સુરત(Surat): શહેરમાં હત્યાના (Murder) બનાવો અટકવાનું નામ લેતા નથી. પાછલા અઠવાડિયે લગભગ રોજ એક હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં નવા સપ્તાહનો પહેલો દિવસ પણ લોહિયાળ જ ઉગ્યો છે. આજે સુરતમાં સગા ભાણિયાએ બે મામા પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક મામાનું મોત થયું છે.
મામાની દીકરી સાથે પ્રેમ સંબંધમાં ભાન ભૂલેલો ભાણિયો લગ્નના સાત જ દિવસ બાદ મામાની દીકરીને ભગાડી ગયો હતો. તેને શોધતા શોધતા આજે બે મામા અને તેમનો દીકરો સુરત આવ્યા હતા. સુરત આવી મામાઓએ ભાણિયાને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે? આ સવાલ સાંભળતા જ ભાણિયો ગુસ્સે ભરાયો અને હથોડો લઈ બે મામા અને તેમના દીકરા પર રાક્ષસની જેમ તૂટી પડ્યો હતો. હથોડાના એટલા ઘા માર્યા કે એક મામાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેનો ચહેરો પણ ઓળખી શકાય તેવો રહ્યો નહોતો. બીજા મામા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના નસીતપુર ગામમાં 50 વર્ષીય મનસુખ જસમત વાઘેલા પરિવાર સાથે રહે છે. મનસુખભાઈ ખેતમજૂરી કરે છે. તેમનો નાનો ભાઈ 45 વર્ષીય બાબુભાઈની દીકરીને તેમની જ બહેનના દિકરા વિશાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. 20 દિવસ પહેલાં વિશાલ બાબુભાઈની દીકરીને ભગાડી ગયો હતો. ત્યારે બંને ભાઈઓ દીકરીને શોધી લાવ્યા હતા અને 8 જ દિવસમાં પરણાવી દીધી હતી.
દરમિયાન લગ્નના 7 દિવસ બાદ દીકરી સાસરેથી ગાયબ થઈ ગઈ હતી. તેથી વિશાલ જ ફરી ભગાડી ગયો હોવાની આશંકા સાથે શોધખોળ હાથ ધરી હતી. વિશાલ સુરતમાં હોય બંને મામા તેમના દીકરા વિક્રમ સાથે સુરત આવ્યા હતા. વિશાલ અને તેમની દીકરી પુણાગામમાં નીલગરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હોવાની માહિતીને આધારે શોધખોળ હાથ ધરી હતી. વિશાલ પાસે પહોંચી બંને મામાએ દીકરી કયાં છે? એવું પૂછ્યું હતું.
આ સવાલ સાંભળી વિશાળ ગુસ્સે ભરાયો હતો અને વિશાલ સહિત સાત લોકોએ મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો લઈ હુમલો કર્યો હતો. મનસુખભાઈના શરીર પર એટલા ઘા માર્યા કે તેમનો ચહેરો ઓળખી શકાતો ન હતો. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાબુભાઈના પણ માથા પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાબુભાઈને સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઘટના અંગેની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મનસુખભાઈના પુત્ર રાજેશ વાઘેલાએ કહ્યું કે ભાણીયા વિશાલે બે મામા પર હુમલો કર્યો હતો. એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા છે.