Columns

પાપ – પુણ્યની જાણકારી

Teachers can inspire with virtue as well as knowledge - SHINE News

એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં પાપ અને પુણ્ય વિષે ઘણું બધું સમજાવ્યું.જીવનમાં જે મળે તે પાપ પુણ્યનાં ફળ છે તેમ સમજાવ્યું અને કહ્યું કે પાપ કરશો તો કર્મફળ રૂપે સજા મળશે અને પુણ્ય કરશો તો કર્મફળ રૂપે સારું ફળ મળે છે.આ જ કર્મફળનો નિયમ છે.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, પાપ એટલે કયાં કર્મ અને પુણ્ય એટલે કયાં કર્મ? અમને સમજાવો કે પુણ્ય મેળવવા માટે શું કરવું, કેવાં કર્મ કરવાં અને પાપ ટાળવા માટે કેવાં કર્મ ન કરવાં.’

ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, પાપ અને પુણ્યને સમજવા જેટલા અઘરા છે એટલા જ સહેલાં. મારી પાસે કોઈ યાદી નથી કે આ બધા કર્મ પુણ્યફળ આપશે અને આ બધાં ફળ પાપ ગણાઇને સજા અપાવશે.તમને બધાને જ વિવેક જ્ઞાન છે જ કે કયાં કર્મો સારાં કરવા જેવાં છે અને ક્યાં ન કરવા જેવાં. તમારો વિવેક જ તમારા માર્ગની દીવાદાંડી બનશે.’ બીજા શિષ્યે કહ્યું, ‘પરંતુ ગુરુજી, અમારા વિવેકમાં કયાંક ચૂક થાય અને અમે પાપ કરી બેસીએ તો ….એમ ન થાય તે માટે તમે અમને થોડી વધારે સમજ આપો કે અમે પાપ પુણ્યને ઓળખી શકીએ અને જાણ્યા અજાણ્યા કોઈ પાપ થઈ ગયું હોય તો માફી માંગી તેને સુધારી શકીએ.’

ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, યાદ રાખજો, તમારા દરેક કર્મનો હિસાબ થાય છે. પછી તે નાનું હોય કે મોટું. સૌથી પહેલાં કોઈ પણ કર્મ કરતી વખતે સજાગ રહો.તમારા વિવેકને જાગૃત રાખો અને ક્રોધને વશમાં રાખો અને કોઇ પણ શબ્દો બોલતાં પહેલાં સાવધ રહો તો ભૂલ થવાની શક્યતા ઘટશે અને રોજ રાત્રે સૂતાં પહેલાં દિવસભરનાં કર્મો વિષે વિચારો અને જો તે વિષે વિચારતાં ચહેરા પર સ્મિત આવે, દિલમાં સુકુન અને પ્રસન્નતા અનુભવાય તે બધાં કર્મો તમારાં પુણ્ય હશે અને પોતાનાં જ કર્મો વિષે ફરી વિચારતાં ઉચાટ અનુભવાય અને મન અસ્વસ્થ થઇ જાય તો સમજવું કે તે બધાં કર્મો પાપ હશે.’ ગુરુજીએ પોતાના શિષ્યોને પાપ અને પુણ્ય વચ્ચેનો તફાવત સમજવાની સચોટ રીત શીખવાડી. આ રીત શીખી લઈને સમજવા જેવી છે. યાદ રાખજો, જે કર્મ નાનું હોય કે મોટું, પ્રસન્નતા આપે તો પુણ્ય અને ઉચાટ આપે તો પાપ.રોજ રાત્રે તમારી પ્રસન્નતા અને ઉચાટનો હિસાબ કરી લેજો, પાપ પુણ્યના લેખાંજોખાં સમજાઈ જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top