હોલી હે! કોંગ્રેસમાં હોળી જ છે, ધુળેટી નથી. યુ.પી. સહિત અન્ય ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાને રોડ શો જો કરવો હોય તો એ ચાર રાજયોમાં કરવો જોઇતો હતો પણ ગુજરાત આવીને કર્યો. કર્યો નહીં કર્યા – પૂરા ત્રણ. કોંગ્રેસવાળા તો ઉપરતળે થઇ ગયા. જો કે ઉપરતળે નહીં તળે – તળે થઇ ગયા એવું કહેવું જોઇએ. ત્યાં પેલા સોનિયાબહેને પાંચ રાજયના કોંગ્રેસપ્રમુખ પાસે રાજીનામાં માંગી લીધાં. આમ તો સહુ પ્રથમ તેમણે પોતે તેમનાં પુત્ર – પુત્રી સહિત રાજીનામાં આપવાનાં હતાં પણ તો પછી ભારતીય કોંગ્રેસ નહીં ભારતમાંથી એ કુટુંબનો કાંકરો નીકળી જાય એટલે કોંગ્રેસના પદો જાળવી રાખ્યાં છે. મતલબ કે કીડી જેવા નેતા હાથીની ઢાલ આગળ રાખીને ચાલશે. પણ ગુજરાત કોંગ્રેસના કોઇ નેતાને એવી ચિંતા નહોતી કે તેમનાં રાજીનામાં મંગાશે કારણ એટલું જ કે તે હવે નેતા જ નથી રહ્યા તો રાજીનામાં વળી શેનાં? વડા પ્રધાન મોદીના રોડ શોથી મોદી – ભાજપ ઊંચા ને કોંગ્રેસ નીચા થયા. ઘણાનું કહેવું છે કે રોડ શો ભાજપે નહીં, કોંગ્રેસે કરવાનો હોય કારણ કે રોડ પર તો તેઓ જ છે તો તેને જ ‘શો’ કરોને!
‘આપ’ રે આપ, બાપ રે બાપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની છે કે નહીં તે ખબર નથી પણ વહેલી યોજાવાની દહેશતમાં ભાજપ સિવાયના પક્ષો કે જે ચૂંટણી જીતવા ઇચ્છુક છે તે દોડતા થઇ ગયા છે. એવું લાગે છે કે ચૂંટણી પહેલાં આવા પક્ષોને દોડાવી દોડાવી ફીણ કાઢવાનો ભાજપનો ઇરાદો છે. વડા પ્રધાને ચાર વિધાનસભામાં જીત પછી અમદાવાદ – ગાંધીનગરમાં ત્રણ રોડ શો કર્યા તો આપે સુરતમાં અને તે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રભાવવાળા વિસ્તારમાં તિરંગાયાત્રા યોજી. પંજાબમાં જીત ને સુરતમાં યાત્રા? પણ હકીકતે તેમાં યાત્રા જેવું હતું નહીં. મૂળ શું છે કે મતદારો સામે પોતાની ઓળખ રચવાના બદલે તેઓ મતદારોને એમ કહેવા માંગતા હતા કે અમે પણ છીએ, તો અમને જોઇ લો પણ ગરબડ એવી થઇ કે તરત જ સી.આર. પાટીલનો જન્મદિવસ આવતો હતો અને તેમણે એ દિવસને એવા ઉત્સાહમાં ફેરવી નાંખ્યો કે ‘આપ’ની તિરંગાયાત્રાનો રંગ જ ઊતરી ગયો. કોંગ્રેસની જેમ ‘આપ’ પાસે પણ દેખાડવા જેવા ચહેરા જ નથી. ચહેરા વિના યાત્રા થતી હોય? સી.આર. પાટીલનો ગઢ હોય ત્યાં અમથી ત્રાડ ન નાંખવી. સસલું સિંહ થવા જાય તો લોકો ફીરકી લેવા માંડે.
મહેસૂલ મંત્રીકા ઉસૂલ, સ્વીકારવી નહીં ભૂલ
ગુજરાતમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી છે. ન જાણતા હો તો જાણી લો અને વધુ જાણવું હોય તો કોંગ્રેસને પૂછી લો. શું છે કે કોંગ્રેસના ધારાસભ્યો આ મહેસૂલ મંત્રી પાસે રાજકીય મહેસૂલ વસૂલવા માંગતા હતા. વધારે સ્પષ્ટ કહો તો કોરોના મૃત્યુ સહાય મામલે રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભામાં ઘેરવા માંગતા હતા પણ વિધાનસભાના અધ્યક્ષા જો નીમાબેન આચાર્ય હોય તો કોંગ્રેસ જ ઠોઠ નિશાળિયા પુરવાર થાય. થઇ પણ ખરી. રાજેન્દ્ર ત્રિવેદી એવા ચતુર કે આ મૃત્યુ સહાયનો મામલો કોર્ટમાં છે એટલે એની ચર્ચા અહીં નહીં થઇ શકે એમ કહી આખો સવાલ જ ઉડાવી દીધો. બિચ્ચારા- કોંગ્રેસના વિધાનસભ્યોને થાય છે કે તેમની સ્વરપેટી ભાજપે કાઢી લીધી છે તો અવાજ કેવી રીતે કાઢવો? બાકી મહેસૂલ મંત્રીએ જવાબ આપવાનો જ હોય કારણ કે તેમાં ભાજપ સરકારની સંવેદનશીલતાનો એક સાચ-જૂઠનો પ્રશ્ન છે પણ કયા બોલને રમવો કે કયો છોડવો તે મહેસૂલ મંત્રીને આવડે છે એટલે કોંગ્રેસને થાય છે કે વિધાનસભાની બહાર તો અમારો અવાજ ગાયબ છે પણ વિધાનસભામાં ય સ્વરપેટી ચોરી લીધી? મહેસૂલ મંત્રી તેમને શૂલ મંત્રી લાગી રહ્યા છે.
અમિત શાહ આવ્યા – ગયા
આપણી ક્રિકેટ ટીમને જયારે લાગે કે તે પછડાટ અનુભવી રહી છે ત્યારે તરત જ દેશમાં ટેસ્ટ યા વન-ડે યા T-20 યોજી દે છે. એવું અમિત શાહનું પણ છે. દેશના ગૃહમંત્રી તરીકે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમના વિશે પડપૂછ ઓછી થવા માંડે તો તેઓ ગુજરાતની હોમપીચ પર આવી જાય છે. વડા પ્રધાને જે રોડ શો યોજયા તેમાં અમિત શાહ કયાંય નહોતા એટલે તેમણે કયાંક પોતાને ‘શો’ કરવા પડે તેમ હતા એટલે સુરતના બાજીપુરા ગામે આવ્યા અને તે પણ સહકાર મંત્રીની હેસિયતથી. જો કે તેમનું આવવું બાજીપુરા – સુરત પૂરતું જ મર્યાદિત બની ગયું. અમિત શાહને આ ગમ્યું તો ન હશે પણ આમાં અંગત રીતે ગમવું ન ગમવું ન ચાલે, ઉપરવાળાને શું ગમે ન ગમે તે ચાલે. ઉપરવાળા એટલે કોણ એ હવે બોલાવશો નહીં, નહીંતર ઉપર-નીચે થઇ જશે.