નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારે મહા વદ પાંચમના દિવસે 251માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ પર્વની ઉજવણી નિમિત્તે ઠાકોરજીને પંચામૃત અને કેસરથી સ્નાન કરાવ્યાં બાદ ભારે વસ્ત્રો અને કિંમતી આભુષણોનો શણગાર તેમજ મહાભોગ ધરવાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં હજારો શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્ત વિજયસિંહ બોડાણાજીની ભક્તિથી વશ થઈને રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન દ્વારિકા નગરી છોડી સંવત 1212ની કારતકી પૂર્ણિમાના રોજ ડાકોર પધાર્યાં હતાં. જે બાદ રણછોડરાયજીની મૂર્તિની સૌપ્રથમ ભક્ત બોડાણાજીના ઘરે અને ત્યારબાદ શ્રી લક્ષ્મીજીના મંદિરમાં સેવા-પુજા કરવામાં આવતી હતી. ડાકોરમાં પધાર્યાંના 616 વર્ષ બાદ સંવત 1828 માં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાન માટે ગોમતી તળાવ સામે શિખરબધ્ધ મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું અને મહા વદ પાંચમના દિવસે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે મહા વદ પાંચમના દિવસે મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત સોમવારે મહા વદ પાંચમના દિવસે શ્રી રણછોડરાયજી મંદિરના 251માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને પંચામૃત અને કેસર સ્નાન કરાવાયું હતું. જે બાદ ઉત્સવના ભારે સાજ વસ્ત્રો તેમજ કુલેહ જોડ આયુધો સમેત ભારે શણગાર કરવામાં આવ્યો હતો. શણગાર આરતી ગ્રુપ દ્વારા મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી તેમજ ઠાકોરજીને ધાણી, ચણાં, ખજુરનો પ્રસાદ ધરાવી ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. પાટોત્સવ દિવસ નિમિત્તે ઠાકોરજીને વિશેષ ઉત્સવ મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. સાંજના સમયે સમગ્ર મંદિર પરિસરમાં ચોખ્ખાં ઘીના દીવડાં પ્રગટાવવામાં આવ્યાં હોવાથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલાં શ્રધ્ધાળુઓએ ઠાકોરજીનાં અલૈકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.