જે અભિનેત્રીઓ ખૂબ મહત્વાકાંક્ષી હોય અને તેમને સારી ફિલ્મો પણ મળતી રહેતી હોય તે વહેલું પરણવું પસંદ નથી કરતી. પરંતુ હવે આ વલણમાં કેટલીક અભિનેત્રીઓ પરિવર્તન કરી રહી છે. આની શરૂઆત દિપીકા પાદુકોણે જ કરેલી કહેવાય. અલબત્ત, તે ખૂબ સફળ હતી છતાં સફળ અભિનેત્રી જ વહેલી નથી પરણતી. દિપીકા પછી આલિયા પણ પરણી ગઇ. પણ આ બધામાં મૌની રોય તો હજુ ફિલ્મોમાં આવી જ હતી ને પરણી ગઇ. જોકે ૨૦૨૨ માં પરણનારાઓની સંખ્યા મોટી છે. જેમાં અલી ફઝલ – રિચા ચઢ્ઢા, શીતલ ઠાકુર – વિક્રાંત મેસ્સી, ફરહાન અખ્તર – શિવાની દાંડેકરને ય ઉમેરવા પડે.
૨૦૨૩ ના લગ્નની શરૂઆત કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાથી થઇ. કિયારા અને સિધ્ધાર્થ છેલ્લા વર્ષોમાં સફળ રહેલા કળાકારો છે. કિયારા તો એકદમ ડિમાંડમાં છે. ‘કબીરસીંઘ’, ‘ગુડ ન્યુઝ’ પછી તેની બોલબાલા વધી છે. છેલ્લા વર્ષોમાં ‘શેરશાહ’, ‘ભુલભુલૈયા-2’ ખૂબ સફળ રહી છે. તેણે ધાર્યુ હોત તો લગ્ન માટે વધુ સમય લીધો હોત. તેની ‘આરસી ૧૫’ પણ આવી રહી છે. પરંતુ તે ‘શેરશાહ’ના તેના હીરો સિધ્ધાર્થ મલ્હોત્રાને પરણવા તૈયાર થઇ ગઇ. આ લગ્ન પહેલાં તેના નામે બે-ત્રણ રિલેશનશીપ પણ ચડી નથી. આ પ્રકારની સંબંધ બાબતની સ્પષ્ટતા આજે ઘણામાં નથી હોતી.
સામે સિધ્ધાર્થ મલ્હોત્રાનું પણ એવું જ છે. તે ફિલ્મોમાં સફળ જવા ઘણા વર્ષથી મહેનત કરતો હતો પણ ‘શેરશાહ’ માં તે શકય બન્યું અને હવે ‘થેન્ક ગોડ’, ‘મિશન મજનુ’ થી તેની સફળતા પણ આગળ વધી રહી છે. ‘મિશન મજનુ’ રજૂ થવાના સમયે જ તે પરણી રહ્યો છે. સિધ્ધાર્થ ૩૮ વર્ષનો છે અને કિયારા ૩૧ વર્ષની છે. તેમણે પરણી જ જવું જોઇએ એવું આપણો પરિચિત સમાજ કહેશે. ફિલ્મવાળાઓનું નકકી નથી હોતું. કયારે પરણે, કયારે છૂટા પડે તે કહેવાય નહીં. કિયારા-સિધ્ધાર્થ લગ્ન સંબંધ બાબતે ગંભીર જણાય છે. બંને પ્રત્યે ફિલ્મ જગતમાં પણ માન છે.
દિપીકા-રણવીર તો વિદેશ જઇને પરણેલા પણ વિત્યા વર્ષોમાં રાજસ્થાનનાં જેસલમેર, ઉદયપુર, જયપુર મેરેજ ડેસ્ટિનેશન બન્યા છે. સિધ્ધાર્થ-કિયારા જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરણ્યા. તેમણે જે મહેમાનોની યાદી બનાવેલી તેમાં શાહીદ કપૂર, કરન જોહર, મનિષ મલ્હોત્રા વગેરે પ્રથમ પંકિતમાં હતા. હમણાં હંસિકાએ લગ્ન કર્યા તો તેનો વેબ શો બની ગયો અને હવે તે ટીવી પર જોવા ય મળશે. લગનનાં લગ્ન અને કમાણીની કમાણી. એક અર્થમાં આ રિયાલિટી શો પણ ગણી શકો. લોકોને હવે જાણીતા સ્ટાર્સના લગ્નનું બહુ કુતુહલ હોય છે એટલે એવા સ્ટાર્સ ધારે તો લગ્નમાંથી પણ ધંધો કરી શકે. કિયારા – સિધ્ધાર્થ એવા જણાતા નથી પણ આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે ખરો.
હમણાં બે-ત્રણ વર્ષમાં થયેલા લગ્નોમાં સ્થિરતા જણાય છે. વિકી કૌશલ – કેટરીના કૈફથી માંડી રણબીર – આલિયા કે રણવીર- દિપીકા બધા એક સ્થિર લગ્નજીવન જીવી રહ્યા છે. અનુષ્કા શર્મા – વિરાટ કોહલી કે પ્રિયંકા ચોપરા – નિક જોન્સના લગ્નજીવનમાં પણ કોઇ વિવાદ થયા નથી. સિધ્ધાર્થ – કિયારાને પણ એવા સફળ દામ્પત્ય જીવનની આપે શુભકામના પાઠવીએ. અત્યારના સ્ટાર્સ પરણે પછી કોઇની કારકિર્દી અટકતી નથી. કેટરીના, અનુષ્કા, પ્રિયંકા, આલિયા, દિપીકા કામ કરી જ રહ્યા છે. સિધ્ધાર્થ – કિયારા પણ આ પ્રકારના જ કપલ નીકળશે. •