ટનાની વડી અદાલતે જમીનદારોની અમર્યાદિત જમીનની માલિકીના હકને મિલકત ધરાવવાના મૂળભૂત અધિકાર તરીકે ગણાવીને જમીનદારોની તરફેણમાં ચુકાદો આપ્યો એ જોઈને આપણા પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વ્યથિત થઈને કહ્યું હતું કે આખરે યેનકેન પ્રકારેણ વકીલો આપણા મહાન બંધારણને આંચકી ગયા. હવે? હવે એક જ ઉપાય બચતો હતો બંધારણમાં સુધારો કરવાનો. 1951માં બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં સુધારો કરનારા એ લોકો જ હતા જેમણે બંધારણ ઘડ્યું હતું.
આનું કારણ એ હતું કે એ સમયે હજુ લોકસભાની પહેલી ચૂંટણી થઇ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી હતી પણ બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવી ગયું હતું. બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો અને મૂળભૂત અધિકારો અમર્યાદિત નથી પણ એમાં જરૂરી નિયંત્રણો મૂકી શકાય છે. આગળ જતાં લાંબા સમયનાં પરિણામો પેદા કરનારી એક હકીકત અહીં નોંધી લેવી જોઇએ. આ સુધારાનો અર્થ એ થયો કે લોકસભા બંધારણની એ જોગવાઈઓ બાબતે પણ સુધારા કરી શકે છે જેને બંધારણ ઘડાનારાઓએ પવિત્ર અને સુરક્ષિત ગણાવી છે. સુરક્ષિત કરનારાઓ અને તેમાં વ્યાપક પ્રજાકીય હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી છેદ પાડનારાઓ એક જ હતા. જો વકીલોએ તેમનું ખેપાની દિમાગ વાપરતા પહેલાં પ્રજાકીય હિતમાં વિવેક વાપર્યો હોત તો આવી સ્થિતિ પેદા ન થઈ હોત. નેહરુના એ શબ્દો પયગંબરી હતા.
એ પછી ધીરે ધીરે એક ત્રિકોણ રચાયો. શાસકો અને તેમનું સત્તાકીય રાજકારણ, સ્થાપિત હિતોની બ્રીફ પકડીને અદાલતોમાં ગમે તે સ્તરે નીચે ઊતરતા વકીલો અને જેમની પાસે પ્રામાણિકતા અને વિવેકની અપેક્ષા છે એવા જજો. આમાં હુકમનો એક્કો જજો હતા કારણ કે તેમણે આખરી નિર્ણય કરવાનો હતો. બંધારણને, બંધારણના પ્રાણને અને બંધારણીય ભારતને જજોએ બચાવવાનું હતું અને તેના પર શાસકો અને વકીલો દ્વારા સ્થાપિત હિતોના પ્રહારો શરૂ થયા અને એમાં એક વાત નોંધી લેવી જોઈએ કે જજો પણ આખરે માટીના બનેલા માનવી છે. કેટલાક વેચાઈ ગયા, કેટલાકે સમાધાનો કર્યા, કેટલાક જજોએ દહીંદૂધમાં પગ રાખવાનું શીર્ષાસન કર્યું અને કેટલાક ટટ્ટાર ઊભા રહ્યા. આ બધું આજે પણ જોવા મળી રહ્યું છે. એનું આખું એક પુસ્તક લખી શકાય (અને લખાયા પણ છે) એટલો લાંબો ઈતિહાસ છે પણ માત્ર એમાંથી એક ઘટના નોંધવી જોઈએ. એ શકવર્તી ખટલો હતો અને એનાથી મોટો શકવર્તી ચુકાદો હતો.
1973ની સાલમાં કેશવાનંદ ભારતી કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. સ્વામી કેશવાનંદ નામના કેરળના મઠાધીશે કેરળના જમીનદારી નાબૂદીના કાયદાને અદાલતમાં પડકાર્યો અને છેવટે એ કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. મુદ્દો એ જ હતો; મૂળભૂત અધિકારોનો. શાસકો અને સંસદ મૂળભૂત અધિકારોમાં કાપ મૂકી શકે અથવા તેનું સંકોચન કરી શકે? આ પહેલાં 1967માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે આગલા દરેક ચુકાદાઓને ઉલટાવીને બહુમતી ચુકાદો આપ્યો હતો કે સંસદને બંધારણના મૂળભૂત અધિકારોનું સંકોચન કરવાનો અધિકાર નથી.
કેશવાનંદ ભારતી કેસ વખતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય લીધો કે આ વારંવારની ડાબે-જમણેની યાત્રાનો આખરી અંત લાવવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ૧૩ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ રચવામાં આવી અને તેની સમક્ષ સતત રોજેરોજ 66 દિવસ સુનાવણી કરવામાં આવી. એમાં પણ ન્યાયમૂર્તિઓ વચ્ચે મતભેદ થયા પણ 7 ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપ્યો એ શકવર્તી હતો. ચુકાદો એવો હતો કે સંસદ બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ધરાવે છે પણ બંધારણના મૂળભૂત માળખા (બેઝીક સ્ટ્રક્ચર)માં સુધારા ન કરી શકે. બંધારણનું મૂળભૂત માળખું બંધારણનો, ભારતીય રાષ્ટ્રનો, ભારત નામના રાજ્યનો પ્રાણ છે. એમાં ભારતીય નાગરિકોને આપવામાં આવેલો વાયદો છે અને એ વાયદા માટેની તજવીજ છે. વાયદાની પવિત્રતા અને પ્રતિબદ્ધતા જળવાવી જોઈએ.
કઈ બાબતોનો સમાવેશ થાય છે મૂળભૂત માળખામાં?
- પ્રજાસત્તાક સંસદીય લોકતંત્ર.
- સેકયુલારિઝમ.
- બંધારણની સર્વોપરિતા.
- સ્વતંત્ર ન્યાયતંત્ર.
- કાયદાનું રાજ.
- રાજ્યોનાં અસ્તિત્વને અને અધિકારોને સુરક્ષિત રાખતું સમવાય સંઘ (ફેડરલ ઇન્ડિયા).
- રાજ્યની 3 પાંખ (સરકાર – એક્ઝીક્યુટીવ, સંસદ/વિધાનસભા – લેજિસ્લેચર અને ન્યાયતંત્ર – જ્યુડિશિયરી) વચ્ચે સત્તાનું વિભાજન અને સંતુલન.
- સ્વતંત્ર ચૂંટણીતંત્ર અને
- બંધારણમાં રેખાંકિત કરવામાં આવેલા ભારતની અખંડતા.
જે દિવસે આ શકવર્તી ચુકાદો આવ્યો એ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એમ. સીકરી નિવૃત્ત થયા અને એ જ દિવસે ઇન્દિરા ગાંધીની સરકારે 3 જજોની સીનિયોરીટીને નકારીને ચોથા ક્રમના જજ એ. એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા. જેમની સીનિયોરીટીને નકારવામાં આવી હતી એ ત્રણ જજ; ન્યાયમૂર્તિ શેલત, ન્યાયમૂર્તિ ગ્રોવર અને ન્યાયમૂર્તિ હેગડેએ પોતાના આત્મસન્માનને બચાવવા રાજીનામાં આપી દીધાં. કહેવાની જરૂર નથી કે જે 3 ન્યાયમૂર્તિઓને દંડવામાં આવ્યા એમણે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને જેને મુખ્ય ન્યાયમૂર્તિનું ઇનામ આપવામાં આવ્યું એ ન્યાયમૂર્તિ રેએ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તાનાશાહ શાસકો અને ગોદી ગલૂડિયાં ત્યારે પણ હતા. ફરક માત્ર પ્રમાણનો છે. પ્રમાણ અલબત્ત 10:90નું છે અને કદાચ એનાથી પણ વધુ છે. આ ઉપરાંત તાનાશાહી વ્યાપક છે, સાર્વત્રિક છે અને મોટા પ્રમાણમાં તો છે જ.
હવે આજે સ્થિતિ એવી છે કે સત્તા છે, પ્રચંડ બહુમતી છે, પ્રજાનું સમર્થન છે, કોઈને પણ ખરીદી શકાય એટલા અઢળક પૈસા છે, ગોદી ગલૂડિયાંઓની ફોજ છે, લોકોને ડરાવનારા-રડાવનારા-ધુણાવનારા મીડિયા છે એમ બધું જ છે; પણ પેલો બેઝિક સ્ટ્રક્ચરવાળો ચુકાદો આડો આવે છે. એક સાબૂત કરોડરજ્જુવાળો ટટ્ટાર માણસ એક લાખ કરોડરજ્જુ વિનાનાઓને ભારી પડી શકે એનું આ ઉદાહરણ છે. આ છે સત્યની અને નૈતિકતાની તાકાત. જો હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર બદલવું જોઈએ. જો બેઝિક સ્ટ્રક્ચર બદલવું હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટી સંખ્યામાં ગોદી જજોને પહોંચાડવા જોઈએ જે એક દિવસ સર્વાનુમતે ચુકાદો આપે કે સંસદને બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને પણ બદલવાનો અધિકાર છે.
અત્યારે આની તૈયારી થઈ રહી છે અને માટે સર્વોચ્ચ અદાલત અને સરકાર વચ્ચે અથડામણ ચાલી રહી છે માટે સર્વોચ્ચ અદાલતની વારંવારની વિનંતી છતાં સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિમણૂક કરવામાં આવતી નથી. વડી અદાલતોમાં નિમણૂક એટલા માટે કરવામાં નથી આવતી કે તેઓ આગળ જતાં સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી શકે છે અને એમાં વળી કોઈ કરોડરજ્જુવાળો ન્યાયમૂર્તિ ખન્ના ભટકાઈ જાય તો એક સાવજ એક હજાર શિયાળવાને ભારી પડી શકે.