સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં એક નવનિર્મિત ઈન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટની બાંધકામ સાઈટનો સ્લેબ અચાનક તૂટી પડયો છે. આ ઘટનાને પગલે બે જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તે પૈકી એકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે. બે ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે ઉધનાની લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં ગોઝારી ઘટના બની છે. અહીં કારખાનાનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરતના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવી બહાર કાઢ્યા હતા.
દરમિયાન જાણવા મળ્યા અનુસાર મૃતકનું નામ ચંદુ સુમન સેમાડા હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની ઉંમર 50 વર્ષ હતી. મૃતક અને ઈજાગ્રસ્તો ઈન્ડસ્ટ્રીયલ ખાતાની બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. બાંધકામ સાઈટની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો.
સ્લેબની સાથે બે મજૂરો નીચે પટકાયા હતા. જ્યારે એક મજૂર સ્લેબમાં ઉપર જ લટકી પડ્યો હતો. ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા મજૂરને બચાવ્યો હતો. નીચે પટકાયેલા બે મજૂરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ એક મજૂર ચંદુનું મોત નિપજ્યું હતું. મજૂરના પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરી છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ છે. ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી રહે તે દિશામાં તબીબોની ટીમ પ્રયાસ હાથ ધર્યા હતા.
CCTV ફૂટેજ આવ્યા સામે, બાઈક ચાલક બચી ગયો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક બાઈક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો છે અને ત્યાર અચાનક ધડામ દઈને નવનિર્મિત કારખાનાનો સ્લેબ રોડ પર જ પડે છે. બાઈક ચાલક સહેજ માટે બચી જાય છે. સ્લેબ સાથે બે મજૂરો ઊંધા માથે નીચે પટકાતા જોવા મળી રહ્યાં છે.