એક સજ્જન હતા. હંમેશા હસતા રહેતા. બોલે ઓછું, પણ સદા હસતા રહે.એ સજ્જન જ્યાં જાય ત્યાં લોકો તેમને પ્રેમ કરે ,આવકારે …ઘર , સોસાયટી , ઓફીસ કે મિત્રો અને સ્વજનો બધાં જોડે તેમના સંબંધ સારા અને મીઠા ..બધા તેમને સ્નેહથી આવકારે …ફરી આવવાનો અગ્રહ કરે. આ સજ્જનનું જાણે અદકેરું માન …કારણ શું ખબર નહિ કારણ તેઓ તો એકદમ સામાન્ય જન જેવા જ હતા.એક પ્રાઇવેટ ફર્મમાં વર્ષોથી નોકરી કરતા હતા ,મહેનતથી આગળ વધ્યા હતા.કરકસર કરી ઘર અને ગાડી વસાવ્યાં હતાં. કુટુંબીજનોની બધી ઇચ્છાઓ પૂરી કરવા તત્પર રહેતા.કોઈ ઉચ્ચ પદવી, ખાસ ભણતર , વિશેષ શ્રીમંતાઈ એવું કંઈ જ ન હતું, છતાં સર્વત્ર તેમનું માન હતું. એક દિવસ તેમના મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, તું જયાં જાય છે ત્યાં લોકો તને આવકારે છે , પ્રેમથી માન આપે છે દિલથી …તારા કોઈ વિરોધી નથી …કોઈ દુશ્મન નથી .એવો તે શું જાદુ છે તારી પાસે…’ સજ્જન તેમના ટ્રેડમાર્ક જેવું મીઠું હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, આમ તો એવું કંઈ જ નથી, પણ હા, મારી પાસે બે જાદુની છડી છે જેનો હું જયારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરતો રહું છું.એ જાદુની છડી લોકોને મારા બનાવી દે છે.’મિત્ર બોલ્યો, ‘દોસ્ત , એવી તે કઈ જાદુની છડી?’
સજ્જન બોલ્યા, ‘એક નહિ, બે જાદુની છડી છે. મારી પાસે …એક છે ‘મૌન’ અને બીજી છે ‘મુસ્કાન’…હું જયારે જરૂર પડે ત્યારે બેમાંથી જે યોગ્ય લાગે તે જાદુની છડીનો ઉપયોગ કરું છું.કોઈની પણ કોઇ પણ બાબતમાં માથું મારતો નથી …કોઈને કોઈ બાબતે સામેથી સવાલો પૂછતો નથી …કોઈ પણ બાબતે સલાહ આપતો નથી…કોઈની કોઈ બાબત ન ગમે તો પણ જીભાજોડીમાં ઊતરતો નથી ..કોઈ જોડે કડવા શબ્દોમાં વાત કરતો નથી….આ મૌન એક રક્ષા કવચ છે, જે તમને ઝઘડા, બોલાચાલી , પંચાત , નિંદા જેવી બાબતોથી બચાવી લે છે.
હું મૌન રહીને બધાને વધારે ગમું છું.જરૂર હોય ત્યાં જરૂર પૂરતું જ બોલું છું.અને બીજી જાદુની છડી છે આ મારો હસતો ચહેરો અને તેના પરની મારી મુસ્કાન.નાના હોય કે મોટા, હું બધા સામે હસતો રહું છું.પ્રેમથી, સ્મિતથી બધાને આવકારું છું અને પોતાના કરી લઉં છું.આ મુસ્કાન એક સ્વાગતદ્વાર છે. ઘણી વાર કોઈ મુશ્કેલી માત્ર એક સ્મિત આપવાથી દૂર થઇ જાય છે.હસતાં રહેવાથી તમારી આજુબાજુ પણ ખુશી પ્રસરે છે અને સામેવાળાને પણ તમારા સ્મિતનો ચેપ લાગે છે.કોઈ તમારી સાથે કોઈ બાબતે ગુસ્સાથી કે નફરતથી વાત કરવા આવે, પણ જો તમે એક સ્મિત આપી દો તો મોટા ભાગની બાબત કે ઝઘડો શરૂ થવા પહેલાં જ પૂરો થઇ જાય છે.’સજ્જને જીવનમાં બધાએ અપનાવવા જેવી બે જાદુની છડી વિષે સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.