Columns

ભારત માટે ચોંકાવનારો રિપોર્ટ, વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ પરત ફરતા નથી!

ઓઇસીડી (ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ)એ તાજેતરમાં ‘ઈન્ટરનેશનલ માઈગ્રેશન પેટર્ન’ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ ભારત માટે ચોંકાવનારો છે! રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે વિકસિત દેશોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ ફરી પરત ફરતા નથી! એટલે કે, અભ્યાસ પછી, આ વિદ્યાર્થીઓ તે દેશમાં જ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. OECDના આ રિપોર્ટનું શીર્ષક છે – ઇન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલૂક 2022. અલબત્ત, દેશનું બ્રેનડ્રેન જઈ રહ્યું છે.

કોરોનકાળ પછી વિદેશ ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો આવું ચાલતું રહેશે તો દેશને એ બાબત નુકસાનકારક છે. દેશની યુવાપેઢીને અહીં જ એવું શિક્ષણ મળવું જોઈએ કે તેણે વિદેશ જવાની જરૂર ના પડે.  વેલ, પહેલાં આજે વાત કરીએ કે, આ રિપોર્ટમાં શું છે? OECD એ વિકસિત દેશોનું એક જૂથ છે. OECDના રિપોર્ટમાં આ દેશોમાં ભણતા વિદ્યાર્થીઓ વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આવા દેશોમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 10% ભારતીય છે અને 22 % વિદ્યાર્થીઓ ચીનથી આવે છે.

20થી 29 વર્ષની વચ્ચેના એક તૃતીયાંશ લોકો આ દેશોમાં રહે છે. વિશ્વમાં કામ કરવા માટે વિઝાની સમયમર્યાદા વધારવાની અથવા વર્ક પરમિટની વાત આવે છે ત્યારે ભારત અને ચીનના લોકો આ રેસમાં આગળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના લોકોનું વર્તન ‘નોંધપાત્ર રીતે અલગ’ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓમાં તેમના અભ્યાસ પછી તે દેશમાં રહેવાની શક્યતા વધારે છે અને તેમની પાસે 5 વર્ષ માટે વર્ક પરમિટ હોવાની પણ શક્યતા વધુ છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે OECD દેશોમાં ભારત અને ચીનના વિદ્યાર્થીઓ સૌથી વધુ જોવા મળે છે, પરંતુ આ દેશોમાં રહેવાની બાબતમાં બંને દેશોના વિદ્યાર્થીઓમાં અલગ-અલગ પ્રકારનું વર્તન જોવા મળે છે. આ દેશોમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓનો ‘સ્ટે-રેટ’ સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ, જે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે, તેમનો ‘સ્ટે-રેટ’ ઓછો છે, કારણ કે ચીનના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પછી આ દેશો છોડી દે છે. 2015થી શિક્ષણ વિઝા પર કેનેડા, જર્મની, ઑસ્ટ્રેલિયા, UK અને જાપાન જેવા OECD દેશોમાં ગયેલા ભારતીય વિદ્યાર્થીઓનો ‘સ્ટે-રેટ’ ચીનથી આવતા વિદ્યાર્થીઓ કરતાં ઘણો વધારે જોવા મળ્યો છે. ‘સ્ટુડન્ટ વિઝા’ને ‘વર્ક પરમિટ’માં કન્વર્ટ કરવાના મામલે પણ ભારતીય વિદ્યાર્થીઓ ચીનના વિદ્યાર્થીઓ કરતાં આગળ છે. અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ હંમેશાં મોટાભાગે ભારતીયો જ  છે.

આ વિદ્યાર્થીઓમાં એવું જોવામાં આવ્યું છે કે અભ્યાસ બાદ તેઓ ત્યાં જ રહીને નોકરી કરે છે. આ માટે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ટેમ્પરરી વિઝા (H-1B) પણ મેળવી લે છે. OECD રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીનથી આવતા વિદ્યાર્થીઓ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ આ દેશોમાં માસ્ટર્સ અને  Ph.D જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે. ટૂંકમાં આ રિપોર્ટ પરથી એવું સ્પષ્ટ થાય છે કે – ઉચ્ચ અભ્યાસ માટે આપણી યુવાપેઢી વિદેશ ભણવા જાય છે તેને દેશમાં જ એ સુવિધા મળે એવું વિઝન સરકારનું હોવું જોઈએ, નહીંતર વિશ્વનો સૌથી યુવા દેશ પોતાનો આ અમૂલ્ય ખજાનો આ રીતે  હંમેશાં ગુમાવતો રહેશે.

Most Popular

To Top