નવી દિલ્હીઃ વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ ટીમ ઈન્ડિયા (India) માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના (IndianCricketTeam) સ્ટાર ઈનફોર્મ ઓપનર શુભમન ગિલ (ShubhmanGill) બિમાર થયો છે. આ સાથે જ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતની પહેલી મેચમાં ગિલના રમવા અંગે શંકા ઉભી થઈ છે.
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુ (Dengue) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડકપની તેની પહેલી મેચ રમી શકે નહીં તેવા સંજોગો ઉભા થયા છે. ટીમ મેનેજમેન્ટે શુક્રવારે કેટલાંક મેડિકલ ટેસ્ટ કર્યા બાદ સ્ટાર બેટ્સમેનની મેચમાં ઉપલ્બ્ધતા અંગે નિર્ણય લેશે.
શુભમન ગિલ નહીં રમે તે ભારતીય ટીમ માટે ખૂબ જ મોટા ફટકા સમાન છે. છેલ્લાં એક વર્ષથી શુભમન ગિલ ભારતીય ટીમમાં સૌથી વધુ રન બનાવનાર બેટસમેન છે. તે વર્લ્ડકપની પહેલી મેચ રમી શકશે નહીં તે મામલે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમ બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચમાં ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર શુભમન ગિલે ગુરુવારે ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. તેના ડેન્ગ્યુ સંબંધિત ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેની સારવાર ચાલી રહી છે. શુક્રવારે ટેસ્ટનો બીજો રાઉન્ડ હાથ ધરાશે, તેના રિપોર્ટ આવ્યા બાદ ગિલના રમવા અંગે નિર્ણય લેવાશે.
ગિલ નહીં રમે તો રોહિત સાથે ઓપનિંગમાં કોણ રમશે?
જો શુભમન ગિલ ચેન્નાઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નહીં રમે તો મોટો પ્રશ્ન એ ઉભો થશે કે ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગમાં બેટિંગ કરવા કોણ મેદાનમાં ઉતરશે? ગિલના સ્થાને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. જોકે, કે.એલ. રાહુલ પણ દાવેદાર છે. કેમ કે એશિયા કપમાં પરત ફર્યા બાદથી રાહુલ જબરદસ્ત ફોર્મમાં છે.