મહાનગરોમાં ઇમારતોના ભાવ કરોડો રૂપિયામાં બોલાય છે અને જમીનની એક એક ઇંચની ગણતરી થાય છે, તે સાથે જ કાયદાની ઐસી તૈસી કરીને ભ્રષ્ટાચાર ચાલતો રહે છે. નિવાસ માનવની પ્રાથમિક જરૂરિયાત છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં શહેરીજનોને રહેવાનું છાપરું મુશ્કેલીથી મળે છે, પરિણામે ફૂટપાથો પર આશ્રય લે છે, ઝૂંપડપટ્ટીઓ સર્જાય છે, ગમે તે પ્રકારે ધનસંચય કરી શકનાર મકાન દલાલોનો સંપર્ક સાધી છાપરું શોધે છે. રીઅલ એસ્ટેટની પેઢીઓનો ધંધો ધમધોકાર ચાલે છે. ખરીદનારાઓનાં હિત અને ચિંતાને જોખમમાં મૂકનાર માલેતુજાર બિલ્ડરો અને ભ્રષ્ટ સત્તાધીશો મજા કરે છે, પણ મકાન ધસી પડવાની કે આગ લાગવાની ચિંતા રાખતાં નથી.
મૂળ બાંધકામમાં અવારનવાર મનસ્વી ફેરફાર કરી વધુ રૂપિયા રળવા પ્રયત્નશીલ રહે છે અને વ્યકિતગત ફલેટ – માલિકોની મંજૂરીની પરવા કરતા નથી. નોઇડાના ટવીન ટાવર્સ માત્ર ફલેટ ધારકો, બિલ્ડરો માટે જ નુકસાન દર્શાવતાં નથી. રાષ્ટ્રીય નુકસાન પણ નોંધવું રહ્યું. ગ્રીન બેલ્ટ કે પર્યાવરણની દરકાર રાખ્યા વિના ધંધાદારી અભિગમ ચાલે છે. કુતુબમિનારથી યે વધુ ઊંચાઇનું બાંધકામ થયું હતું. એક ટાવર બત્રીસ માળનો અને બીજો ઓગણત્રીસ માળનો તૈયાર કરવામાં આવ્યો. અદાલતમાં આ ટાવર્સને ગેરકાયદે ઠરાવવામાં આવતાં તેને તોડી પાડવાની કાર્યવાહી થઇ.
રાક્ષસી કદના આ બાંધકામને સાડત્રીસસો કિલો સ્ફોટક પદાર્થોની મદદથી તોડી પાડવામાં આવ્યું. રીઅલ એસ્ટેટની પેઢી -સુપર ટેકનું આ પાપ અંતે છાપરે ચઢીને પોકાર્યું. દેશના કાયદા સાથે ખોટું કરવાની કે શહેરીજનોને આપત્તિરૂપ થનાર કોઇ પણ કામગીરીને માફી ન હોઇ શકે. રીઅલ એસ્ટેટની પેઢીઓ તથા ખરીદનારાઓ તેમના જીવનની ગુણવત્તા, પ્રામાણિકતાનો ખ્યાલ રાખે, પર્યાવરણની રક્ષા માટે નિયમોનું પાલન કરે. ટવીન ટાવર્સને તોડી પાડવાની સુપર ટેક અનુસાર રૂપિયા પાંચસો કરોડનું નુકસાન થવા પામ્યું છે. ઇમારતોના સંદર્ભમાં મજબૂત અને પારદર્શક તંત્ર જરૂરી છે. ઇમારતને તોડી પાડીને અનિષ્ટને દૂર કરવાને બદલે અનિષ્ટને ઊગતું જ ડામી દેવાની આવશ્યકતા છે. ઇલાજ કરતાં સાવધાની સારી કહેવાય.
સુરત યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.