Comments

સિંગાપુરની અર્થવ્યવસ્થાએ ૨૦૨૫નું વર્ષ સારી રીતે પસાર કર્યું

સિંગાપુરની અર્થવ્યવસ્થા માટે ૨૦૨૫નું વર્ષ આનંદદાયક રહ્યું. સેમીકન્ડક્ટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બંને ક્ષેત્રોના મજબૂત વિકાસની કાંધે બેસીને સિંગાપુરની અર્થવ્યવસ્થા ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૪.૮ ટકાના દરે વધી એવું પ્રાથમિક આંકડાઓ પરથી કહી શકાય. સિંગાપુરની અર્થવ્યવસ્થાનો આ વિકાસ દર ભૂ-રાજકીય તણાવ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે સર્જાયેલાં વમળો છતાં પણ અત્યાર સુધીનાં બધાં જ અનુમાનોને ખોટાં પાડીને થયો છે એ પણ એક હકીકત છે, જેની નોંધ લેવી રહી.

આ અગાઉ ૨૦૨૫માં અર્થવ્યવસ્થા ૪ ટકાના દરે વિકાસ સાધશે એવો વર્તારો અધિકૃત રીતે કરવામાં આવ્યો હતો. એને તો ઠીક પણ આગળના વર્ષે થયેલ ૪.૪ ટકાના વૃદ્ધિદરને પણ ૨૦૨૫ દરમિયાન અર્થવ્યવસ્થાએ કરેલ વૃદ્ધિદર વટાવી ગયો છે એવું સિંગાપુરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર ક૨વામાં આવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની નીતિ તેમજ અમેરિકાનું ચીન સાથે લગભગ કાયમી સંઘર્ષમાં રહેવાનું વલણ – આ બધું હોવા છતાં સિંગાપુરની અર્થવ્યવસ્થાએ ૨૦૨૫ના વર્ષને ૪.૮ ટકાના વૃદ્ધિદર સાથે અલવિદા કહી છે.

તેણે ભલભલા આશાવાદીઓના વર્તારાને પણ ખોટા પાડ્યા છે. અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ બધા જ સેક્ટરોમાં ૨૦૨૫ના ચોથા ત્રૈમાસિકી ગાળામાં વૃદ્ધિ જોવા મળી એ સરવાળે સિંગાપુરની અર્થવ્યવસ્થાએ વિકાસ સાધ્યો તે માટે કારણભૂત છે. પ્રાથમિક જીડીપી વિકાસદરના આંકડાઓ દરેક ત્રૈમાસિકી ગાળાના પ્રથમ બે મહિના દરમિયાન રહેવા પામેલ વિકાસ ઉપર આધારિત હોય છે. અમેરિકાએ સિંગાપુર પર દસ ટકાના દરે રેસીપ્રોકલ ટેરિફ નાખી છે, પણ કેટલાક સેક્ટર જેવા કે, બ્રાન્ડેડ દવાઓ ઉપર સો ટકા ટેરિફ નાખવામાં આવી છે, જે સિંગાપુર માટે ચિંતાનો વિષય છે.

૨૦૨૬ના નવા વર્ષ માટેના એના સંદેશમાં સિંગાપુરના વડા પ્રધાન લૉરેન્સ વૉંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અર્થવ્યવસ્થાનો આ દેખાવ પ્રવર્તમાન સંયોગોમાં આપણા ધાર્યા કરતાં સારો છે. સિંગાપુરના વડા પ્રધાને આ માટે સેમીકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આવેલ પેઢીને કારણભૂત ગણાવ્યા છે. સિંગાપુરના વડા પ્રધાનના કહેવા પ્રમાણે અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર ૨૦૨૫ દરમિયાન ધાર્યા કરતાં સારો રહેવાને કારણે બેરોજગારી તેમજ ફુગાવાનું સ્તર નીચું રહ્યું હતું અને લગભગ દરેક ક્ષેત્રે ચોખ્ખી આવક વધી હતી.

જો કે એની સાથોસાથ જ એણે ચેતવણી ઉચ્ચારી હતી કે, આ વૃદ્ધિદરને વધુ ને વધુ તીવ્ર બની રહેલા જીઓપૉલિટિકલ તણાવો વચ્ચે જાળવી રાખવો પડકારરૂપ બની રહેશે. વાંગ દ્વારા કરવામાં આવેલાં આ અવલોકનોમાં ૨૦૨૬ માટેનો વર્તારો શું રહેશે તે કહેવામાં આવ્યું નથી પણ વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે ૨૦૨૬ દરમિયાન સિંગાપુરની અર્થવ્યવસ્થાનો વિકાસદર ૧થી ૩ ટકા વચ્ચે રહેવાનો વર્તારો આપ્યો છે. મંત્રાલયના વર્તારા પ્રમાણે વૈશ્વિક ફલકમાં સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે સિંગાપુરે પોતાના આર્થિક વિકાસની વ્યૂહરચના અંગે પુનઃવિચારણા કરી નવેસરથી પોતાના લક્ષ્યાંકો નક્કી કરવા પડશે.

બીજું અગત્યનું પરિબળ એ છે કે દક્ષિણ-પૂર્વ એશિયામાં કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે સરહદી તણાવ ઊભો થયો છે. જો કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫એ થાઇલેન્ડ દ્વારા જુલાઈ, ૨૦૨૫થી કેદ કરાયેલ ૧૮ કંબોડિયન સૈનિકોને છોડી મૂકાયા તે હકારાત્મક પગલું છે. વડા પ્રધાન વોંગના કહેવા મુજબ બધી જ બાબતોને સાથે મૂકીએ તો એને કારણે આજનું વિશ્વ ઓછું સલામત અને વર્તારો ન કરી શકાય તેવું બની રહ્યું છે અને સિંગાપુરે પોતાની સલામતી સામેના પડકારો અને જોખમી પરિબળોથી સચેત રહેવું જોઈએ અને સમયાનુસાર ઉચિત કાર્યવાહી કરવી જોઈએ.

આમ, સિંગાપુર દ્વારા ૨૦૨૫ના કેલેન્ડર વર્ષ દરમિયાન પોતાની ધારણા તેમજ વર્તારા કરતાં પણ સારો વિકાસ સધાયો હોવા છતાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં હાલની ભૂ-રાજકીય પરિસ્થિતિ તેમજ અમેરિકાના ટેરિફ સંબંધી અક્કડ વલણને કારણે સિંગાપુરે ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ’ તેવું વલણ અપનાવવું પડશે એવી ચેતવણી સિંગાપુરના વડા પ્રધાન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ભારતે આમાંથી શું બોધ ગ્રહણ કરવો તે નક્કી કરવાનું રહેશે પણ ૨૦૨૬નું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ સાવ સરળ નિવડે એવું દેખાતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top