Columns

શ્રીલંકાની અંધાધૂંધીનો લાભ લેવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તત્પર છે

લોકશાહીના ઓઠા હેઠળ, લોકોને છેતરીને, લોકોના મતો પડાવીને, લોકોના માલિક બનીને, લોકોના હિસાબે અને જોખમે જલસા કરતા શાસકોના હાલ જ્યારે લોકો જાગી જાય છે ત્યારે કેવા થાય છે? તેનું જીવંત અને જ્વલંત ઉદાહરણ શ્રીલંકામાં શનિવારે જોવા મળ્યું હતું. બ્રિટીશ કાળમાં બનેલા આલિશાન રાષ્ટ્રપતિભવનમાં શ્રીલંકાના હજારો આમ આદમીઓ ધસી ગયાં હતાં અને તેમણે સામંતશાહીના નમૂના જેવા રાષ્ટ્રપતિભવનનો કબજો લઈ લીધો હતો. લોકોનો જુવાળ જોઈને અત્યાર સુધી ધરાર સત્તાની ખુરશી પર ચીટકી રહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજાપેક્ષા ભયભીત થઈને પોબારા ગણી ગયા હતા.

તેમના આલિશાન મહેલમાંથી તેમણે દેશની તિજોરી પર લૂંટ ચલાવીને એકઠા કરેલા કરોડો રૂપિયાની કરન્સી નોટો મળી આવી હતી, જેને ગણીને લોકોએ સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધી હતી. ગરીબી, બેકારી અને મોંઘવારીથી પીડાતા મધ્યમ વર્ગનાં અનેક નાગરિકો રાષ્ટ્રપતિભવનના માલિક બની ગયા હોય તેમ તેમાં આંટા મારી રહ્યા હતા. કેટલાંક લોકો તેના બાદશાહી સોફા પર આળોટતા જોવા મળ્યાં હતાં તો કેટલાંક રસોડામાંથી ખાવાની વસ્તુઓ લઈને પોતાના પેટની ભૂખ ભાંગતાં જોવા મળ્યાં હતાં.

કેટલાંક લોકો ફૂલોથી ભરેલા બગીચામાં લટાર મારવા નીકળ્યા હતા તો કેટલાંક સ્વિમિંગ પુલમાં કૂદી પડ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવન તો ખરી રીતે શ્રીલંકાની જનતાની માલિકીનું છે, માટે જનતાએ તેના પર કબજો જમાવી દીધો હતો. રાષ્ટ્રપતિભવનની ચોકી કરી રહેલા સશસ્ત્ર ચોકિયાતો પણ પ્રજાની આ તાકાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ પણ પ્રજાના નિમ્ન તબક્કામાંથી આવતા હોવાથી તેમણે પોતાના દેશબાંધવોને રોકવાનો કે તેમના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તોફાનીઓ મોડી સાંજે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના પોશ બંગલા પર પહોંચ્યા હતા અને તેને પણ આગ ચાંપી હતી. શ્રીલંકામાં જે અરાજકતા પેદા થઈ છે તેનો લાભ લઈને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પોતાનો સ્વાર્થ સાધી લેવા તત્પર બની છે.

શ્રીલંકાની બરબાદીનું મૂળ સરકારની આવક કરતાં વધુ ખર્ચો કરવાની નીતિ છે. શ્રીલંકામાં જેટલી આયાત થતી હતી તેના કરતાં ઓછી નિકાસ થતી હતી, જેને કારણે હૂંડિયામણની સતત તંગી રહેતી હતી. આ તંગીમાંથી રસ્તો કાઢવા શ્રીલંકાની સરકાર સતત વર્લ્ડ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન લેતી હતી અને ગાડું ગબડાવતી હતી. આ લોનને કારણે એક બાજુ દેશ દેવાદાર બનતો ગયો તો શાસક વર્ગ ભ્રષ્ટાચાર થકી સમૃદ્ધ બનતો ગયો હતો. બે વર્ષ પહેલાં કોરોનાનું તોફાન આવ્યું તેને કારણે પર્યટકો શ્રીલંકામાં આવતાં બંધ થઈ ગયાં. પર્યટનવ્યવસાયને કારણે જે વિદેશી હૂંડિયામણ મળતું હતું તે બંધ થઈ ગયું.

બીજી બાજુ શ્રીલંકાનાં જે નાગરિકો વિદેશમાં રહીને કરોડો ડોલર કમાઈને મોકલતાં હતાં તેમની નોકરી જવાથી તેમના થકી આવતાં ડોલરનો પ્રવાહ મંદ પડી ગયો. ડોલરની આવક ઘટી ગઈ, પણ જાવકમાં ઘટાડો ન થવાને કારણે ડોલરના મર્યાદિત ભંડારો પણ ખાલી થઈ ગયા. ત્યાં સુધી કે જરૂરી અનાજ, દવાઓ અને ખનિજ તેલની આયાત કરવા માટે પણ સરકાર પાસે ડોલર રહ્યા નહીં. સરકારે જે વિદેશી દેવું કર્યું છે, તેનો આંકડો ૫૧ અબજ ડોલર જેટલો છે. તેની સામે તેણે આ વર્ષે વ્યાજના રૂપમાં જ સાત અબજ ડોલર ચૂકવવાના છે, પણ ૨૦૨૨ ના માર્ચમાં તેની પાસે ૧.૯ અબજ ડોલરનું અનામત ભંડોળ જ હતું. આ વ્યાજ પણ ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે શ્રીલંકાની સરકાર દ્વારા દેવાળું જાહેર કરવામાં આવ્યું છે.

શ્રીલંકાની વર્તમાન સરકારે ડોલર પરનું અવલંબન ઘટાડીને પોતાના પગ ઉપર ઊભા રહેવાના પ્રયાસો કર્યા તેને કારણે વિદેશી મહાસત્તાઓ દ્વારા તેને સજા કરવામાં આવી રહી છે. સરકારે કેમિકલ ફર્ટિલાઈઝરો અને જંતુનાશક દવાઓ પાછળ ખર્ચવામાં આવતા અબજો ડોલર બચાવવા માટે તેની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને શ્રીલંકાને ૧૦૦ ટકા ઓર્ગેનિક ફાર્મિંગ કરતો દેશ બનાવવાની જાહેરાત કરી હતી. તેને કારણે કેમિકલ ફર્ટિલાઈઝરો અને જંતુનાશક દવાનો વેપાર કરતી મલ્ટિનેશનલ કંપનીઓનો ગરાસ લૂંટાઈ ગયો હતો.

તેમણે ઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પર દબાણ આણીને શ્રીલંકાને ડાઉનગ્રેડ કરાવી, જેને કારણે તેને મળતી લોન બંધ થઈ ગઈ હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ શ્રીલંકાને ત્રણ અબજ ડોલરની લોન આપીને તેને પોતાનું ગુલામ બનાવવા માગે છે, પણ વર્તમાન સરકાર તે સોદો કરવા તૈયાર નથી થતી. તે કારણે સરકારને બદનામ કરીને તેને સત્તા છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે. હવે શ્રીલંકામાં જે કોઈ સરકાર સત્તા પર આવશે તેણે પહેલું કામ ત્રણ અબજ ડોલરની વિદેશી લોન મંજૂર કરવાનું હશે.

ભારતની જેમ શ્રીલંકામાં પણ સરકારની આવક કરતાં ખર્ચાઓ વધુ છે, જેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. તેનો ઉપાય આવક વધારવાનો અને ખર્ચાઓ ઘટાડવામાં છે, પણ સરકારની નીતિ દેવું કરીને જલસા કરવાની છે. સરકારની આવક અને જાવક વચ્ચેની જે ખાઈ છે તે રૂપિયાની નોટો છાપીને કે પ્રજા પાસેથી બોન્ડના માધ્યમે રૂપિયા ઉધાર લઈને પૂરી કરવામાં આવે છે. આ ઉધાર લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે છે, જેના માટે કરવેરા નાખવા પડે છે. જેમ જેમ સરકાર રૂપિયા છાપતી જાય છે, તેમ તેમ રૂપિયાની કિંમત ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે. આ મોંઘવારીનો માર ગરીબ અને મધ્યમ વર્ગને વધુ પડે છે.

શ્રીમંતો તો તેમાંથી પણ કમાણી કરે છે. શ્રીલંકાની પ્રજાએ જો કોઈ ચીજનો વિરોધ કરવો હોય તો તે શાસક પક્ષનો નહીં પણ તેમની ડેફિસિટ ફાઇનાન્સની નીતિનો વિરોધ કરવો જોઈએ. સરકારે આવક મુજબ ખર્ચા કરતાં શીખવું જોઈએ. જો સરકાર સતત દેવું લઈને ખર્ચા કર્યા કરશે તો તે દેવું ચૂકવશે કોણ? તે વિચાર કરવો જોઈએ. લાખો નાગરિકો રસ્તા પર આવી જતાં શ્રીલંકામાં જબરદસ્ત રાજકીય શૂન્યાવકાશ પેદા થયો છે. મે મહિનામાં પ્રજાનું પ્રચંડ આંદોલન થતાં રાષ્ટ્રપતિ ગોટાબોયા રાજાપેક્ષાએ વડા પ્રધાન તરીકે પોતાના ભાઈ મહિન્દા રાજાપેક્ષાનું રાજીનામું લઈને પોતાની ખુરશી બચાવી લીધી હતી અને રાનિલ વિક્રમસિંઘેને વડા પ્રધાન બનાવ્યા હતા.

ગોટાબોયા રાજાપેક્ષા પ્રજાના જુવાળનો મુકાબલો કરીને પણ સત્તા પર ચીટકી રહ્યા હતા, પણ શનિવારની ઘટના પછી તેમણે તા. ૧૩ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની ખુરશીઓ ખાલી થઈ જતાં હવે શ્રીલંકાના બંધારણ મુજબ દેશનો વહીવટ કરવાની જવાબદારી સંસદના સ્પીકર યાપા અભયવર્ધને પર આવી ગઈ છે. તેમણે જાહેર કર્યું છે કે શ્રીલંકામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય સરકારની સ્થાપના કરવામાં આવશે. જો કે આ સરકારમાં પણ જૂના જોગીઓ જ હશે, જેમણે ગલત આર્થિક નીતિઓનો અમલ કરીને શ્રીલંકાને દેવાળિયું બનાવી દીધું હતું.

આ સરકારને સાધીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ત્રણ અબજ ડોલરની લોન આપી દેશે અને પોતાની શરતો મનાવી લેશે. કોરોનાની મહામારી પછી  એક નવી વિશ્વવ્યવસ્થા આકાર ધારણ કરી રહી છે. તે માટે અનેક દેશોમાં સત્તાપરિવર્તન થઈ રહ્યું છે અથવા કરાવવામાં આવી રહ્યું છે. બ્રિટનમાં વડા પ્રધાન બોરિસ જોનસનને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે તો જપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્જો એબેની હત્યા કરવામાં આવી છે. હવે કદાચ ભારતનો વારો પણ આવી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top