- # વહેલી સવારે સેંગપુરમાં મોરના ટહુકાથી ઊઠવાનું મન થાય, આજે પણ સેંગપુરમાં 800 જેટલા મોર છે, હથેળીમાંથી ચલ ખાતા મોર એ આ ગામની શાન બની છે, રાષ્ટ્રીય પક્ષી મોરનું ઘર બનેલા આ ગામને રાષ્ટ્રીય ગામ કહેવું પડે
- # પૂર્વવાહિની અમરાવતી નદીના તટે આવેલું ગામ ભૂતકાળમાં શિવલિંગપુર ગામ તરીકે ઓળખાતું હતું, શબ્દો અપભ્રંશ થતાં આજે સેંગપુર ગામ બની ગયું
રજવાડા શાસન વ્યવસ્થામાં બરોડાના પ્રજાવત્સલ રાજા સયાજીરાવ ગાયકવાડનું છેલ્લું ગામ એટલે આજનું ‘સેંગપુર’. અતિ પવિત્ર પૂર્વવાહિની અમરાવતી નદીના પટ પર વસેલું ભૂતકાળનું શિવલિંગપુર એ અપભ્રંશ થતાં આજનું અંદાજે ૩ હજારની વસતી ધરાવતું સેંગપુર ગામ છે. રાષ્ટ્રીય પક્ષી મોરનું ભલે અભયારણ્ય ન હોય તો પણ સેંગપુર ગામના લોકો માટે તેમની આસપાસ મોર હોવું સહજ બની ગયું છે. સેંગપુર મોર સાથે અત્યંત અતૂટ લગાવને કારણે આ ગામને રાષ્ટ્રીય ગામ જ કહેવું પડે. સેંગપુર ગામ આજુબાજુના ત્રણ તાલુકાની બોર્ડર પર વસેલું ગામ છે. સેંગપૂરમાં જ ભૂતકાળમાં અંગ્રેજ સલ્તનતની છેલ્લી ચેકપોસ્ટ હતી. એક સમયે તો સેંગપુર એ પૈસે સમુદ્ધ ગામ હોવાથી ગામના મોભાદાર લોકો આજુબાજુ વિસ્તારમાં ધીરધારનું કામ કરતા હતા. એ ઈતિહાસને ફરીવાર વાગોળવા માટે આજના દરેક ઘર દીઠ નોકરિયાતો અને ખમતીધર ખેડૂતોને કારણે આ ગામ ફરીવાર સમૃદ્ધિના શિખરે જવાનો પ્રયાસ થઇ રહ્યો છે. લોકશાહી પહેલાં ૧૫૩ વર્ષ જૂની સેંગપુરની પ્રાથમિક શાળાએ હવે રાજ્ય કક્ષાએ વારંવાર વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થીએ ભાગ લેવાનો લાહવો લીધો છે. આજે પણ આધાર એક્ટિવિટી માટે પ્રાથમિક શાળા મોખરે હોય છે. જો કે, આજે સેંગપુર ગામે છેલ્લા એકાદ દાયકામાં કરોડોના ખર્ચે તમામ માળખાગત સુવિધા ઊભી કરીને સવલતનો નવતર અભિગમ અપનાવ્યો છે
સેંગપુરનો ઇતિહાસ
ત્રિવેણી તાલુકાના મિડલમાં આવેલા સેંગપુર ગામના ઇતિહાસ પર નજર નાંખીએ તો ગામની લોકવાયકા પ્રમાણે ઘણાં વર્ષો પહેલા પૂર્વવાહિની અમરાવતી નદીના પૂર્વ ભાગમાં શિવલિંગપુર રહેતું હતું. અને સ્વયંભૂ કોટેશ્વર મહાદેવનું મંદિર પશ્ચિમ દિશામાં હોવાથી પૂજાવિધિ કરવાની હોવાથી બીજા છેડે આવવું પડતું હતું. શિવલિંગપુર ગામ એ નદીના તટે વસેલું હતું. અને એ સમયે ઘોડાપુર આવ્યું હતું. ત્યારે શિવલિંગપુરવાસીઓએ નિર્ણય કર્યો કે, આપણે સામે છેડે પશ્ચિમ દિશાના ઊંચાણવાળા વિસ્તારમાં રહેવું જઈએ, તો નદીનું પૂર પણ ન નડે અને પ્રાચીન મહાદેવ મંદિરની પૂજનવિધિ પણ થાય. એ બાદ સ્થળાંતર કરી સામે પાર આવી ગયા હતા. જો કે, દિવસે ને દિવસે શિવલિંગપુર શબ્દ અપભ્રંશ થતાં એ આજે આ ગામ સેંગપુર તરીકે ઓળખાય છે. બરોડાના નરેશ સયાજીરાવ ગાયકવાડનું સેંગપુર એ છેલ્લું ગામ હતું. અહીં આજે પણ ખોદકામ કરવામાં આવે તો એ સમયના સફેદ પથ્થરોના પુરાવા મળે છે. સેંગપુરની સમૃદ્ધિ કંઈ ઓછી ન હતી. એ જમાનામાં પૈસાદાર ગામ હોવાથી ધીરધારનો ધંધો ચાલતો હતો. આજુબાજુનાં ગામના લોકો અહીંના આર્થિક સપન્ન વણિક સમાજના લોકોને પૈસા આપતા હતા. પૈસા લેવડદેવડનું ધીરાણ જરૂરિયાત લોકોને કરાતું હતું. સેંગપુર ગામમાં અંગ્રેજ શાસનમાં છેલ્લી ચેકપોસ્ટ હતી. આજનું સેંગપુર એ રજવાડા અને અંગ્રેજ શાસનમાં અગ્રીમ સ્થાન હોવાથી મૂવમેન્ટનો એક ભાગ હતો. રજવાડાનો સમયકાળ વિત્યો એટલે લોકશાહી પદ્ધતિ આવી ને નવેસરથી તમામ લોકો આગળ વધવા માંડ્યા હતા. સેંગપુર ગામના લોકો પરિશ્રમી અને ખડતલ વ્યક્તિ હોવાથી પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત હતી. સેંગપુરે તમામ ક્ષેત્રે હરણફાળ ભરી, તેમાંય વ્યક્તિગત વિકાસનો રોલ કંઈક અલગ જ હતો. માનવીના જીવનમાં તડકો અને છાંયડો આવતો હોવાથી લીલી સૂકી જોઇને આગળ વધ્યા. સેંગપુર ગામના ઇતિહાસના જાણકાર રિટાયર્ડ શિક્ષક 61 વર્ષીય હિતેન્દ્રસિંહ સંજાણસિંહ સોલંકીએ કહ્યું હતું કે, મૂળ તો વર્ષો પહેલાં ઉત્તર ગુજરાતના દાતાના સોલંકી અહીં આવીને વસ્યા. ત્યારબાદ આગળ જાવ તો રાજપીપળા રજવાડાનાં ગામો આવતાં હતાં. આથી જ શિક્ષણ ક્ષેત્રે પણ ઉડાન ભરી હતી. લોકશાહી પહેલાં જ રાજાશાહીના સમયમાં સેંગપુરમાં પ્રાથમિક શાળા બની હતી. જે શિક્ષણ માટે અદભૂત દીર્ઘદૃષ્ટિ લેખાવી શકાય.
ઘરદીઠ મોર ધરાવતું અનોખું સેંગપુર ગામ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું એક ગીત છે કે, ‘મન મોર બની થનગાટ કરે’. જો કે, આ લીટીથી આખરે સેંગપુર ગામમાં મોરનાં ટોળાં ચોમાસામાં અવશ્ય થનગનાટ કરવાનાં દૃશ્યો જોવા મળતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય પક્ષી મોર જોવું હોય તો અવશ્ય સેંગપુર ગામની મુલાકાત લેવી પડે. આ ગામમાં જાણે ઘર દીઠ મોર છે. સેંગપુર ગામમાં મોર રહે એ માટે વર્ષોથી સુવિધાજનક વાતાવરણ ઊભું કરાયું છે. સેંગપુર ગામ હોય કે સીમ હોય ડગલે ને પગલે મોર અવશ્ય જોવા મળે. સેંગપુર ગામના લોકોને રાષ્ટ્રીય પક્ષી મોર સાથે આત્મીય અને સહજ નાતો છે. આ ગામમાં અંદાજે 800 જેટલા મોર વસવાટ કરે છે. તેનો ટહૂકો સંભાળનારાનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. મોર નજીક આવે તો સહેજે દર રાખ્યા વગર દાણા ખવડાવે છે. ધરતીપુત્રો પણ ચોખા, શેરડી, શાકભાજી, ઘઉં, જુવાર, તુવેર, મગ જેવા પાકોની ખેતી કરે છે. નદીની આસપાસનાં ખેતરોમાં શાકભાજી કે કઠોળ કરે છે. મોટી સંખ્યામાં ખેતરમાં પ્રવેશીને ઘણી વખત પાકને નુકસાન પણ કરે છે. છતાં ગ્રામજનો સહજતાથી સ્વીકારી લે છે. ચોમાસાની ઋતુ આવતાં મોરની કળા લોકો માટે નયનરમ્ય બની જતી હોય છે. સેંગપુરના ગ્રામજનો મોરની વિશેષ કાળજી લે છે. અને બહારનું કોઈ આવીને શિકાર કરવાની હિંમત કરતું નથી. સેંગપુર ગામ સાથે મોરને રહેવાનું કારણ એ છે કે, અમરાવતી નદી બારેમાસ પાણી હોવાથી મોરને ખોરાક સાથે પીવાના પાણીની સમસ્યા પણ નડતી નથી. ચોમાસામાં જમીનમાંથી નીકળતી જીવતો એ મોરનો ખોરાક બની જાય. મોરને કોઈ તકલીફ હોય તો ગામલોકો એનો ઈલાજ પણ કરાવી લે. મોરને નુકસાન ન થાય એ માટે ગામલોકો શ્વાન પાળવાનું ટાળે છે. સેંગપુર ગામનાં આઠ ફળિયાંમાંથી એકપણ ફળિયું મોર વિનાનું નથી. મોર લટાર મારવા આવી ચડે એ પહેલાં ગામના લોકો વાટકામાં ચણ તથા પાણી તૈયાર રાખે છે. સાથે નાનાં બાળકોને પણ મોર સાથે ભારે ઘરોબો હોવાથી વિશેષ પ્રેમ છે. માસૂમ બાળકો મોર સાથે રમવાનો શોખ પૂરા કરતાં હોય છે. મોરના ઈંડાનું ખેતરમાં કામ કરતા ખેડૂતો રક્ષણ કરે છે. મોર કઠોળ, ધાન્ય દાણા ઉપરાંત નાના કિટકો, જીવજંતુ ઉપરાંત સાપને પણ ખાય છે. એટલે સેંગપુરનાં ખેતરોમાં સાપ જોવા મળતાં નથી. મોરનો વસવાટ હોય તો એનો ફાયદો અચૂક મળતો હોય છે. ધરતીના પેટાળમાં ભૂકંપના આંચકા આવવાના હોય તો મોરની વર્તણૂક બદલાઈ જાય. એના પરથી અંદાજ આવી જાય કે કંઈક અજુગતું થવાનું છે. આસપાસ કોઈનું માનવીનું અવસાન થવાનું હોય તો મોરનું વર્તન બદલાઈ જાય. આજે પણ પક્ષીવિદો માટે આટલાં એકસામટાં મોર રહે હોવાથી જોવાનો અનેરો ઊમળકો હોય છે. જો કે, વર્ષો પહેલાં અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારીએ રાષ્ટ્રીય પક્ષી મોર માટે લગાવ હોવાના નાતે સેંગપુર ગામને અભયારણ્ય બનાવવાની ઉચ્ચ સ્તરે એક પ્રપોઝલની માંગણી કરી હતી. કમનસીબે જાણે એ પ્રપોઝલ અભરાઈ પર ચઢી ગઈ હોય એમ તેનો કોઈ વળતો જવાબ ન મળ્યો. તેમ છતાં વિલેજ ઓફ પીકોક કે મોર અભયારણ્ય જેવા નામ સેંગપુરને જનમાનસ તરફથી મળ્યા છે. જો કે, ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર માટે આજે પણ ગ્રામજનો પીપોક સપોર્ટ બને એવી રાહ જોઇને બેઠું છે.
સેંગપુરને પડતી અગવડ
સેંગપુર ગામના પડોશની વિસ્તારમાં ભલે અણીશુદ્ધ પીવાલાયક મળતું હોય પણ અમરાવતી નદી બારમાસ વહેતી હોવા છતાં કટુ વાસ્તવિકતા એ છે કે, સેંગપુર ગામમાં ટ્યુબવેલ કરાવો તો પીવાલાયક પાણી મળતું નથી. સેંગપુરમાં પીવાનું પાણી ક્ષારયુક્ત હોય છે. ડ્રિકિંગ વોટર માટે જનજીવન પર ભારે અસર થતી હોય છે. પશુઓ અમરાવતી નદીમાંથી પાણી પીતા હોય તો પણ ગ્રામજનો માટે પાણીની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. આખા સેંગપુર ગામને પીવાનાં પાણી માટે અન્ય ગામો ઉપર નિર્ભર રહેવું પડે છે. આજે પણ એક બોર વટારિયા અને બીજો બોર બાંડાબેડામાંથી પાઈપ લાઈન કરીને લાવે છે. તેનાથી આખું ગામ શુદ્ધ પાણી પીએ છે.
# બરોડાના પ્રજાવત્સલ નરેશ સયાજીરાવ ગાયકવાડનું સેંગપુર છેલ્લું ગામ હોવાથી આગળનું રજવાડું એ રાજપીપળાનું હતું
# ભૂતકાળમાં અંગ્રેજ સલ્તનતમાં સેંગપુરમાં છેલ્લી ચેકપોસ્ટ હતી
દોઢ સદી વટાવી ચૂકેલી સેંગપુરની આજની અદ્યતન પ્રાથમિક શાળા
આ સૂત્રથી અજ્ઞાનરૂપી અંધકારમાંથી માનવને જ્ઞાનપ્રકાશ મળે. આ લોકશાહી પદ્ધતિ સાથે રાજા-રજવાડાં પણ જનમાનસ તરફ ધ્યાન દોરતા હતા. શિક્ષણ એ કોઈપણ સમાજ માટે અવિભાજ્ય અંગ હતું. કોઇપણનો વિકાસ અત્યંત વધારીને નવી ક્ષિતિજ બહાર કાઢે. શિક્ષણનું સ્થાન એ મહત્ત્વનું હોય છે. શિક્ષણ માનવીની લાક્ષણીકતામાં મોટો ભાગ ભજવે છે. તા.11મી સપ્ટેમ્બર-1868માં સેંગપુરમાં પ્રાથમિક શાળાનો આઝાદી પહેલાં શુભારંભ થયો. 153 વર્ષ પહેલાં અજ્ઞાનતા જાણે આંગણે મળે. ગામની ધૂળિયા વિસ્તારમાં અને બાળકને શિક્ષણ મળે એવો કોઈ અવકાશ નહીં. જાગૃતતાનો અભાવ હોવાથી ભવિષ્યમાં શિક્ષણ વેલ્યુની ઓળખ હતી નહીં. સયાજીરાવ ગાયકવાડના સમયમાં સેંગપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસવા માટે સ્ટેપ બાય સ્ટેપ બેઠક વ્યવસ્થા હતી. ધીમે ધીમે સમયના તકાજા પ્રમાણે શિક્ષણનું સેંગપુરને જ્ઞાન થવા લાગ્યું. પછી શિક્ષણ તરફ એક રોડમેપ બનવા માંડ્યો. આજે 153 વર્ષ જૂની ધો-1થી 8 સુધીની સેંગપુર શાળાને અંદાજે 1 કરોડના ખર્ચે અદ્યતન બનાવાઈ છે. આ શાળામાં આજે 323 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળામાં સુવિધાયુક્ત વર્ગખંડ અને વિદ્યાર્થીઓને ટેલેન્ટ વધારવા માટે તમામ સગવડો આ સ્કૂલનો સ્ટાફ આપતો રહે છે. સેંગપુરના પ્રાથમિક શાળાના આજના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રમાણ એ સામાન્ય નોકરી કરતા વિજ્ઞાનની પરિભાષાથી આગળ વધવા માંગે છે. સેંગપુર પ્રાથમિક શાળાના સિલેક્ટેડ તેજસ્વી વિદ્યાર્થીઓ હમણા સુધી ચાર વખત વિજ્ઞાન મેળામાં ચાર વખત રાજ્ય કક્ષાએ જઈને આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ રમતની પ્રવૃત્તિ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમાં મોખરે હોય. આજે સેંગપુર પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને અનુકૂળ ફેસિલિટી ઊભી કરવામાં મોખરે હોય છે. સાથે નાનાં બાળકોને ૩ડી ફિલ્મ સાયન્સ સિટી અમદાવાદ, જૂનાગઢમાં બતાવવાનો લ્હાવો લીધો હતો. પ્રાથમિક શાળાના હેડ ટીચર હિતેન્દ્રસિંહ રણજિતસિંહ રાજે જણાવ્યું હતું કે, હું 2012માં સેંગપુરની પ્રાથમિક શાળામાં જોડાયો હતો. આ ગામની તમામ નવી પેઢી શિક્ષિત બને એવો અમારો ધ્યેય હતો. જેમાં અમે સફળ રહ્યા છીએ. સાથે અનેક ઈત્તર પ્રવૃત્તિ પણ બાળવિકાસ માટે એક આધાર છે. સાથે ગ્રામજનોનો સહકાર અમને મળતો રહે છે. સેંગપુર ગામનો નાગરિક યોગ્ય ઘડતરથી આવતીકાલનો ઉત્તમ નાગરિક બને એવી અમારી લાગણી હોય છે. સારો નાગરિક બનીને ઉત્તમ કામ કરે તો શાળા સાથે સેંગપુર ગામનું નામ રોશન કરે એવો ભાવ હોય છે. આમ, પણ વિદ્યાર્થી હંમેશાં એકદમ એક્ટિવ હોય છે.
ત્રણ પંથકમાં ઉદ્યોગોથી ઘેરાયેલું સેંગપુર ગામ
નવી પેઢીને રોજગારીનું સાધન એટલે ઉદ્યોગોમાં નોકરી મળે એ માટે 13 કિલોમીટર દૂર અંકલેશ્વરમાં એશિયા ખંડની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે. બાજુમાં 7 કિમી દૂર વાલિયા તાલુકામાં સુગર ફેક્ટરી તેમજ કંપનીઓ આવેલી છે. અને અમરાવતી નદીને પાર કરીએ તો માંડ ત્રણેક કિલોમીટર દૂર ઝઘડિયા જીઆઈડીસી લગભગ 55 કોર્પોરેટ સહિતની ધમધોકાર કંપની ચાલે છે. હજુ પણ ભવિષ્યમાં 100થી વધુ કંપનીનો પગપેસારો થવાનો હોવાથી સેંગપુર ગામ માટે આજીવિકાનું સાધન બની જશે. સેંગપુરની ત્રણ દિશામાં ઉદ્યોગોનો ખડકલો હોવાથી આવતીકાલ અત્યંત મહત્ત્વની બની જશે. આજુબાજુ અંકલેશ્વર, ઝઘડિયા અને વાલિયા વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતથી સ્થાનિક લોકોનાં જીવનધોરણ માટે એકમાત્ર ઉપાય એ રોજગારી હોય. ગામના શિક્ષિત યુવાનોને નોકરી મળે એ મહત્ત્વનો રોલ હોય એ સ્વાભાવિક છે. ઉદ્યોગોનો વિકાસ પણ હાલમાં દરેક જગ્યાએ થયેલો જ છે. સેંગપુર ગામની વાત કરીએ તો આજે એકપણ ઘર નોકરી વગર બાકી હોય એવું નહીં બને. જેને કારણે સેંગપુર ગામે સમૃદ્ધિ તરફ ફરી ડગ માંડ્યાં છે. રોજગારી નવાં દ્વાર ખૂલતાં સ્થાનિક લોકોને રોજગારી મળે એટલે તેમના પરિવારજનો સમૃદ્ધ બનશે. આવકનું સાધન બનતાની સાથે જીવનધોરણમાં પણ બદલાવ આવે જ છે. ઉદ્યોગો એ માનવીનું જીવનધોરણ ચલાવવા માટે પારાશીશી છે.
સેંગપુરની વસતી
અંકલેશ્વરથી અંદાજે 13 કિલોમીટર પૂર્વ ભાગમાં આવેલું સેંગપુર ગામ અંદાજે ૩૦૦૦ હજારની વસતી ધરાવે છે. આ ગામમાં કોળી પટેલ સિવાય તમામ જ્ઞાતિના લોકો વસે છે. આ ગામના લોકો નોકરી અને ખેતી પર નિર્ભર છે. ખેતીમાં શેરડી, કપાસ અને તમામ શાકભાજી બનાવે છે. સેંગપુર માટે આદિવાસી, રાજપૂત, મુસ્લિમ, બ્રાહ્મણ, વણિક, પાટીદાર, ઘાંચી, સુથાર, વાળંદ સહિતની તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. સેંગપુર ગામ રળિયામણું હોવાથી રહેવા માટે ઉત્તમ ગામ છે. સુવિધાસભર, રોજબરોજનું ડેવલપમેન્ટ આજનું ગામ એ આવતીકાલનું હાઈટેક ગામ બનવા જઈ રહ્યું છે. ગામમાં વાઈફાઈ પ્રોસેસની કામગીરી ચાલતી હોવાથી આવતીકાલે સેંગપુર ગામે કમ્પ્યૂટરાઈઝ તરફ જવાનાં પગલાં લીધાં છે. એજ્યુકેટેડ ગામને કારણે મહત્ત્વની ભૂમિકા તરફ ડગ માંડ્યા છે. સેંગપુરમાં કોઈ ઘર એવું ન હોય જે નોકરિયાત ન હોય. સાક્ષરતાનું પણ વધારે પ્રમાણ હોવાથી નોકરિયાતોની સંખ્યા ગામમાં વધારે છે. જેને કારણે ફરીવાર આર્થિક સધ્ધરતા તરફ આગળ વધી રહ્યું છે. આજે પણ સેંગપુર ગામમાં 4 ડોક્ટર, 30 ઈજનેર, 150 ગ્રેજ્યુએટ, 1 પ્રોફેસર, 20 શિક્ષક તેમજ આઈટીઆઈ અભ્યાસ કરેલાનો તોટો નથી.
સેંગપુર ગામે કેડસમા પાણીમાંથી જીવના જોખમે શાળાએ જતાં બાળકો
ભાર વિનાના ભણતરની વાતો ભલે થતી હોય પણ આજે પણ કેટલા વિસ્તારોમાં વિકાસના વાંકે ભણતરનો પણ ભાર વેઠી રહ્યા છે. કમનસીબે અમરાવતી નદીને કારણે સામે પારનાં બાળકો જીવના જોખમે વર્ષોથી કેડસમા પાણીમાં નદી પાર કરે છે. આ વિદ્યાર્થીઓને શાળા જતા જુઓ તો તમને પણ આશ્ચર્ય થાય કે શાળાએ જતા આ વિદ્યાર્થીઓનું બેગ ખભાને બદલે માથા પર હોય. અને ચપ્પલ પગની જગ્યાએ હાથમાં હોય છે. આ રીતે શાળાએ જવાનું કારણ એ છે કે, વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અમરાવતી નદી પાર કરવી પડે છે. અમરાવતી નદી આમ તો સેંગપુર ગામમાંથી પસાર થાય થાય છે. ત્યારે ગામને બે ભાગમાં વહેંચી દે છે. આટલી ગંભીર સ્થિતિ વચ્ચે ભણી રહેલા આ બાળકોનું ભવિષ્ય કેવું હશે? 5થી 13 વર્ષનાં માસૂમ બાળકો અભ્યાસ માટે કેડસમા પાણીમાં નદી ઓળંગે છે એ કલ્પના પણ ભયભીત કરી દે છે. વર્ષોથી સેંગપુર આ સ્થિતિનો સામનો કરતું આવ્યું છે. છતાં તંત્ર આ બાબતે ગંભીર નથી એવું પ્રતીત થઈ રહ્યું છે. જેના કારણે લગભગ 35 બાળકનો અભ્યાસ ન બગડે એ માટે જીવના જોખમે નદી ઓળંગવી પડે છે. ક્યારેક તો વાલીઓ પણ કામધંધા છોડી બાળકોને માથે બેસાડી સામે પાર મૂકી આવતા હોય છે. કેટલીકવાર વિદ્યાર્થીઓનાં કપડાં નદીમાંથી પસાર થવાના કારણે ભીંના થઈ જાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ ભીનાં કપડાંમાં જ અભ્યાસ કરવો પડે છે. ક્યારેક ઘોડાપૂર આવે તો નદીમાંથી પસાર થવાય નહીં. એ સંજોગોમાં ઘરે જ પુરાઈ રહેવું પડે છે. સેંગપુરના સરપંચ વિજયસિંહ સોલંકીએ બાળકોને અભ્યાસ નહીં બગડે એ માટે વહીવટી તંત્રને કોઝવે કે બ્રિજ બનાવી આપવાની તીખા-તોખાર સ્વભાવે રજૂઆત કરી હતી. તેમ છતાં બિનજવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. અને જવાબ પણ તઘલખી આપતા હોય છે. તંત્રની આડાઈને કારણે માસૂમ બાળકોને ભોગ બનવું પડે છે. ક્યારેક કોઈ ઘટના બને તો જવાબદારી પણ તંત્ર લેવામાં આડખીલી ઊભી કરે છે. તેનું પરિણામ ન આવતાં આજે પણ એ દુર્દશામાં બાળકો ભગવાન ભરોસે નદીમાંથી પસાર થાય છે. બાળકો માટે તંત્ર દ્વારા નદી ઉપર પુલ ક્યારે બનાવવામાં આવશે એ જોવું રહ્યું.
સેંગપુરના કદાવર નેતા વિજયસિંહ સોલંકી
વિજયસિંહ સોલંકીનાં માતા-પિતા પ્રાથમિક શાળાનાં શિક્ષક છે. તેમનો દીકરો વિજયસિંહ સોલંકી 23 વર્ષ પહેલાં રાજપીપળામાં બીએસસી/કેમેસ્ટ્રી અભ્યાસ કરીને સેંગપુર ગામમાં આવ્યો હતો. દરેક માતા-પિતાની ઈચ્છા સ્વાભાવિક હોય કે દીકરો નોકરી-ધંધે લાગે. બાજુમાં ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે લાગ્યો હતો. અને એ જ વર્ષે ગામની ખરીમાં આરએસએસ(સંઘ)ની શાખા ચલાવતા હોવાથી તેઓ હિન્દુત્વની વિચારધારા તરફ દોરાયા. નોકરી માટે આમ પણ વિજયસિંહ સોલંકીનું મન માનતું ન હતું. બે વર્ષ બાદ નોકરીને તેમના સ્વભાવે તિલાંજલિ આપી દીધી. 19 વર્ષ પહેલા સને- 2002માં વિજયસિંહ શંભુસિંહ સોલંકીએ સેંગપુર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા બનીને સત્તા સંભાળી હતી. એ સમયે સેંગપુર ગામમાં આજુબાજુના રસ્તા તદ્દન ઘરેડ અને ધૂળિયા હોવાથી કોઈપણ આવે તો મેલોઘેલો આવે. રોડના કોઈ ઠેકાણાં નહીં. ડેપ્યુટી સરપંચ બનતાં સૌથી પહેલો રોડ સેંગપુરથી વટારિયાનો નોન પ્લાન રોડ બનાવ્યો. વિજયસિંહ સોલંકી માટે તેમનું ગામ રૂડું અને રૂપાળું હોય એવી લાગણી હતી. સેંગપુરમાં કંઈક કરવાની તમન્ના હોવાથી વિજયસિંહ સોલંકી 2012 અને 2017માં બે ટર્મ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા. તેમની ટર્મમાં સેંગપુરને માત્ર એક જ રોડ નહીં પણ જીતાલી સેંગપુર રોડ, સેંગપુર-બાંડાબેડા, હીરાપોર રોડ સહિત દરેક બાજુથી વાહન વ્યવહાર માટે ટીકળીબંધ રોડ બનાવી જતાં અંદાજે 55 કરોડના ખર્ચે વિકાસ થયો છે. આ તો ગ્રામની બહારનો વિકાસ છે. તમે સેંગપુરના કોઈપણ ખૂણામાં જાવ તો આંતરિક રોડ, પેવર બ્લોક, બોર, પાઈપલાઈન, તળાવ બ્યુટિફિકેશન સહિતની ફેસિલિટી જોવા મળે છે. તેમજ ગ્રામ પંચાયત કચેરીનું કામ રૂ.14.85 લાખના ખર્ચે ચાલી રહ્યું છે. સેંગપુર પીએચસી સેન્ટર પણ 12 લાખના ખર્ચે બની ગયું છે. તેમજ વીજળીની તકલીફ માટે અંદાજે ૩ કરોડના ખર્ચે એસ.એસ. ફીડર બની ગયું છે. વિજયસિંહ ઉમદા માણસ પણ ખરા. ગામમાં કોઈપણ માણસ બીમાર થાય તો મેડિકલની સેવા ફ્રીમાં આપે છે. 50 વર્ષના વિજયસિંહ શંભુસિંહ સોલંકી તાજેતરમાં 2021ની તાલુકા પંચાયતની સીટ પર ચૂંટણી લડ્યા હતા. અને લોકચાહનાને કારણે તેમનો ભવ્ય વિજય પણ થયો હતો. તેઓ હાલમાં અંકલેશ્વર તાલુકાના શાસક પક્ષના નેતા છે. 6 વર્ષથી તાલુકા કિશન મોરચાના અને સેંગપુર ખેડૂત મલ્ટિપર્પઝ કો.ઓ. સોસાયટીના પ્રમુખ તરીકે જવાબદારી તેમના શિરે છે. વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દરેકને પોતાનું ગામ હંમેશાં સુવિધાયુક્ત હોય એવી લાગણી હોય છે. તમામ સમાજે મને પંચાયતની જવાબદારી સોંપી ત્યારે સેંગપુર ગામ માટે જે વિકાસનાં કામો કરવાના હોય એ કરવાની તત્પરતા હતી. જેમાં સફળતા અમને મળી. કેટલાંક કામો પણ અમે લોકભાગીદારીથી કર્યાં. અમરાવતી નદી પર ચેકડેમ બનાવવાનો હોય એ કામ કરતાં અમને આનંદ એ વાતનો છે કે, અમરાવતી નદીના ચેકડેમના ઉપરવાસના પાંચ કિલોમીટર વહેણ થકી સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ બની છે. આજે અંદાજે 2000 મોટર વડે લિફ્ટથી ધરતીપુત્રો સિંચાઈનો લાભ લે છે.