surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. શોર્ટસર્કિટ ને કારણે લાગેલી આ આગ ખાંડ પર ઢાંકેલી તાડપત્રીને કારણે વધુ વિકરાળ બની હતી. આ બનાવમાં 50 કિલો વજનની 7000 ગુણી ખાખ થઈ જતાં સુગર મિલને વ્યાપક નુકસાન થયું હતું.
ઓલપાડ તાલુકામાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. બે દિવસ પહેલાં જ માસમા ગામે કારખાનામાં આગ લાગી હતી. જ્યારે બુધવારે સાયણ સુગર મિલના ગોડાઉનમાં વહેલી સવારે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જેની જાણ થતાં કામરેજથી બે ફાયર બંબા સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને આગ ઓલવી હતી. આ આગ ખાંડ પર ઢાંકેલી તાડપત્રીને કારણે વધુ પ્રસરી હતી. આ ઘટનામાં 50 કિલો વજનની 7000 ગુણી સ્વાહા થઈ ગઈ હતી. આ બનાવમાં સુગર મિલને અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
તેમજ કામરેજના નવીપારડી ખાતે કાર્યરત એવી ખેડૂતોની જીવાદોરી સમાજ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં મંગળવારે તાઉતે વાવાઝોડાના લઈને ભારે પવન સાથે આવેલા વરસાદને લઈ ઘણું નુકસાન થયું હતું. જેમાં સુગરમાં પ્લાન્ટ વિભાગમાં આવેલાં ઘણાં પતરાં ઊડીને તૂટી ગયાં તેમજ ઘણી એંગલો પણ તૂટી જતાં અંદાજે 70 લાખનું નુકસાન થયું હતું. જો કે, સદનસીબે પ્લાન્ટમાં હાલમાં વાવાઝોડા લઈને કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી ન હતી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
તાઉતે વાવાઝોડા ( tauktea cyclone) એ દક્ષિણ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. જેમાં સુરત જિલ્લામાં ખેતીવાડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. અહીં ડાંગર, કેળાં, કેરી સહિત કઠોર અને અન્ય પાકોને અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.તાઉતે વાવાઝોડાની અસર સોમવારે રાત્રે 1 વાગ્યાના અરસાથી જ શરૂ થઈ ગઈ હતી. મંગળવારે સુરત જિલ્લામાં 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઈ સુરત જિલ્લાના બારડોલી પ્રદેશમાં કેળાં અને ડાંગર તેમજ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. કેળાં તેમજ કેરીનો પાક અને ઉનાળુ ડાંગર તૈયાર થઈ ચૂક્યું હતું. ખેડૂત આ તૈયાર થયેલા પાકની ઉપજ લે તે પહેલાં જ વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. સુરત જિલ્લામાં 14 હજાર 577 હેક્ટર જમીનમાં ડાંગર, કેળાં, શેરડી અને કેરીનો પાક તૈયાર હતો. જેને મોટાપાયે નુકસાન થયું છે. હવે ખેડૂતો આ નુકસાનીમાંથી ઊભા થવા માટે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. જો યોગ્ય સહાય નહીં મળે તો ખેડૂત પાયમાલ થઈ જાય તેવી શક્યતા છે.