- રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસના જવાનો ખડેપગે રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવ્યું
ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાંથી રવિવારે શ્રીજીની 249 મી રથયાત્રા હાથી-ઘોડા, ભજનમંડળી, અખાડા તેમજ ભક્તો વગર ખુબ જ સાદગીપૂર્વક નીકળી હતી. કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા માત્ર બે કલાકમાં જ નિજમંદિર પરત ફરી હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ અષાઢ સુદ એકમના પવિત્ર દિવસે પુષ્ય નક્ષત્રમાં શ્રીજીની 249 મી રથયાત્રાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. જે બાદ નિત્યક્રમોનુસાર ઠાકોરજીની સેવા પુજા બાદ સાડા સાત વાગ્યાના અરસામાં મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથની પુજા કરી તેમાં શ્રીજી ભગવાનને બિરાજમાન કરાવી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
મંદિરના સેવકો તેમજ કર્મચારીઓ દ્વારા ઘુમ્મટમાં રથની પાંચ પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચાંદીનો રથ નીચે ઉતારવામાં આવ્યો હતો. જે બાદ ચાંદી તેમજ પિત્તળના રથમાં શ્રીજી ભગવાનના વારાફરતી બિરાજમાન કરાવી મંદિર પરિસરમાં પાંચ પ્રદક્ષિણા કરાવવામાં આવ્યાં બાદ એકમાત્ર ચાંદીનો રથ મંદિરની બહાર કાઢવામાં આવ્યો હતો. મંદિરની બહાર આવેલાં રથમાં બે બળદો જોડી રથનું પ્રસ્થાન થતાંની સાથે શ્રીજી ભગવાનની નગરચર્યા શરૂ થઈ હતી. મંદિરમાંથી નીકળેલી આ રથયાત્રા નિયત કરેલાં રૂટ પર કરફ્યું વચ્ચે આગળ વધી રહી હતી. લાલબાગ, રાધાકુંડ, મોખા તલાવડી, ગાયોના વાડા, રણછોડપુરા, સમાધિ સ્થળ, માખણીયા આરા (કેવડેશ્વર) વાળા રસ્તે થઈ શ્રી લક્ષ્મીજી મંદિર પહોંચી હતી. જ્યાં શ્રીજીને ભોગ ધરાવ્યાં બાદ આરતી કરવામાં આવી હતી. જે બાદ રથયાત્રા પરત નિજમંદિર પહોંચી હતી.
કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ રથયાત્રામાં કોઈ ભક્તોને સામેલ થવા દેવામાં આવ્યાં ન હતાં. મંદિરના વારાદારી સેવકો, કર્મચારીઓ સહિત કુલ 60 જેટલા જ વ્યક્તિઓ જ મંદિરમાં તેમજ સમગ્ર રથયાત્રાના રૂટ પર હાજર રહ્યાં હતાં. સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો કાફલો રથયાત્રાના સમગ્ર રૂટ પર ખડેપગે રહ્યો હતો. માત્ર બે કલાકમાં જ નગરચર્યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસતંત્ર તેમજ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
- રથયાત્રા રૂટ પર આવતાં રહેણાંક વિસ્તારના રહીશોને દર્શનનો લાભ મળ્ય
ડાકોરના ઠાકોરની પરંપરાગત નીકળતી રથયાત્રાના રૂટ પર વડાબજાર, મંજીપુરા ગામ, નાની ભાગોળ, કાપડ બજાર સહિતના રહેણાંક વિસ્તારો આવેલાં છે. આ વિસ્તારમાં રહેતાં રહીશો દરવર્ષે રથયાત્રાના દિવસે શ્રીજી ભગવાનના દર્શન કરી મગ, કેરી, જાંબુનો પ્રસાદ ધરાવતાં હોય છે. જોકે, આ વર્ષે રથયાત્રા રૂટ પર કરફ્યું લાદવામાં આવ્યું હોવાથી આ વિસ્તારના રહીશો ભગવાનને પ્રસાદ ધરાવી શક્યાં ન હતાં. પરંતુ ઘરના ઓટલે, બાલ્કની તેમજ અગાસીમાં ઉભા રહી દુરથી જ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોકે, આ સિવાયના અન્ય વિસ્તારમાં રહેતાં રહીશો શ્રીજીની રથયાત્રાના દર્શનથી દુર્લભ રહ્યાં હતાં. આવા ગ્રામજનોએ સોશ્યલ મિડીયામાં વાઈરલ થયેલાં શ્રીજીની રથયાત્રાના ફોટા-વિડિયો જોઈ દર્શન થયાંનો સંતોષ માન્યો હતો.
- રથયાત્રા નિજમંદિરે પરત ફર્યા બાદ ઈંડીપીંડીની વિધી કરાઇ
ડાકોર મંદિરમાંથી નીકળેલી શ્રીજીની રથયાત્રા માત્ર બે કલાકમાં દશેક કિલોમીટરનું અંતર કાપી નિજમંદિર પરત ફરી હતી. મંદિરે પરત ફર્યાં બાદ પરંપરા મુજબ શ્રીજીને સૌપ્રથમ ભોગ ધરાવી આતરી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ નજર ઉતારવાની વિધી (ઈંડીપીંડી) કરી શ્રીજી ભગવાનને ગર્ભગૃહમાં લઈ જવાયાં હતાં. આ સાથે રથયાત્રાનું સમાપન થયું હતું.
- રથયાત્રાની પળેપળ
- 7-30 વાગ્યે શ્રીજીને ચાંદીના રથમાં બિરાજમાન કરાયાં
- 8-00 વાગ્યે એકમાત્ર ચાંદીના રથ સાથે શ્રીજીની રથયાત્રા મંદિરની બહાર નીકળી
- 8-15 વાગ્યે રથયાત્રા રાધાકુંડ પહોંચી
- 8-35 વાગ્યે રથયાત્રા મોખા તલાવડી પહોંચી
- 8-50 વાગ્યે રથયાત્રા ગાયોના વાડા (વાડા ફાર્મ) પહોંચી
- 9-15 વાગ્યે રથયાત્રા રણછોડપુરા પહોંચી
- 9-35 વાગ્યે રથયાત્રા માખણીયા આરા (કેવડેશ્વર મહાદેવ) પહોંચી
- 9-50 વાગ્યે રથયાત્રા શ્રી લક્ષ્મીજી મંદિર પહોંચી
- 10-10 વાગ્યે રથયાત્રા નિજમંદિર પરત ફરી
- 10-20 વાગ્યે ઈંડીપીંડી (નજર ઉતારવાની વિધી) થઈ
- 10-25 વાગ્યે શ્રીજી ભગવાન ગર્ભગૃહમાં લઈ જવાયાં
- ડાકોર-મહુધા રોડ બંધ રખાયો – વાહન ચાલકોને રથયાત્રાના દર્શનનો લાભ મળ્યો
ગાયોનો વાડો (વાડા ફાર્મ) એ ડાકોર-મહુધા રોડ પર આવેલ જગ્યા છે. ડાકોરના ઠાકોરની રથયાત્રા ગાયોના વાડા નજીક પહોંચી ત્યારથી ડાકોર-મહુધા મુખ્ય માર્ગ વાહન વ્હવહાર માટે બંધ કરી દેવાયો હતો. જેને પગલે આ માર્ગ પર વાહનોની કતાર લાગી હતી. દરમિયાન માર્ગ પર શ્રીજીની રથયાત્રા આવતાં આ વાહનોમાં સવાર લોકો પોલીસના બેરીકેટ સુધી દોડી આવ્યાં હતાં અને શ્રીજીની રથયાત્રાના દુરથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- બપોરે 1 વાગ્યા બાદ બજારો ખુલ્યાં
રથયાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા મંદિર આસપાસના વિસ્તાર તેમજ રથયાત્રા રૂટ પર કરફ્યું લાદવામાં આવ્યો હતો. જે અંતર્ગત મંદિર આસપાસ તેમજ રથયાત્રા રૂટ પરની દુકાનો સવારે 6 વાગ્યાથી લઈ 1 વાગ્યાં સુધી બંધ રાખવાની સુચના આપી હતી. જેને પગલે સવારથી જ બજાર બંધ જોવા મળ્યાં હતાં. જોકે, બપોરે 1 વાગ્યાં બાદ દુકાનો ખુલી જતાં બજાર ધમધમવા લાગ્યું હતું.
મંદિર આસપાસના વિસ્તારોમાં કરફ્યુંથી નગરજનોને હાલાકી વેઠવી પડી
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરના આસપાસના વિસ્તારોમાં તેમજ રૂટ પર કરફ્યુ લગાવી શ્રીજીની સાદગીપૂર્વક રથયાત્રા કાઢવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગ્યાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું હોવાથી નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે દુધ તેમજ અખબાર લેવા નીકળેલાં નાગરીકોને પોલીસે ડંડા બતાવી પાછા કાઢ્યાં હતાં.
- બહારગામથી આવેલાં દર્શનાર્થીઓ અટવાયાં
યાત્રાધામ ડાકોરમાં દરેક તહેવારો ઉપરાંત રવિવારના રોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. રવિવારના દિવસે રથયાત્રા હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડવાથી કોવિડ ગાઈડલાઈનનો ભંગ થવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા રવિવારે રથયાત્રાના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ નિર્ણય છેલ્લી ઘડીએ લેવાયો હોઈ ઘણાં લોકો મંદિર બંધ હોવાની વાતથી અજાણ હતાં. જેને પગલે રવિવારના રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવા લાગ્યાં હતાં. રથયાત્રાના પગલે મંદિર તરફના માર્ગો બંધ રાખ્યાં હોવાથી બહારગામથી આવેલાં શ્રધ્ધાળુઓ અટવાયાં હતાં. બપોરે 12 વાગ્યાં બાદ આવા શ્રધ્ધાળુઓને મંદિર તરફના રસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, મંદિર બંધ હોવાથી શ્રધ્ધાળુઓને બહારથી મુખ્ય દ્વાર તેમજ ધજાના દર્શન કરી પરત ફરવું પડ્યું હતું.
- નોનસ્ટોપ રથ દોડાવવાથી હાંફી ગયેલાં બળદોને બદલવાં પડ્યાં
કોરોના મહામારીને પગલે શરતોના પાલન સાથે નીકળેલી રથયાત્રા નિયત સમય મર્યાદામાં પરત નિજમંદિર લાવવાની હોઈ આ વર્ષે શ્રી લક્ષ્મીજી મંદિર સિવાય એક પણ જગ્યાએ શ્રીજીની બેઠક રાખવામાં આવી ન હતી. જેને પગલે શ્રીજીનો રથ કોઈપણ જગ્યાએ ઉભો રહ્યાં વિના નિરંતર આગળ વધી રહ્યો હતો. નોનસ્ટોપ ચારેક કિલોમીટર સુધી રથ ખેંચ્યાં બાદ બળદોની હાલત કફોડી બની હતી. બળદોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. રથયાત્રા ગાયોના વાડે પહોંચી તે વખતે બળદો રીતસરના ઉભા રહી ગયા હતાં. જેથી તાત્કાલિક ધોરણે રથમાં જોતરેલા બળદોને બદલવાની ફરજ પડી હતી. આ બાબતે મંદિરના એક કર્મચારીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે ગાયોનો વાડો આ બળદોનું રહેઠાણ છે. દર વર્ષે શ્રીજીનો રથ ગાયોના વાડે જતો હોય છે. પરંતુ આ વર્ષે રથને ગાયોના વાડા તરફ લઈ જવામાં ન આવતાં રથ સાથે જોતરેલા બળદો ઉભા રહી ગયાં હતાં.