Gujarat

સુરતથી 75 બસમાં 4000થી વધુ સિનિયર સિટીઝન સોમનાથના પ્રવાસે જશે

સુરત: શ્રાવણના પવિત્ર માસમાં ગુજરાત (Gujarat) સરકાર દ્વારા સિનિયર સિટીઝન (Senior Citizen) માટે શ્રાવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirtha Darshan Yojana) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) 167 સુરત પશ્ચિમ વિધાનસભામાં રહેતા સિનિયર સિટીઝન માટે સોમનાથ (Somnath) પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત (Surat) શહેરમાંથી 13 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે 75 બસમાં 4000થી વધુ સિનિયર સિટીઝન સોમનાથના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટના દિવસે સોમવારે 4000 સિનિયર સિટીઝનો સોમનાથ ખાતે ભગવાન મહાદેવના દર્શનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી 75 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4000 સિનિયર સિટીઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ ત્રણ દિવસનો હશે. જેમાં તેઓ 13મી ઓગસ્ટની રાત્રે 10 વાગ્યાથી સુરત ખાતેથી બસ ઉપાડવામાં આવશે જે 15મી ઓગસ્ટના દિવસે સોમનાથ પહોંચશે. યાત્રિકોને ચોટીલા, ગોંડલ, ખોડલધામસ ભાલકા તીર્થ, તેમજ સ્વામિનારાયણ મંદિર વડતાલ પણ લઈ જવામાં આવશે. 15 મી ઓગસ્ટના દિવસે સોમનાથના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે ત્યારે 4000 સિનિયર સિટીઝન પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ત્રણ દિવસ રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પવિત્ર શ્રાવણ માસમાં 60થી વધુ વર્ષના વૃદ્ધો યાત્રાએ જઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રવણ તીર્થ દર્શન યોજના અતંર્ગત 75 ટકાની સબસીડી સાથે યાત્રા યોજવામાં આવશે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા યાત્રિકો માટે 50 ટકા ટ્રાવેલ્સ ખર્ચ આપવામાં આવતો હતો પરંતુ જ્યારે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે સબસીડી 50 ટકાથી વધારી 75 ટકા કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે શ્રાવણ તીર્થ દર્શન યોજના હેઠળ 27 જેટલા સિનિયર સિટીઝન માટે 75 ટકા ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 27 જેટલા વ્યક્તિઓ કોઈ એક ધાર્મિક સ્થળે જતા હોય અથવા તેથી વધુ તો તેમના માટે બસની વ્યવસ્થા અને જે ખર્ચનો 75 ટકા ભાગ રાજ્ય સરકાર ચૂકવશે. તેમણે કહ્યું હતું કે કોરોનાકાળના બે વર્ષ બાદ પહેલો પ્રવાસ જઈ રહ્યો છે. 4000 સિનિયર સિટીઝનો માટે અલાયદી દર્શનની વ્યવસ્થા થાય તે માટે મંદિરના ટ્રસ્ટીને પણ વિંનતી કરવામાં આવી છે. આ સાથે જ સિનિયર સિટીઝન માટે સુરતથી એક મેડિકલ ટીમ પણ સાથે મોકલવામાં આવશે.

Most Popular

To Top