ભરૂચ: (Bharuch) આમોદ તાલુકાનું અંદાજે ૮૫૦ ગરીબ વસતી કાંકરિયા ગામના ૩૭ આદિવાસી હિન્દુ કુટુંબોના (Hindu) ૧૦૦થી વધુને લોભ, લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી લેવાનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ નવ જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાંકરિયા ગામમાં ઇસ્લામ (Islam) ધર્મ અંગીકાર કરનારા ભોગ બનેલા શખ્સોના મોંઢે એવો ખુલાસો કર્યો હતો કે, ઇસ્લામ ધર્મ સ્વીકારો તો પહેલા અનાજ આપતા હતા, ઘર બનાવી આપીશું અને બીજા નિકાહ(લગ્ન) કરાવી આપીશું એવી લાલચ ગરીબ આદિવાસી પરિવારને આપતા હતા. આદિવાસીઓના નામ જે હોય એને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ મુસ્લિમ (Muslim) નામનો આધાર કાર્ડ (Aadhar card) બનાવી આપતા હતા.
મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશીમાંથી ફંડિંગ ભેગું કરીને ગેરકાયદે ધર્માંતરણ કરાવતા હતા. આદિવાસી હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લોભ, લાલચનો પ્રપંચ આપીને છળકપટથી ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. કાંકરિયા ગામના સરપંચ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, કાંકરિયામાં ઘણા સમયથી કટ્ટર મુસ્લિમો દ્વારા વસાવા પરિવારના લોકોને પૈસા, અનાજ અને મકાનની લાલચ આપીને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
કાંકરિયામાં ધર્માતરણ પ્રવૃત્તિમાં ભોગ બનનાર પ્રવીણ વસાવાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ધર્માંતરણ પ્રવૃત્તિ ખૂબ જ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં હું પણ શિકાર થઇ ગયો હતો. અમારા ગામમાં રહેતા અજીત છગન વસાવાએ ઇસ્લામ ધર્મ અપનાવી નામ અબ્દુલ અજીત રાખેલું છે. અને ધર્મ પરિવર્તનનું ષડયંત્ર આ જ વ્યક્તિ કરાવે છે. અને આધારકાર્ડ પણ બદલાવી નંખાવે છે. મારું નવું નામ સલમાન પટેલ કરાવ્યું છે. અને મને સુરત લઇ જઈ નામ ચેન્જ કરાવી દીધું છે. પહેલા અનાજ, પછી મકાન બનાવી આપીશું અને નોકરી આપવાનાં વચનો આપતાં હતાં. તેમજ બીજા નિકાહ કરાવી આપીશું એવું કહ્યું હતું.
કાંકરિયાનો ફરિયાદી પ્રવીણને મળી રહી છે ધમકી, પોલીસ રક્ષણની માંગ
૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતા કાંકરિયા ગામે કટ્ટરવાદીઓએ ધર્માંતરણ કરાવ્યાનો ગુનો નોંધ્યા બાદ વધુ એક ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. કાંકરિયા ગામે લગભગ ૧૦ વર્ષથી આદિવાસીઓને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલતું હોવાથી ફરિયાદ આપનાર પ્રવીણને ધમકી મળતાં પોલીસ રક્ષણની માંગ કરી છે. સોમવારે પ્રવીણે આમોદ પોલીસમથકે ફરિયાદ આપ્યા બાદ તેને પતાવી દેવાની ધમકીઓ મળી હોવાનો આક્ષેપ કર્યો છે. મંગળવારે પ્રવીણ વસાવા આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણની માંગ માટે પહોંચ્યો હતો.