Gujarat Main

રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITનો રિપોર્ટ સબમીટ, આ સરકારી વિભાગોને જવાબદાર ઠેરવ્યા

અમદાવાદ: સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડના કેસમાં જવાબદારો સામે પગલા ભરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે (સીટ) આજે સરકારને પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. સીટના રિપોર્ટમાં રાજકોટ ફાયર સહિતના ચાર સરકારી વિભાગની લાપરવાહી તરફ અંગૂલિનિર્દેશ કરવામાં આવ્યો છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે હજુ તપાસ ચાલી રહી છે.

ગઈ તા. 25 મેની સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) તપાસ બાદ રાજ્ય સરકાર રિપોર્ટ સુપરત કરી દીધો છે. તપાસ દરમિયાન ચાર આઈએસ અને એક આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ફાયર સહિતના અનેક વિભાગોની લાપરવાહી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ સી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા મામલે હજુ તપાસ ચાલુ છે.

રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. SIT ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ગેમિંગ ઝોન વિરૂદ્ધ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી. સતત આંખ આડા કાન કરવામાં આવ્યા છે.

રહેણાંક હેતુની જમીન પર કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોવા છતાં તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદેસર બિલ્ડીંગને હંગામી ધોરણે ચાલવા દઈને ગંભીર બેરદકારી દાખવી છે. એટલું જ નહી પરંતુ ફાયર વિભાગના અધિકારીઓએ એકવાર પણ મુલાકાત લીધી ન હોવાથી તેની પણ લાપરવાહી સ્પષ્ટપણે જણાઈ રહી છે.

Most Popular

To Top