Editorial

દુનિયામાં ‘આધુનિક’ સ્વરૂપે ચાલુ રહેલી ગુલામી પ્રથા: માનવજાતનું કલંક

એમ કહેવાય છે કે ગુલામી પ્રથાનો આજે આખી દુનિયામાંથી અંત આવી ગયો છે પરંતુ હાલમાં જ યુએન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ કંઇક જુદુ જ કહે છે. યુએનની લેબર એજન્સી દ્વારા અન્ય બે સંસ્થાઓ સાથે મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે અને તે અહેવાલ જણાવે છે કે આજના સમયમાં પણ વિશ્વભરમાં પાંચ કરોડ જેટલા લોકો ગુલામી કરી રહ્યા છે, જો કે આ ગુલામી આધુનિક સ્વરૂપની છે જે પ્રથમ દષ્ટિએ ગુલામી જેવી દેખાતી નથી પણ ખરેખર તે એક પ્રકારની ગુલામી જ છે. યુએનની લેબર એજન્સીએ અંદાજ મૂક્યો છે કે ગયા વર્ષના અંતે વિશ્વભરમાં પ૦ મિલિયન જેટલા લોકો આધુનિક ગુલામીમાં જીવતા હતા- કયાં તો બળજબરીથી મજૂરી અથવા બળજબરીના લગ્ન હેઠળ જીવતા હતા. પાંચ વર્ષ અગાઉ આ અંગેનો અગાઉનો અહેવાલ પ્રગટ થયો તેના અંદાજ કરતા આમાં ૨પ ટકાનો ઉછાળો જણાયો છે. દેખીતી રીતે આવી આધુનિક ગુલામી ઘટવાને બદલે વધી છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને તેના ભાગીદારોએ વાણિજ્યિક જાતીય શોષણ જેવા ચિંતાજનક પ્રવાહો પ્રત્યે નિર્દેશ કર્યો છે જે લગભગ દર ચારમાંથી એકને અસર કરે છે અને તેમાં ગરીબો, મહિલાઓ અને બાળકોને સૌથી વધુ અસર થાય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશ(આઇએલઓ)એ યુએનના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને વૉક ફ્રી ફાઉન્ડેશ સાથે મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે જેમાં જણાવાયું છે કે ૨૦૨૧ના અંતભાગે ૨૮૦ લાખ જેટલા લોકો બળજબરીથી કરાવાતા મજૂરીમાં અને ૨૨૦ લાખ લોકો બળજબરીથી કરાવાયેલા લગ્નમાં સબડતા હતા. હાલ થોડા દિવસ પહેલા જ જારી કરાયેલા આ અહેવાલમાં જણાવાયું હતું કે આવો એક અહેવાલ ૨૦૧૭માં જારી કરાયો ત્યાર પછીથી આધુનિક ગુલામી હેઠળ જીવતા આવા લોકોની સંખ્યામાં ૧ કરોડ જેટલો વધારો થયો છે.

આમાંથી પણ બે તૃતિયાંશ વધારો તો બળજબરીથી કરાતા લગ્નોમાં જ થયો છે એમ કહેવાયું છે. વૉક ફ્રી સંગઠનના સ્થાપક ડિરેકટર ગ્રેસ ફોરેસ્ટ કહે છે કે પ કરોડનો આ આંકડો તો હજી નિશંક રીતે ઓછો હશે કારણ કે તેમાં બાળ લગ્નોના ઘણા કિસ્સાઓનો તો સમાવેશ જ થઇ શક્યો નહીં હોવાનું જણાય છે જે બાળ ગુલામીનું સૌથી ખરાબ સ્વરૂપ છે. બાળલગ્નો અને બળજબરીથી લગ્નોના પ્રમાણમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કોંગો, ભારત, યુગાન્ડા જેવા દેશોમાં વધારો જણાયો છે પરંતુ અહેવાલ જણાવે છે કે ધનવાન દેશો પણ આ સમસ્યામાંથી બાકાત નથી.

ઘણા બળજબરીના લગ્નો કૌટુંબિક દબાણથી થતા હોય છે અને તેવા કિસ્સાઓ બહાર આવતા નથી. કોરોના રોગચાળા અને યુક્રેન યુદ્ધ જેવી બાબતોએ આ સમસ્યાઓ વકરાવી છે. એક સમય હતો કે જ્યારે દુનિયામાં ગુલામી પ્રથા વ્યાપક અસ્તિત્વમાં હતી. સમાજના ગરીબ અને લાચાર વર્ગોના લોકો પાસે જમીનદારો જેવા સબળા વર્ગો ગુલામી કરાવે તે ત્યારે સામાન્ય હતું. પકડાયેલા યુદ્ધ કેદીઓ પાસે ગુલામી કરાવવામાં આવે, હારેલા પ્રદેશના લોકો પાસે ગુલામી કરાવવામાં આવે તે પણ સામાન્ય હતું. ગુલામોના સંતાનો તો ગુલામ જ ગણાતા.

ગુલામો અને દાસીઓનું રીતસરનું ખરીદ વેચાણ પણ થતું. જો કે કેટલાક ધાર્મિક શાસનોમાં ગુલામી પ્રથાનો અંત લાવવા માટે કે ગુલામ સ્ત્રી પુરુષોને પુરતા અધિકારો આપવા માટે જોગવાઇ કરવામાં આવી હતી ખરી, પરંતુ ધર્મોએ તે સમયે એકી ઝાટકે ગુલામી પ્રથાનો અંત લાવવાનું યોગ્ય સમજ્યું નહીં અને ગુલામી પ્રથા ચાલુ રહી. એટલું ખરું કે ધાર્મિક અસર હેઠળ ગુલામોને કંઇક સારા જીવનના અધિકારો મળ્યા ખરા અને દિલ્હીમાં તો એક ગુલામ વંશ કેટલોક સમય શાસન પણ કરી ગયો. જો કે સમજદાર શાસકોએ તો સદીઓથી, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં એક યા બીજી રીતે ગુલામી પ્રથાનો અંત લાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ગુલામી પ્રથા હવે વિશ્વભરમાંથી સત્તાવાર રીતે નાબૂદ થઇ ગયેલી ગણાય છે પરંતુ હજી પણ છૂપા વેશે ગુલામી પ્રથા અસ્તિત્વમાં છે જ. બંધુઆ મજદૂરની પ્રથા એક પ્રકારની ગુલામી જ છે. ખાનગી ક્ષેત્રોમાં ઘરકામ માટે, બાંધકામ કે ખેતીના ક્ષેત્રમાં અનેક લોકો બંધુઆ મજદૂરના સ્વરૂપમાં ગુલામી જ કરી રહ્યા છે.

કોઇ લાચાર વ્યક્તિને વેતન કે અધિકારો વિના ફક્ત પ્રાથમિક જરૂરિયાતોના પુરી પાડવાના બદલામાં કામ કરાવવામાં આવે તે એક પ્રકારની ગુલામી જ છે. મજબૂરીવશ કરવામાં આવતી આ ગુલામીને આધુનિક ગુલામી કે નવા પ્રકારની ગુલામી કહેવામાં આવે છે. ટેકનીકલી આજે ભલે આખા વિશ્વમાંથી ગુલામી પ્રથા નાબૂદ થઇ ગઇ હોવાનું કહેવાતું હોય, પરંતુ લાચારીવશ ગુલામો જેવું કામ કરી રહેલા કરોડો પુરુષો અને સ્ત્રીઓ આજે પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા હોય તે બહુ આધુનિક અને સુધરેલા બની ગયા હોવાની ડીંગ હાંકતી માનવજાત માટે એક બહુ મોટું કલંક છે.

Most Popular

To Top