Madhya Gujarat

બહેને આબરૂ બચાવવા ભાઇનું ઢીમ ઢાળ્યું

નડિયાદ: ભાઈ-બહેનના પવિત્ર સબંધને લાંછન લગાવતો કિસ્સો નડિયાદ તાલુકાના મંજીપુરા ખાતે બન્યો છે. જેમાં એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં ઘરે જઈને વિધવા બહેન સાથે બિભત્સ માંગણીઓ કરી હતી. દરમિયાન બહેને આનાકાની કરતાં, દારૂડીયો ભાઈ આબરૂ લેવાની કોશીષ કરવા લાગ્યો હતો. જેથી રોષે ભરાયેલી બહેને ધારીયાં વડે હુમલો કરી સગાં ભાઈની હત્યા કરી હતી. જે બાદ બહેને આ હત્યાને છુપાવવા માટે પોતાનો ભાઈ રોડ પર પડી જવાથી ઈજાગ્રસ્ત થયો હોવાનું નાટક રચ્યું હતું.

જોકે, મૃતકના શરીર પર બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા પરથી હત્યા થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં બહેને જ પોતાના ભાઈની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. નડિયાદ તાલુકાના મંજીપુરા ગામમાં આવેલા પ્રજાપતિવાસ વિસ્તારમાં રહેતાં સંગીતાબહેન ભરતભાઈ ગોહેલ નામની વિધવા મહિલા ગત તા.3-6-23 ના રોજ મોડી સાંજના સમયે લોહીથી લથપથ હાલતમાં પોતાના સગાં ભાઈ સુનિલભાઈ બચુભાઈ પરમારને રીક્ષામાં બેસાડીને લઈ જતાં હતાં. દરમિયાન રસ્તામાં એક જાણીતા શખ્સે તેમની રીક્ષા રોકીને પુછપરછ કરતાં, રોડ પર પડી જવાથી પોતાના ભાઈ સુનિલને ઈજા પહોંચી હોવાનું સંગીતાબેને જણાવ્યું હતું. સુનિલભાઈની ગંભીર હાલત જોઈ તે જાણીતા શખ્સે કરમસદની હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપી હતી.

જે મુજબ સંગીતાબેન પોતાના ઈજાગ્રસ્ત ભાઈને લઈને કરમસદ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ સુનિલભાઈ પરમારને મૃત જાહેર કર્યાં હતાં અને આ અંગે નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ટેલિફોનિક વર્ધી પણ આપી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક કરમસદની હોસ્પિટલમાં પહોંચી હતી અને ત્યાં હાજર મૃતકની સગી બહેન સંગીતાબેન ભરતભાઈ ગોહેલની પુછપરછ કરી હતી. જેમાં સંગીતાબેને જણાવ્યું હતું કે, શનિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં હું ઘરે જમવાનું બનાવતી હતી. તે વખતે મારો ભાઈ સુનિલ ઉર્ફે મઠીયો બચુભાઈ પરમાર ભાગોળેથી ઘરે આવીને પાણી પીધા બાદ પરત બહાર ગયો હતો. દરમિયાન ઘરની બહાર આર.સી.સી રોડ પર ઢોળાયેલાં પાણીમાં પગ લપસી જતાં તે રોડ પર પટકાયો હતો અને તેના માથાના પાછળના ભાગે લોહી નીકળ્યુ હતું, તે બેભાન થઈ ગયો હોવાથી તરત જ રીક્ષા ભાડે કરી મારા ભાઈને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં લાવતાં, ડોક્ટરે મૃત જાહેર કર્યો હોવાનું જણાવ્યું હતું.

જોકે, સંગીતાબેનના આ નિવેદનના આધારે પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી હતી અને તપાસના ભાગરૂપે મૃતક સુનિલ પરમારની લાશને જીણવટભરી રીતે ચેક કરી હતી. જેમાં મૃતક સુનિલના બોચીના ભાગે તેમજ માથાના ઉપરના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા પડેલો જોવા મળ્યો હતો, ડાબી આંખ ઉપર ઈજાનું નિશાન હતું, કાનમાંથી લોહી નીકળતું હતું, ગળા ઉપર લોહી ચોંટેલું હતું, છાતીના તેમજ ખભાના ભાગે સોર પડેલાના અને છોલાઈ જવાના નિશાન હતાં તેમજ બરડાના ભાગે બોથડ પદાર્થ મારેલાના નિશાન મળી આવ્યાં હતાં. જેથી સુનિલ પરમારનું મોત પડી જવાથી નહીં પરંતુ, કોઈએ તીક્ષ્ણ તેમજ બોથડ પદાર્થ વડે હુમલો કરીને મોત નિપજાવ્યું હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ જણાઈ આવ્યું હતું.

જેથી પોલીસે પેનલ ડોક્ટરની મદદથી લાશનું પી.એમ કરાવ્યું હતું. જેના પી.એમ રિપોર્ટમાં પણ તીક્ષ્ણ હથિયાર તથા બોથડ હથિયાર વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવાથી સનિલ પરમારનું મોત નિપજ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે સ્થળ પર એટલે કે સંગીતાબેનના ઘરે જઈને તપાસ હાથ ધરી હતી. જ્યાં આસપાસના રહીશોની પુછપરછ કરતાં સુનિલ પરમાર અને તેની સગી બહેન સંગીતાબેન વચ્ચે ગત તા.3-6-23 ના રોજ સાંજના સમયે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઝઘડાં સંદર્ભે જાણકારી મેળવવા માટે પોલીસે મૃતકની સગી બહેન સંગીતાબેનની આડકતરી રીતે પુછપરછ હાથ ધરી હતી.

જેમાં સંગીતાબેન સંતોષકારક જવાબ આપતાં ન હતાં. જેથી પોલીસે કડકાઈ દાખવી સઘન પુછપરછ કરતાં, સંગીતાબેન ભાંગી પડ્યા હતાં અને તેઓએ પોતે જ પોતાના સગાં ભાઈ સુનિલ ઉર્ફે મઠીયો પરમારની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ભાઈની હત્યા કરવા પાછળનું કારણ પુછતાં, સંગીતાબેને જણાવ્યું હતું કે, તા.3-6-23 ને શનિવારના રોજ સાંજના સમયે હું ઘરે રોટલા બનાવતી હતી, તે વખતે મારો ભાઈ સુનિલ દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરે કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ મારો હાથ પકડી ખેંચીને બિભત્સ માંગણીઓ કરવા લાગ્યો હતો. જેથી મેં આવેશમાં આવીને તેની ઉપર ધારીયાં વડે હુમલો કરી દીધો હતો.

સંગીતાબેને ભાઈની હત્યા કેવી રીતે કરી ?
સગાં ભાઈ સુનિલે દારૂ પીને ઘરે આવીને બિભત્સ માંગણીઓ કરતાં સંગીતાબેન એકાએક આવેશમાં આવી ગયાં હતાં અને તેઓએ નજીકમાં પડેલું ધારીયું ઉઠાવી પોતાના ભાઈ સુનિલના બરડામાં મારવા માટે પ્રહાર કર્યો હતો. જોકે, સુનિલ તે વખતે નીચો નમી જતાં ધારીયું બોચીના ભાગમાં વાગ્યું હતું અને તે ફસડાઈને જમીન પર પટકાયો હતો. જે બાદ પણ સુનિલ જેમતેમ બબડતો હતો. જેથી ઉશ્કેરાયેલાં સંગીતાબેને ધારીયાનો બીજો પ્રહાર સુનિલના માથાના ભાગમાં માર્યો હતો. જે બાદ પણ તે લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો-પડ્યો અપશબ્દો બોલી રહ્યો હોવાથી સંગીતાબેને ડંડા વડે મારમાર્યો હતો.

મૃતકની પત્નિ કે સગાંએ ફરીયાદ ન આપી
સંગીતાબેન પોતાના ભાઈ સુનિલ પરમારની હત્યા કરી હોવાની કબુલાત કરી લેતાં, પોલીસે આ મામલે ફરીયાદ આપવા માટે મૃતકના પત્નિ તેમજ તેમના ઘરના સભ્યોને જણાવ્યું હતું. પરંતુ, તેઓએ આ બાબતે કંઈ જવાબ આપ્યો ન હતો અને ફરીયાદ આપવા માટે પણ તૈયાર થયાં ન હતાં. જોકે, આ બનાવ ખુબ જ ગંભીર હોવાથી નડિયાદ રૂરલ પોલીસમથકના એક હેડ કોન્સ્ટેબલે જાતે જ ફરીયાદી બની, હત્યારા સંગીતાબેન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Most Popular

To Top