સુરત: ઉચ્છલ અને વળદા ગામ વચ્ચે પત્ની સામે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેનાર મહારાષ્ટ્રના આદિવાસી યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અજય પત્ની સાથે વળદા ગામ સાળાને ત્યાં આવી રહ્યો હતો. મૃતકના પિતાએ કહ્યું હતું કે પારિવારિક ઝઘડામાં અજયે આવું પગલું ભર્યું હતું. 90 ટકા દાઝી ગયેલો અજય 32 કલાકની સારવાર બાદ મોતને ભેટ્યો હતો.
મૃતકના પિતા સતિષભાઈએ કહ્યું કે અજય માત્ર 32 વર્ષનો જ હતો. એક નો એક પુત્ર ને એક ની એક દીકરી નો લાડકો ભાઈ હતો. સેંટિંગ કામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થતો હતો. લગ્ન ને પણ 5 વર્ષ જ થયા હતા. એક દોઢ વર્ષનો પુત્ર છે. ઘટના 30 મી ના રોજ બપોરે બની હતી. ત્યારબાદ અજયને સારવાર માટે ઉચ્છલ બાદ વ્યારા અને ત્યાર બાદ સિવિલ લઈ આવતા મોત નિપજ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે અજય બાઇક ઉપર પત્ની સાથે ઉચ્છલ રહેતા સાળાને ઘરે જવા નીકળ્યો હતો. રસ્તામાં કોઈ બાબતે પત્ની સાથે બોલાચાલી થતા પાણીની બોટલમાં ભરેલું પેટ્રોલ શરીર પર છાંટી પત્ની સામે જ સળગી ગયો હતો. હોસ્પિટલ લઈ જતા 90 ટકા દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસને આપેલા છેલ્લાં નિવેદનમાં પણ અજય એ એવું જ કહ્યું હતું કે પત્ની સાથે અંગત ઝઘડામાં આવું પગલું ભર્યું હતું. જોકે આ બાબતે અજયની પત્ની નિકિતા એ પણ આવું જ નિવેદન આપ્યું હતું. આવું અંતિમ પગલું ભરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ ઉચ્છલ પોલીસ તપાસ કરી રહી છે.