી?’ વિદુરજી બોલ્યા, ‘મહારાણી, મારા જ્ઞાન પ્રમાણે વ્યક્તિ પોતાના જીવનમાં અમુક પરિસ્થિતિમાં બિલકુલ સૂઈ શકતો નથી.હું તમને તે સ્થિતિ કહું છું. પછી આપ જ નક્કી કરજો કે મહારાજ આમાંથી કઈ પરિસ્થિતિને કારણે સૂઈ શકતા નથી.પછી આપણે કોઈ માર્ગ કાઢી શકીશું.’ મહારાણી ગાંધારીએ હકારમાં માથું ધુણાવ્યું.
વિદુરજીએ શરૂ કર્યું, ‘મહારાણી, વ્યક્તિ સૂઈ ન શકે તે માટેની સ્થિતિ છે….સતત ચિંતા …અતિશય ભય ….ભરી લાલસા.વ્યક્તિને કામ ભાવના જાગે તો તે સૂઈ શકતો નથી …જયાં સુધી તે ભાવના સંતોષાય નહિ ત્યાં સુધી તે સૂઈ શકતો નથી. જે વ્યક્તિનું બધું જ લુંટાઈ ગયું હોય તો તે સૂઈ શકતો નથી. તેના મનમાં સતત બધું પાછું મેળવવાના ખ્યાલ ચાલતા રહે છે જે તેને સૂવા દેતા નથી.જે વ્યક્તિએ પોતાનાથી વધારે શક્તિશાળી વ્યક્તિ સાથે જો દુશ્મનાવટ કરી લીધી હોય તો તે ડરના લીધે સૂઈ શકતો નથી.તે સતત વિચારતો જ રહે છે કે પોતાના વધુ શક્તિશાળી દુશ્મનથી જીતવું તો શક્ય નથી તો હવે તેનાથી બચવું કઈ રીતે? જે વ્યક્તિના મનમાં ચોર વૃત્તિ હોય તે સતત બીજાના પૈસા ચોરી લેવાની યોજના બનાવતો રહે છે અને રાતના અંધારામાં પોતાની યોજના સાકાર કરે છે એટલે તે સૂઈ શકતો નથી અને ચોરી કર્યા બાદ પોતાની ચોરી પકડાઈ ન જાય તેનો ડર તેને સતાવે છે એટલે તે સૂઈ શકતો નથી.’
આટલું કહી વિદુરજી અટકી ગયા.થોડી વાર મહારાણી કંઈ ન બોલ્યા એટલે વિદુરજીએ કહ્યું, ‘મહારાણી, હવે આપ જ કારણ સમજી મહારાજની ચિંતા દૂર થાય અને આપણા બધાનું ભવિષ્ય સુખમય બને તેવો માર્ગ કાઢો.’ મહારાણી ગાંધારી વિદુરજીએ મર્યાદામાં રહીને પાંડવો સાથે દુશ્મની ન કરવાનો મોઘમ ઈશારો આપ્યો તે સમજી ગયા.વિદુરજીએ પ્રણામ કરી વિદાય લીધી.મહારાણી ગાંધારીએ ફરી એક વાર પોતાના પતિ મહારાજ ધૃતરાષ્ટ્રને પુત્રમોહમાં અંધ બની અન્યાય ન કરવા સમજાવવાનું નક્કી કર્યું.વિદુરનીતિની આ જ્ઞાનની વાત દરેક યુગમાં સત્ય છે.વ્યક્તિની ઊંઘ ઉપરના સંજોગોમાં ગાયબ થઇ જાય છે.ઊંઘ ન આવે ત્યારે જાત તપાસ કરી લેજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે