સિદ્ધપુર: દેશના પવિત્ર યાત્રાધામ પૈકીના એક એવા ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં (Siddharpur) યુવતીના અપમૃત્યુને પગલે દેશભરમાં ચક્ચાર મચી ગઈ છે. સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી (Pipeline) મળેલા માનવઅંગના અવશેષો ગૂમ થયેલી યુવતી લવિનાના હોવાનું DNA રિપોર્ટના આધારે સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ લવિના પાણીની ટાંકી સુધી પહોંચી કઈ રીતે? તેની હત્યા કરવામાં આવી છે કે તેમના અપમૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ છે? સમગ્ર ઘટના પાછળ કોનો હાથ છે? આવા અનેક સવાલો હજુ વણઉકેલ્યા રહ્યાં છે. કમકમાટી ઉપજાવે કે હૃદયને ઢંઢોળી નાંખે તેવી આ ઘટનાની તપાસ માટે પોલીસના ઉચ્ચાધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે.
ઘટનાની હકીકત એવી છે કે તા. 10મી મેથી સિદ્ધપુરના કેટલાક વિસ્તારોમાં પાણીની ફરિયાદો શરૂ થઈ હતી. જેમાં ગંદુ, ડહોળું, દુર્ગંધ મારતું, ચીકણું પાણી આવતું હોવા ઉપરાંત ક્રમશ: પાણીનો ફોર્સ ઘટવા અંગેની ફરિયાદો સતત વધી રહી હતી. જેથી તા. 16મીના રોજ સિદ્ધપુર પાલિકા દ્વારા ઉપલી શેરી વિસ્તારની પાણીની લાઈનોમાં ખોદકામ સાથે ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન પાઈપલાઈનમાંથી માનવઅંગના અવશેષો કોહવાયેલી હાલતમાં મળી આવતાં લોકો ચોંકી ઉઠ્યાં હતાં અને પોલીસને તેડાવાઈ હતી. પાણીની પાઈપલાઈનમાં તપાસ કરવી અઘરૂ હોવાથી પાલિકા દ્વારા ટાંકી અને પાઈપ માટે કેમિકલ વોશનો સહારો લેવાયો હતો. જેમાં માનવઅંગનો એક પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે સમગ્ર સિદ્ધપુર, ઉત્તર ગુજરાત બાદ રાજ્ય અને દેશભરમાં વહેતી થઈ હતી. પોલીસે પણ એક બાદ એક અંગોને શોધી કાઢવા ઉપરાંત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લેતાં મળેલાં માનવઅંગો યુવતીના હોવાની પુષ્ટિ થઈ હતી.
બીજી તરફ સિદ્ધપુરમાં જ રહેતી લવિના હરવાણી નામની એક યુવતી ગઈ તા. 7મીના રોજ ઘરેથી ગુરુદ્વારા દર્શને જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. પાંચ દિવસ બાદ એટલે કે તા. 12મીના રોજ અમદાવાદના લોકેશ નામના યુવક સાથે તેના લગ્ન નક્કી થયા હતાં. આવી ધમાચકડી વચ્ચે પરિજનોએ ખાસ્સી શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પોલીસે તા. 9મીના રોજ તેના ગૂમ થયાની ફરિયાદ નોંધી હતી. પાણીની પાઈપલાઈનમાંથી મળેલા અંગો પણ યુવતીના હોવાથી પોલીસે સમગ્ર ઘટનાને લવિના સાથે જોડવાની શરૂઆત કરી હતી. જેમાં પાણીનો સપ્લાય જ્યાંથી થાય છે તે ટાંકી પાસેથી લવિનાનું હાથનું કડું તેમજ દુપટ્ટો મળી આવ્યા હતાં. જેથી પોલીસે મળેલાં માનવઅંગોના અવશેષોના DNA ટેસ્ટ કરાવી, તે રિપોર્ટને લવિનાના માતા-પિતાના DNA સાથે મેળવવા માટે પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં DNA મેચ થતાં મળેલા માનવઅંગો લવિના હરવાણીના જ હોવાની વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ છે.
અલબત્ત સમગ્ર કેસ ખૂબ જ ગૂંચવણભર્યો સાબિત થઈ રહ્યો છે. પોલીસે સીસીટીવી ચેક કર્યાં તો લવિના પાણીની ટાંકી તરફ જતી જોવા મળી છે, પરંતુ તેની સાથે, આગળ કે પાછળ કોઈ હતું કે નહીં તેનો હજુ ફોડ પડાયો નથી. અન્ય એક મહત્વની વાત એ પણ છે કે લવિનાના મૃતદેહના ટૂકડા પાણીની ટાંકી દ્વારા જ પાઈપલાઈનમાં પહોંચ્યાં હશે. તો લવિના પાણીની ટાંકી સુધી જાતે ગઈ હોય પછી તેની હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પણ હજુ સ્પષ્ટતા કરાઈ નથી. ઉપરાંત પાણીની ટાંકી અવાવરૂ જગ્યામાં છે, ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનું પણ ચર્ચામાં છે. એટલે ધોળે દહાડે પણ આ ટાંકી સુધી જવાની કોઈ હિંમત કરે તેમ નથી, તો લવિના ત્યાં કઈ રીતે પહોંચી તે મુંઝવણ સૌને સતાવી રહી છે.
જે પણ હોય, હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે લવિના હરવાણીની હત્યા થઈ હોય તો તે ખૂબ જ ઘાતકી રીતે થઈ હશે. તેને રહેંસીને તેના મૃતદેહના ટૂકડા કરી પાણીની ટાંકીમાં ફેંકાયા હશે. પોલીસે હાલ તો લવિનાના મોબાઈલ ફોનને ઢંઢોળવો શરૂ કર્યો છે. આ ઉપરાંત તેના મિત્રો, સગા-સંબંધીઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.