શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં આવે છે.મૃત્યુ પામેલા પોતાના પિતૃના આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે છે અને કાગવાસ નાંખવામાં આવે છે.જેમના પરિવારમાં બાળપણમાં સંતાનોનું અવસાન થયું હોય તેવાં બાળકોનું ભાદરવા વદ તેરસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે. તે દિવસે દૂધભાતનો વાસ નાંખવામાં આવે છે અને મહોલ્લાનાં બાળકોને દૂધભાત જમાડવામાં આવે છે અને દક્ષિણા અને બિસ્કિટ ફળ આપવામાં આવે છે.સુરતમાં વર્ષો પહેલાં તેરસના શ્રાદ્ધના દિવસે બાળકો શાળાએ જતાં નહિ.
સુરતના શેરી મહોલ્લામાં બાળકોનો મેળો જામતો,ઘરોમાંથી દૂધ ભાત જમવા માટે બૂમ પાડવામાં આવે એટલે બાળકોનું ટોળું એ ઘર તરફ દોટ લગાવે.ઘરમાં બાળકોને ગોળ ટોળામાં બેસાડી દૂધ ભાત જમાડી ચાંલ્લો કરી દક્ષિણા અને બિસ્કિટ કે ફળ આપવામાં આવે.બાળકોમાં આનંદ અને ઉમંગ વર્તાતો.બપોરે દૂધભાતનું જમણ પતે એટલે પૈસાની ગણતરી થતી, પોતાની પાસે કેટલા રૂપિયા આવ્યા તે મિત્રોને જણાવી આનંદ અનુભવતા.જેનાં સંતાનો બાલ્યાવસ્થામાં સ્વર્ગવાસ થયાં હોય તેઓ ભગવાન સમાં બાળકોને જમાડી સાચી શ્રદ્ધાંજલિ આપતાં.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.