ગાંધીનગર: આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ (Arsenal mittal nippon steel) પ્લાન્ટ દ્વારા પ્રદૂષણ (Pollution) ફેલાવવામાં આવી રહ્યું છે, તેવા આરોપ સાથે હજીરા (Hazira) કાંઠા વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણ નિવારણ સમિતિએ કેન્દ્ર તથા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ સમક્ષ એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ સ્ટીલ પ્લાન્ટ બંધ કરવો જોઈએ. એટલું જ નહીં આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટ સામે તપાસ હાથ ધરવા માટે એક નિષ્ણાત કમિટીની નિમણૂક થવી જોઈએ.
કેન્દ્ર તથા રાજયના વન તથા પર્યાવરણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-સુરત કલેક્ટર સમક્ષ હજીરા કાંઠા વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણ નિવારણ સમિતિએ એવી રજૂઆત કરી છે કે આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટના કારણે ફેલાતા પ્રદૂષણના પગલે હજીરા કાંઠાના ગ્રામવાસીઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં દર્દીઓની સારવાર માટે કોઈ મોટી હોસ્પિટલ પણ નથી. હજીરા કાંઠા વિસ્તારનાં ગામોમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. પ્રદૂષિત કચરો દરિયામાં નાંખવામાં આવે છે. ટ્રીટમેન્ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી આ સ્ટીલ પ્લાન્ટ દ્વારા છોડવામાં આવી રહ્યું છે. જે આગળ જતાં દરિયામાં જાય છે. પ્રદૂષિત કચરા માટે ડમ્પ સાઈટ બનાવવામાં આવી છે. આ સ્ટીલ પ્લાન્ટ દ્વારા તાપી નદીમાં પણ દબાણ કરાયું છે. આ સ્ટીલ પ્લાન્ટ દ્વારા વિવિધ પર્યાવરણીય મંજૂરીઓ મેળવવામાં આવી છે, તેનું પાલન કરાતું નથી. તેની પણ તપાસ થવી જોઈએ.
આક્ષેપો નકારીએ છીએ,પર્યાવરણની જાળવણી,અને નાગરિક આરોગ્ય માટે વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરી છે: કંપનીના પ્રવક્તા
અરજદારે કરેલા આક્ષેપો નકારીએ છીએ, એટલું જ નહીં તેઓ અમારી કંપનીમાં આવી પ્લાન્ટ વિઝિટ કરી શકે છે અને ગેરસમજો દૂર કરી શકે છે. AMNS હજીરા પ્લાન્ટમાં પર્યાવરણીય જાળવણી અને નાગરિક આરોગ્યની સલામતી માટે વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે.જીપીસીબીની લોક સુનાવણી દરમ્યાન પણ કંપનીના નિષ્ણાતો એ કાંઠા વિસ્તારના તમામ સંગઠનો,નાગરિકોના પ્રશ્નોના સંતોષકારક ખુલાસા કર્યા હતા. કંપની વૈશ્વિક માપદંડો ને આધારે તેના પ્લાન્ટનું તમામ કાયદાઓના પાલન સાથે સંચાલન કરે છે તેમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.